Fri Jun 19 2026

Logo

પેરોલ પર છૂટી POCSOનો ગુનેગાર પૂર્વ પ્રેમિકાને ઉઠાવી ગયો, અમદાવાદમાં સાસુની સામે જ કર્યું અપહરણ

2026-06-05 13:38:00
Author: Mayur Kumar Patel
Article Image

સુરતઃ અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં 27 મેના રોજ થયેલા એક સનસનીખેજ અપહરણ કાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો. ધોળા દિવસે આઈસક્રીમ કારોબારીની વહુને સુરત પોલીસે ઑપરેશનમાં સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. આરોપીને એક સમયે પીડિતાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં POCSO એક્ટ અંતર્ગત 20 વર્ષની સજા થઈ હતી. પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા આરોપીએ ફરી આ કૃત્ય કર્યું હતું.

શું છે મામલો

અમદાવાદના આઈસક્રીમ કારોબારીના ઘરમાં ઘૂસીને તેની 24 વર્ષની યુવાન વહુનું ધોળા દિવસે અપહરણ કરાયું હતું. સુરત પોલીસે મુખ્ય આરોપી અને તેના સાથીને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી ઘેવરચંદ ઉર્ફે અભિષેક ઘાંચીરામ ગુર્જર સામે એક મહિલાએ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. POCSO એક્ટ અંતર્ગત તેને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આરોપી પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ તેના સાથી ફિરોઝ ઉર્ફે ફારુક સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હતો. બંને રાજસ્થાનના રહેવાસી છે. મહિલાનું અપહરણ કર્યા બાદ આરોપી તેને ગુજરાતથી મહારાષ્ટ્ર લઈ ગયા હતા. નાસિક અને વિવિધ વિસ્તારોમાં ફરતા રહ્યા હતા.

 

ગુપ્ત જાણકારીએ ખોલ્યું રહસ્ય

અમદાવાદમાં નોંધાયેલા અપહરણ મામલાનો આરોપી એક કારમાં મહિલાને બંધક બનાવીને ફરી રહ્યો હોવાની સુરત પોલીસ કંટ્રોલ રૂમને ગુપ્ત જાણકારી મળી હતી. બાતમી અનુસાર આરોપી મહારાષ્ટ્રથી પરત ફરતા સમયે સુરતના મોટા વરાછામાં રોકાયા હતા. જાણકારી મળતાં જ ઉત્રાણ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. જે બાદ પોલીસે મોટા વરાછામાં વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. બાતમી વાળી કાર આવતાં અટકાવીને મહિલાને મુક્ત કરાવવામાં આવી હતી. તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં બંને આરોપીએ પરિણીતાનું અપહરણ કરીને અલગ અલગ સ્થળો પર રાખી હોવાની કબૂલાત કરી હતી.

સાસુની નજર સામે જ કર્યું હતું અપહરણ

અમદાવાદમાં 27 મે ના રોજ બપોરે આરોપીએ વેપારીના ઘરમાં ઘૂસીને ધારદાર હથિયાર બતાવી પરિણીતાની સાસુને ધમકાવી હતી અને તેની નજર સામે જ વહુને કારમાં બેસાડીને ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે, પીડિતા મૂળ રાજસ્થાનની રહેવાસી છે. તે જ્યારે સગીર હતી ત્યારે આરોપી ઘેવરચંદ સાથે પ્રેમસંબંધ હતો અન તેના પરિવારજનોએ આરોપી સામે પોક્સો એક્ટ અંતર્ગત મામલો નોંધાવ્યો હતો. જે બાદ ઘેવરચંદની ધરપકડ થઈ  હતી. કોર્ટે તેને 20 વર્ષની સજા સંભળાવી હતી. પિતાના મોતના કારણે તેને પેરોલ મળ્યા હતા પરંતુ જેલમાં જવાના બદલે તે ફરાર થઈ ગયો હતો. 

આ દરમિયાન તેને જાણકારી મળી કે તેની પૂર્વ પ્રેમિકાના લગ્ન થઈ ચુક્યા છે અને અમદાવાદમાં રહે છે. જે બાદ તેણે ફરીથી તેને પામવાની યોજના બનાવી હતી. આરોપી તેના સાથીને લઈ રાજસ્થાનથી કાર ચોરીને અમદાવાદ પહોંચ્યો હતો. કારોબારીના ઘરમાં ઘૂસીને તેણે પરિણીતાનું અપહરણ કર્યું હતું. આરોપી તેને સાથે રાખવા માંગતો હોવાથી આ ગુનો કરતો હતો.

આ ઉપરાંત પોલીસ પૂછપરછમાં એવી પણ ચોંકાવનારી વિગત સામે આવી કે, આરોપી સામે રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં 23થી વધુ લક્ઝરી વાહનોની ચોરી કરી હતી.