Sun Aug 23 2026

Logo

ઝબાન સંભાલ કે: ટહાડ જાય રૂએ, આદત જાય મુવે

2026-08-23 07:49:02
Author: Henry Shastri
Article Image

- હેન્રી શાસ્ત્રી

આદત આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સારી આદત આપણને મદદરૂપ થાય છે અને સફળતા અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જ્યારે ખરાબ આદત હાનિકારક હોય છે, નુકસાન પહોંચાડે છે. પ્રગતિમાં બાધા બની શકે છે. ખરાબ ટેવો બદલવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ‘ટહાડ જાય રૂએ ને આદત જાય મુવે’ કહેવત દ્વારા આ વાત સુપેરે પ્રગટ થાય છે. આ કહેવતની કથા જાણવા જેવી છે. ગુજરાતી કહેવતોમાં બ્રાહ્મણ અને વાણિયાની હાજરી સૌથી વધારે હોય છે. સરસ્વતી બ્રાહ્મણને વરે અને લક્ષ્મી વાણિયાને કહેવતમાં બંનેના ગુણ દર્શન થાય છે. મહદંશે બ્રાહ્મણ સ્વભાવે શાંત, સરળ અને સંસ્કારી હોય છે. જોકે, દરેક બાબતમાં અપવાદ હોય એમ કોઈ બ્રાહ્મણ કપટી સ્વભાવના પણ હોય છે. આ કહેવત કથાનો બ્રાહ્મણ મહા ખટપટી અને ઠગારો હતો. એની કુટિલતાએ ઘણો દાટ વાળ્યો હતો. 

અનેક વર્ષ કપટ - ક્લેશના કામ કર્યા પછી હૈયે રામ જાગ્યા હોય એમ બ્રાહ્મણને વિચારો આવવા લાગ્યા, ‘આ કયા ભવનું ભાતું હું બાંધી રહ્યો છું? હવે જીવવાના કેટલા વર્ષ રહ્યા? થાય છે તીરથ યાત્રાએ નીકળી પડું અને બધા પાપ ધોઈ નાખું. કોરી પાટીએ જીવન શરૂ કરું. પ્રભુ રાજી થશે.’ શુભ સંકલ્પ કરી બ્રાહ્મણ યાત્રાએ નીકળી પડ્યો. કેટલાક વર્ષની લાંબી જાત્રા કરી પોતાને ગામ પાછો ફર્યો. છેલ્લો પંથ બહુ લાંબો હોવાથી અને ખૂબ ચાલવાને કારણે થાકીને લોથપોથ થઈ ગયો હતો. એટલે ઘરે પહોંચતા પહેલા એક સદગૃહસ્થને રાતવાસો કરવા દેવા વિનંતી કરી. ઘર માલિકે બ્રાહ્મણને આવકાર્યો અને બધી સગવડ કરી આપી. વાળુપાણી થઈ ગયા પછી ગૃહસ્થ બ્રાહ્મણ સાથે વાતોએ વળગ્યા. વાતચીત કરતી વખતે બ્રાહ્મણને અવળી મતિ થઈ અને ક્લેશ કંકાસ કરવાનો પોતાનો કસબ હજી જળવાઈ રહ્યો છે કે નહીં એ ચકાસવાની ઈચ્છા થઈ આવી. વાતવાતમાં અફસોસ થયો હોવાનો ડોળ કરી બ્રાહ્મણ બોલ્યો કે ‘શેઠ, દસેક વર્ષ તીરથ યાત્રા કરી ખૂબ પુણ્ય એકઠું કર્યું હતું, પણ તમારા ઘરમાં આશરો લીધો અને બધું બળીને ખાખ થઈ ગયું.’

અચાનક આવી વાત કાને પડતા યજમાન તો ગભરાઈ ગયા. વિનવણીના સ્વરે કહેવા લાગ્યા કે ‘મહારાજ, એવું કેમ થયું? મારા ઘરમાં કોઈ અધર્મી નથી. બધા સંસ્કારી અને ધર્મમાં આસ્થા ધરાવનારા છે. તમે આવું કેમ બોલો છો?’ પાસા ધાર્યા પડ્યા હોવાનો ખ્યાલ આવતા બાહ્મણે વાતમાં મોણ નાખ્યું અને કહેવા લાગ્યો કે ‘શેઠ, તમને કહીશ તો ગમશે નહીં, પણ જ્યોતિષ ખોટું કહે નહીં. તમારો જીવ દુભવવો નથી, પણ ભાગ્યમાં લખ્યું હોય એ મિથ્યા નથી થતું.’ યજમાને વાત જાણવાનો આગ્રહ રાખ્યો એટલે બ્રાહ્મણે કહ્યું કે ‘તમારી પુત્રવધૂ ડાકણ છે. એને તમારું કાળજું ખાવું છે.’ યજમાન તો સ્તબ્ધ થઈ ગયા. એ તો માનવા જ તૈયાર નહોતા, પણ બ્રાહ્મણે એમને વધુ ડરાવી કહ્યું કે ‘રાતના જાગતા રહેજો. નહીંતર તમારી બૂરી વલે થશે.’ યજમાન રાતે જાગવાના નિશ્ર્ચય સાથે પાછો ફર્યો. 

