Sun Sep 06 2026

Logo

સુરતમાં ફરી સૌરાષ્ટ્રીયનનો દબદબો: લેઉવા પાટીદાર માયાબેન માવાણી બન્યા નવા મેયર

2026-05-28 14:03:00
Author: Mayur Patel
સુરતમાં ફરી સૌરાષ્ટ્રીયનનો દબદબો: લેઉવા પાટીદાર માયાબેન માવાણી બન્યા નવા મેયર

સુરતઃ આશરે ત્રણ કલાકની જહેમત બાદ સુરત મહાનગરના પદાધિકારીઓની જાહેરાત થઈ હતી. મેયર તરીકે માયાબેન માવાણી,  ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીના નામ જાહેર થયા હતા.

કોણ છે માયાબેન માવાણી

માયાબેન માવાણી મૂળ સૌરાષ્ટ્રના છે અને સુરતના પાટીદાર વિસ્તારોમાં તેઓ ખૂબ સારું વર્ચસ્વ ધરાવે છે. તેઓ છેલ્લા 30  વર્ષથી વધુ સમયથી ભાજપ સાથે વફાદારીપૂર્વક જોડાયેલા છે. વર્ષ 2007માં મહિલા કારોબારી સભ્ય રહ્યા બાદ હાલ તેઓ સંગઠનમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

રાજકારણની સાથે તેઓ સામાજિક કાર્યોમાં પણ ખૂબ આગળ છે. તેઓ સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજ સહિતની ઘણી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરતમાં ભાજપ માટે સામાજિક સંતુલન જાળવવું અઘરું હતું. માયાબેન માવાણીની સ્વચ્છ છબી અને સમાજમાં સ્વીકૃતિને કારણે જ તેમને મેયર પદ સોંપવામાં આવ્યું છે, જેનો ભાજપને મોટો રાજકીય ફાયદો થશે.

સુરતમાં ભાજપે AAPના સૂપડાં કર્યા સાફ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કર્યા હતા. સુરતના 120 સીટમાંથી 115 સીટ પર કમળ ખીલ્યું હતું. ગત ચૂંટણીમાં વિપક્ષમાં બેસનારી આપને 4 અને કૉંગ્રેસને 1 સીટ મળી હતી