Fri May 08 2026

Logo

સુરત SBI બેંક લૂંટ કેસના આરોપીનો ભાગવાનો પ્રયાસઃ એસીપીએ સ્વબચાવમાં કર્યું ફાયરિંગ

2026-05-08 20:27:46
Author: Devayat Khatana
Article Image

તપાસ દરમિયાન પોલીસ પર હુમલો કરનાર લૂંટારૂ શુભમના બંને પગમાં ગોળી વાગી: સિવિલ હોસ્પિટલ ખસેડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત:
સુરતના વરાછામાં આવેલી SBI બ્રાન્ચમાં થયેલી ધોળા દિવસે રૂપિયા 50 લાખની લૂંટથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. લૂંટારૂઓને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB)એ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, આ સનસનીખેજ લૂંટના કેસમાં પોલીસે એક અઠવાડિયા બાદ 4થી મેના બે આરોપીને છેક ઉત્તરપ્રદેશ જઈ દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘ તરીકે થઈ હતી. 

લૂંટના કેસમાં સાત દિવસના રિમાન્ડ પર રહેલા આરોપીઓ શુભમ અને વિકાસને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસના ભાગરૂપે કન્યાસી ગામે પહોંચી હતી. પૂછપરછમાં શુભમે કબૂલાત કરી હતી કે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ તેણે ખેતર પાસે છુપાવ્યા છે. 

પોલીસ જ્યારે ખાડી નજીકથી આ વસ્તુઓ રિકવર કરી રહી હતી, ત્યારે તકનો લાભ ઉઠાવી શુભમે અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી અને ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 

આ ઘટનામાં, એસીપી કિરણ મોદીએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમના બંને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ પ્રોટેક્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હિંસક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.