(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી બાઈકો વચ્ચે થયેલા સામસામે અકસ્માતમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વાયરલ વીડિયોના ફૂટેજમાં દેખાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈકસવાર હવામાં અંદાજે 10 ફૂટ જેટલો ઊંચો ઉછળીને દૂર ફેંકાયો હતો, જ્યારે બીજો ચાલક બાઈક પર જ બેહોશ થઈ ગયો હતો.
મળતી વિગતો અનુસાર આ ઘટના 4 માર્ચના સાંજે આશરે 6 વાગ્યાના સુમારે બની હતી. પોલીસ ફરિયાદ અનુસાર રામપ્રસાદ રાજપૂત નામનો યુવક પોતાની મોટરસાઇકલ બેફામ રીતે ચલાવી રહ્યો હતો.
આ દરમિયાન તેણે સામેની દિશામાંથી પોતાના સાઈડમાં આવી રહેલી અન્ય એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ એક યુવકે જીવ ગુમાવ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મૃતક યુવક પોતાની સાચી દિશામાં સામાન્ય ઝડપે જઈ રહ્યો હતો, પરંતુ સામેથી આવતા બાઈક સવારે રોંગ સાઈડમાં આવીને તેને અડફેટે લીધો હતો. આ મામલે સુરત પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો અંગે યૂઝરે શોક વ્યક્ત કરતા નિયંત્રણ બહાર બેફામ વાહન ચલાવવામાં જીવ ગુમાવવાની નોબત આવે છે, જેને યાદ રાખવું જરુરી બની રહે છે.