Mon May 04 2026

Logo

"આ હિન્દુત્વની જીત છે" મમતાને હરાવ્યા બાદ સુવેન્દુ અધિકારીએ કરી આ મહત્વની વાત....

2026-05-04 22:37:48
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સમગ્ર દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. તમિલનાડુમાં એમ. કે. સ્ટાલિને હારનો સ્વાદ ચાખ્યા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને તેમના જ ગઢ ગણાતી ભવાનીપુર બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારીએ 15,105 મતોના જંગી અંતરથી પરાજય આપ્યો છે. 

મતગણતરીના 20 રાઉન્ડના અંતે સુવેન્દુ અધિકારીને કુલ 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને માત્ર 58,812 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આ હાર સાથે જ ભવાનીપુરના મતગણતરી કેન્દ્રની બહાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને મમતા બેનર્જીએ ભાજપ તથા ચૂંટણી પંચ પર મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જોકે, સુવેન્દુ અધિકારીએ વિજય પ્રમાણપત્ર મેળવ્યા બાદ આ જીતને ઐતિહાસિક ગણાવી હતી.

જીત બાદ ઉત્સાહિત સુવેન્દુ અધિકારીએ આ પરિણામને મમતા બેનર્જીની રાજકીય નિવૃત્તિ ગણાવતા આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "મમતા બેનર્જીને હરાવવા ખૂબ જ જરૂરી હતા, આ વિજય હિન્દુત્વની જીત છે." સુવેન્દુએ આગળ કહ્યું હતું કે ભલે મુસ્લિમ મતો મમતા બેનર્જીના પક્ષમાં એકતરફી પડ્યા હોય, પરંતુ હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમાજે તેમને ખુલ્લા હાથે આશીર્વાદ આપ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે સીપીએમ (CPM) ના મજબૂત ગણાતા 13,000 મતોમાંથી લગભગ 10,000 મતો ભાજપ તરફ ટ્રાન્સફર થયા છે, જેના માટે તેમણે ડાબેરી મતદારોનો પણ આભાર માન્યો હતો. બંગાળી હિન્દુઓ ઉપરાંત ગુજરાતી, મારવાડી અને પૂર્વાંચલી સમુદાયના મતોએ પણ ભાજપની જીત નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે, નંદીગ્રામ બેઠક પર પણ સુવેન્દુ અધિકારીએ 1,27,301 મતો મેળવીને ટીએમસીના પવિત્ર કરને 9,665 મતોથી હરાવીને ભાજપનો દબદબો જાળવી રાખ્યો છે. એક સમયે મમતાના ખાસ ગણાતા સુવેન્દુએ સતત બીજી વખત મુખ્ય પ્રધાનને હરાવીને બંગાળના રાજકારણમાં પોતાનું કદ અનેકગણું વધારી દીધું છે.