Mon Sep 07 2026

Logo

સુરતમાં ગેંગવોરઃ કુખ્યાત અપરાધી 'આંબા'ની હત્યા, ભૂષણ પાટીલ ગેંગે કઈ રીતે પતાવી દીધો ?

2026-07-31 10:06:00
Author: Mayur Patel
સુરતમાં ગેંગવોરઃ કુખ્યાત અપરાધી 'આંબા'ની હત્યા, ભૂષણ પાટીલ ગેંગે કઈ રીતે પતાવી દીધો ?

સુરતઃ શહેરમાં ફરી ગેંગવારની ઘટના સામે આવી હતી. કુખ્યાત અપરાધી 'આંબા'ની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. ભૂષણ પાટીલ ગેંગે તેને પતાવી દીધો હતો.

શું છે મામલો

શહેરનાં ડિંડોલી વિસ્તારમાં કુખ્યાત અપરાધી પ્રવીણ ઉર્ફે આંબો કોળીને હરીફ ગેંગ દ્વારા જાહેરમાં રહેંસી નાંખવામાં આવ્યો હતો. ચપ્પાનાં ઉપરા છાપરી અનેક ઘા ઝીંકી આંબાની હત્યા કર્યા  બાદ હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હિસ્ટ્રીશીટર પ્રવીણ કોળી ઉર્ફે આંબાની કરપીણ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી.

ભૂષણ પાટીલ પણ રીઢો અને કુખ્યાત અપરાધી

આ સનસનાટીભરી હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી ભૂષણ પાટીલ પણ એક રીઢો અને કુખ્યાત અપરાધી છે. ભૂષણ પાટીલના નામે અગાઉ મર્ડર અને ખૂનની કોશિશ જેવા અનેક ભયાનક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ગુનાહિત દુનિયાના આ બંને સાગરીતો વચ્ચે લાંબા સમયથી ચાલતી અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ અને અદાવતે આખરે એકનો ભોગ લેતાં સમગ્ર ડીંડોલી પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થઈ હત્યા

સૂત્રોનાં જણાવ્યા મુજબ ડિંડોલી ખાતે જયેશનગરમાં રહેતો માથાભારે પ્રવીણ ઉર્ફે આંબો આધાર શિરસાઠ (કોળી)ને તેના ઘર નજીક આવેલી લક્ષ્મણ નગર સોસાયટી પાસે ભૂષણ પાટીલ સાથે બોલાચાલી થઈ હતી. જે તે વખતે બંને જણા છૂટા પડી ગયા હતા. જો કે, થોડા સમય બાદ પ્રવિણ કોળી ફરીથી ભૂષણ પાટીલ પાસે ગયો હતો. જ્યાં આંબાએ બોલાચાલી કરતા શરૂ થયેલા ઝઘડાએ ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ભૂષણ પાટીલના સાગરિતો ચંદન, ચિન્ટુ, ચંદન, સાજન, પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવન પાટીલ વિગેરે એકઠા થઇ ગયાં હતાં.

આ ટોળકી ઘાતક હથિયારો સાથે માથાભારે આંભા ઉપર તૂટી પડી હતી અને તેને ચોમેરથી ઘેરી લઇ આડેધડ ચપ્પાના ઘા મારવામાં આવ્યા હતા. જ્યાં પ્રવીણ કોળીનું સ્થળ પર મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ભૂષણ પાટીલ સાગરીતો સાથે ભાગી ગયો હતો.

હિસ્ટ્રીશીટર પ્રવીણ આંબાની જાહેરમાં ઘાતકી હત્યા કરાયાની વાત ફેલાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ડિંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જુદી જુદી ટીમો બનાવી ભૂષણ પાટીલ સહિતના હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રવિણ આંબા કોળી અને ભૂષણ પાટીલ ડિંડોલી વિસ્તારનાં નામચીન ગુંડાઓ

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક પ્રવીણ ઉર્ફે આંબો કોળી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પ્રવીણ સામે ડિંડોલી પોલીસ મથકમાં જ ગુજસીટોક, હત્યા, આર્મ્સ એક્ટ, એનડીપીએસ, મારામારી સહિતનાં 13  ગુનાઓ નોંધાયેલા છે. એક મહિના પહેલા પ્રવીણ અને તેના સાગરીત સંતોષ બિહારીને ડિંડોલી પોલીસે પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ કેસમાં થોડા દિવસ પહેલા જ તે જામીન ઉપર બહાર આવ્યો હતો. જ્યારે તેની કરપીણ હત્યા કરનાર ભૂષણ પાટીલ પણ હિસ્ટ્રીશીટર છે. તેની સામે પણ પોલીસમાં હત્યા અને હત્યાના ઇરાદે હુમલાનાં ત્રણ તેમજ મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.