અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ રમાશે. 1.32 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વખતે ભારત જીતશે તેવી ચાહકો આશા રાખી રહ્યા છે. જે પાછળનું કારણ 2023ના વન ડે વર્લ્ડકપમાં આ મેદાન પર ભારતની થયેલી હાર તેમજ ચાલુ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા સામે થયેલો પરાજય છે.
2023ના વન ડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. તે સમયે ભારત ટુર્નામેન્ટમાં ફાઈનલ પહેલાની તમામ મેચ જીત્યું હતું અને ખરાખરીના મુકાબલામાં જ હાર્યું હતું.
2026ના ટી20 વર્લ્ડકપમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સુપર 8 મેચ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાને 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ મેચ લગભગ એકતરફી જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની ટીમ 18.5 ઓવરમાં 111 રનમાં ખખડી ગઈ હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડનો કેવો છે દેખાવ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતનો રેકોર્ડ ઘણા સારો છે. ભારત આ મેદાન પર 10 ટી20 રમ્યું છે, જેમાં 7માં જીત મેળવી છે. બીજી તરફ ન્યૂ ઝીલેન્ડનો અહીંયા રેકોર્ડ ખરાબ છે. કિવી ટીમે અહીંયા બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
જોકે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ સારો નથી. ભારતીય ટીમની 2007, 2016 અને 2021ના ટી20 વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટક્કર થઈ હતી. ત્રણેય વખતે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. 2007માં ભારતની 10 વિકેટથી, 2016માં 47 રનથી અને 2021માં 8 વિકેટથી હાર થઈ હતી. આ સ્થિતિમાં ફાઈનલ મુકાબલો ભારત માટે માત્ર ખિતાબ જીતવાનો જ નહીં પરંતુ ન્યૂ ઝીલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપના ખરાબ રેકોર્ડને બદલવાનો પણ મોકો છે.
પ્રથમ બેટિંગ કરતી ટીમની જીતની શક્યતા વધારે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઝાકળ મહત્ત્વનું પરિબળ છે. પરંતુ ટાર્ગેટનો પીછો કરનારી ટીમને ખાસ ફાયદો થતો નથી. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અહીંયા પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 13માંથી આઠ મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરનારી ટીમ પાંચ વખત વિજેતા બની છે.
કાળી માટીની પિચ પર શું પડે છે મુશ્કેલી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ કાળી માટીથી બનેલી છે. જે મેચ આગળ વધવાની સાથે ધીમી થતી જાય છે. જેના કારણે ટાર્ગેટનો પીછો કરનારી ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 2026ના ટી20 વર્લ્ડ કપમાં આ મેદાન પર કુલ છ મેચ રમાઈ છે, જેમાંથી ત્રણ ટીમે પ્રથમ બેટિંગ કરતા જીત હાંસલ કરી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત
63 એકરના કેમ્પસમાં ઘેરાયેલા આ આખા સ્ટેડિયમને બનાવવા માટે કુલ 800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમાં 4 ડ્રેસિંગ રૂમ છે અને આ સ્ટેડિયમમાં હોકી અને ફૂટબોલ મેદાન પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય બોક્સિંગ, બેડમિન્ટન અને ટેનિસ માટે પણ અલગ-અલગ કોર્ટ બનાવવામાં આવી છે. આ સ્ટેડિયમમાં ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં 11માંથી 6 પીચો બનાવવા માટે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની 5 પીચો બનાવવા માટે લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમમાં મુખ્ય મેદાન સિવાય બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે. આ બંને પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં 9-9 મલ્ટિપલ પિચ બનાવવામાં આવી છે જેમાં 5 પીચો લાલ માટીમાંથી અને 4 પિચો કાળી માટીમાંથી બનાવવામાં આવી છે.
મોટેરા સ્ટેડિયમમાં કુલ 76 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે જેમાં દરેક બોક્સમાં 25 બેઠકો છે. આમ મોટેરા સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સમાં કુલ સીટો 1900 છે. આ સીટો પર VIP સેલિબ્રિટી બેસીને મેચ નિહાળે છે.