સુરતઃ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કોસ્ટલ હાઈવેથી સુરત અને ભરૂચ સ્થિત પોર્ટને જોડવામાં આવશે. જેનાથી સુરત અને ભરૂચનું અંતર 15 કિલોમીટર ઘટી જશે. હાલ સુરતથી ભરૂચનું અંતર 55 કિલોમીટર છે, જે ઘટીને 40 કિલોમીટર થઈ જશે. 18 કિલોમીટર લાંબો કોસ્ટલ હાઈવે લિંક દક્ષિણ ગુજરાત માટે ગેમચેન્જર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આ હાઈવે બનાવવા 356 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ હાઈવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કોસ્ટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપતા વિઝન મુજબ તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતના ઓલપાડ વિસ્તારમાં આવતા પારડી-જાખરી ગામથી આ હાઈવેના નિર્માણની ઔપચારિક શરૂઆત થઈ છે. ધારાસભ્ય મુકેશ પટેલે કોસ્ટ લિંક હાઈવે પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. દેશના મોટા બંદરોમાં સામેલ હજીરાનો ટ્રાફિક આ કોસ્ટલ હાઈવે પર ફંટાશે. 18 કિલોમીટર લાંબા અને ફોન લેન હાઈવેથી રાજ્યના ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટને વેગ મળવાની આશા છે.
આ હાઈવે ઓલપાડ કોસ્ટલ બેલ્ટથી પસાર થશે. જે દાંડી, મોર, નેસ, ભગવા ગામોને સીધા જોડશે. આ હાઈવે એક મલ્ટી પર્પસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ તરીકે તૈયાર કરાયો છે. જેનો હેતુ સ્થાનિક પરિવહન સુધારવાનો અને નોકરીઓ ઉભી કરવાનો છે. ઉપરાંત સોશિયો-ઈકોનોમિક ડેવલપમેંટની સાથે આ વિસ્તારમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો પણ છે.
આ કોસ્ટલ હાઈવે દહેજ અને હજીરા પોર્ટને કનેક્ટ કરશે. નવા કોસ્ટલ રૂટને આસાન બનાવવા માટે સેનાખડી ક્રીક અને કીમ નદી પર પુલ બનાવાશે. આ બંને ઓલપાડ વિસ્તારમાંથી પસાર થાય છે.
કોસ્ટલ હાઈવે લિંક પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું, હાલ દાંડી અને કાંટિયાજલ વચ્ચે આશરે 55 કિલોમીટરનું અંતર કાપતાં દોઢ કલાક થાય છે. નવા કોસ્ટલ હાઈવેથી મુસાફરીનું અંતર ઘટીને 36 કિલોમીટર થઈ જશે. જેનાથી મુસાફરીનો સમય 30 મિનિટ ઘટશે.