Wed Sep 16 2026

Logo

રવિવારે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલ, ઘરથી બહાર નીકળતા પહેલા જાણી લો કયા માર્ગો હશે બંધ

2026-03-06 14:58:00
Author: Mayur Patel
રવિવારે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલ, ઘરથી બહાર નીકળતા પહેલા જાણી લો કયા માર્ગો હશે બંધ

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ રમાશે. ફાઈનલ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

મેચ માટે ઉમટનારી ભારે ભીડને નિયંત્રિત કરવા અને VVIPs, ખેલાડીઓ તથા અધિકારીઓની અવરજવર સરળતાથી થાય તે માટે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આજે નોટિફિકેશન જાહેર કરવાાં આવ્યું હતું. જે મુજબ ટ્રાફિકના નિયમન માટે આ પ્રતિબંધો 8 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી  9 માર્ચના રોજ વહેલી સવારે 2 વાગ્યા સુધી અમલમાં રહેશે.

જાહેરનામા અનુસાર, જનપથ ટી-જંક્શનથી કૃપા રેસીડેન્સી ટી-જંક્શન થઈને મોટેરા ગામ સુધીનો સ્ટેડિયમના મુખ્ય ગેટ વાળો રસ્તો સામાન્ય ટ્રાફિક માટે બંધ રહેશે. સ્ટેડિયમ વિસ્તારમાં માત્ર માન્ય પાસ ધરાવતા અધિકૃત વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.

પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પણ સૂચવ્યા છે. તપોવન સર્કલથી આવતા વાહનો ONGC ચાર રસ્તા, વિસત ટી-જંક્શન, જનપથ ટી-જંક્શન અને AEC પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવલ સર્કલ સુધી જઈ શકશે. કૃપા રેસીડેન્સી ટી-જંક્શનથી આવતા ટ્રાફિકને શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ-કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ વાળી શકાશે.

એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ વાહનો સહિતની ઇમરજન્સી સેવાઓને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવશે. ટ્રાફિકમાં થનારા સંભવિત વધારાને પહોંચી વળવા માટે મુખ્ય જંક્શન પર વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત ફાઈનલમાં પહોંચતા જ અમદાવાદમાં હોટલોના રૂમ ભાડા વધી ગયા છે. એરલાઈન્સોએ પણ ટિકિટનો ભાવ વધારી દીધો છે. ભારતીય રેલવેએ મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.