Mon Jul 13 2026

Logo

સુરતમાં ભાજપના કોર્પોરેટરને આડે હાથ લીધા, ડોલથી પાણી ઉલેચવાનું કહેતા કોર્પોરેટર ભાગ્યાં

2026-07-13 15:26:08
Author: Vimal Prajapati
Article Image

સુરત: શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે પણ પાણી ભરાયેલા હોવાથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. ખાસ કરીને સુરતના કાપોદ્રા વિસ્તારમાં હજી પણ પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને પીવા માટેના પાણીના પણ ફાંફા પડી રહ્યાં છે. કાપોદ્રા વિસ્તારમાં વોર્ડ નંબર ચારના ભાજપ કોર્પોરેટર હંસા ગજેરા જ્યારે સ્થાનિકોની વાત સાળવવા માટે જાય છે, ત્યારે ભારે જોવા જેવી થઈ હતી.

સ્થાનિકો વચ્ચે જતા લાચાર થયા કોર્પોરેટર હંસા ગજેરા

કાપોદ્રા વિસ્તારની સ્થાનિક મહિલાએ ભાજપ કોર્પોરેટર હંસા ગજેરાને બરાબરનું સંભળાવી દીધું હતી. સ્થાનિકોએ કહ્યું કે, જ્યારે મત જોઈતા હતા, ત્યારે 10-10 વખત આંટો મારવા માટે આવતા હતા, પરંતુ હવે જ્યારે વાસ્તવમાં લોકોને જરૂર છે ત્યારે મોઢું પણ બતાવવા માટે આવતા નથી. આ દરમિયાન જ્યારે હંસા ગજેરાએ લોકોને શાંત રહેવા માટે કહ્યું ત્યારે લોકો વધારે ભડકી ઉઠ્યાં હતાં. લોકોએ પાણીનો નિકાલ કાઢવા માટે કહ્યું ત્યારે લાચારીમાં કોર્પોરેટર હંસા ગજેરાએ કહ્યું કે, ‘મારે તો એમાં અંદર ઉતરવાનું નથી, નકર હું અત્યારે જ કાઢી લઉં’. હંસા ગજેરાનો આ જવાબ સાંભળીને સ્થાનિકોએ ડોલે ડોલે પાણી કાઢવા માટે કહ્યું પરંતુ પછી કોર્પોરેટર મેડમ કંઈ બોલ્યાં જ નહીં!

સ્થાનિકોએ કોર્પોરેટરને કહ્યું - પાવર ઓછો કરો!

સ્થાનિકોએ કહ્યું કે, પાણી ભરાઈ ગયું હોવાથી અત્યારે ખાવાની સામાગ્રી પણ બગડી ગઈ છે, એટલું જ નહીં પરંતુ પાણીના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યાં છે. જેથી સત્વરે પાવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. હંસા ગજેરાને સ્થાનિક મહિલાઓએ ઘેરી લીધા અને ખરીખોટી સંભળાવી દીધી હતી. આ દરમિયાન જ્યારે હંસા ગજેરાએ થોડી શાંતિ રાખો તો કામ થાય એવું કહ્યું તો લોકોએ વળતો જવાબ આપ્યો કે, પાવર ઓછો કરો અને કામ કરો! સ્વાભાવિક છે કે, જનતાનો આવો જવાબ સાંભળીને કોર્પોરેટર મેડમ સ્તબ્ધ થઈ ગયાં હતાં.