ત્યારબાદ યજમાનનો પુત્ર બ્રાહ્મણ સાથે વાતોએ વળગ્યો અને બ્રાહ્મણના આગમનથી પોતાનું ઘર પાવન થયું હોવાની વાત કરી. બ્રાહ્મણે એને પણ ઉશ્કેર્યો અને એની પત્ની અને પિતા વિશે આડીઅવળી વાત કરી. ત્યારબાદ ઘરની પુત્રવધૂને પણ બ્રાહ્મણે વિચિત્ર વેણ કહ્યા. ટૂંકમાં ત્રણેય સભ્યને એકબીજા વિશે આડીઅવળી વાત કરી મન ખાટા કરી નાખ્યા. જોકે, અંતે સહુ સારા વાના થાય એમ બ્રાહ્મણની ચડામણીથી એકબીજા પર શંકા કરનારા બાપ - દીકરો અને પુત્રવધૂ વચ્ચે અરસપરસ ખુલાસા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે બ્રાહ્મણે ત્રણે જણના કાન ભંભેર્યા હતા. પેલા બ્રાહ્મણને તરત ઘરમાંથી રવાના કર્યો. મહાકુટિલ બ્રાહ્મણે દસ વર્ષ જાત્રા કરી, પણ ક્લેશ - કંકાસ કરાવવાની કુટેવ ન ગઈ, કારણ કે ‘ટહાડ જાય રૂએ અને આદત જાય મુએ.’ મતલબ કે ઋતુ બદલાયા પછી જ ટાઢ - ઠંડી દૂર થાય એમ મર્યા પછી જ આદત જાય.

ભાષા વૈભવ 

એક કહેવત - અનેક સ્વરૂપ   

અવસર જીવનમાં બહુ જ મહત્ત્વ ધરાવે છે. તક, લાગ, મોકો... માણસ સતત એની તલાશમાં હોય છે. કોઈ મળ્યો અવસર ઝડપી લે છે તો કોઈ અવસર ચુકી જાય છે. વાત કેવળ નસીબની જ નથી, સમય સૂચકતાની પણ છે. અવસર ચૂકવો એટલે તકનો લાભ ન લેવો. અવસર ચૂક્યા મેવલા એટલે તક  અણીનો સમય ચૂકનાર કંઈ કામનું નહીં. અવસર તાકવો એટલે લાગ માટે રાહ જોવી. અવસરની બે કહેવત અત્યંત માર્મિક છે. એક છે અવસર ગયે બુધ ક્યા કરની? આ એક જાણીતી ગુજરાતી કહેવત છે જેનો અર્થ થાય કે યોગ્ય સમય કે તક હાથમાંથી નીકળી જાય, પછી મોડા ઉગેલા ડહાપણ કે ઉપાયોનો કોઈ ઉપયોગ રહેતો નથી. આ જ ભાવ કાર્તિક મહિને કણબી ડાહ્યો કહેવતમાં પણ ડોકિયા કરે છે. કારતક (કાર્તિક) મહિનો ખેતીકામ અને પાકની વાવણી માટેનો અગત્યનો સમય છે. મોડું થઈ જાય કે નુકસાન થયા પછી કોઈ ડાહ્યા થવાની કે સલાહ આપવાની વાતો કરે ત્યારે આનો પ્રયોગ કરવામાં આવે છે. રાંડ્યા પછી ડહાપણ ને ગરથ ગયા પછી જ્ઞાન કહેવત પણ સમજવા જેવી છે. મોટું નુકસાન થયા પછી ખ્યાલ આવવો અને ધન - સંપત્તિ (ગરથ)નો નાશ થાય ત્યારે જ્ઞાન થવું કે ભૂલ ક્યાં કરી. માણસ સમયસર ચેતી ન જાય અને પસ્તાવાનો વારો આવે ત્યારે ડહાપણની વાતો કરે એ આ કહેવતનો ભાવાર્થ છે. ઘા ભૂલ્યો તે ભવ ભૂલ્યો અને ગઈ પળ પાછી ન આવે એ કહેવતોમાં પણ આ જ ભાવાર્થ પ્રગટ થાય છે. સદા દોર દોરા દિખાતા નહીં, ગયા વક્ત ફિર હાથ આતા નહીં. સમય ખૂબ મૂલ્યવાન છે અને વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી એ ભાવ અહીં જોવા મળે છે. તમે આ કહેવત જરૂર જાણતા હશો કે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મ્હોં ધોવા જવું. અવસર ચૂકવાની જ વાત છે. પીલુ ટાંણે ચાંચ પાકી. પીલુ એક જાતનું ફળ છે જે પક્ષીઓ ખાતા હોય છે. એ ખાવાનું હોય ત્યારે જ ચાંચ પાકે એટલે કે ચાંચમાં તકલીફ થાય એની વાત છે. મતલબ કે ફળ ન ખાઈ શકાય. મોકો ગુમાવવો પડે. આ જ ભાવ એક દોહરામાં અત્યંત સચોટપણે વ્યક્ત થયો છે: ખડ ખૂટ્યા ધણુ વસકીયાં, વહાલા ગયા વિદેશ; અવસર ચુક્યા મેહુલા, વરસી કાંઉં કરેશ.