યુપીના 11 પાસ યુવકે 60 કરોડની સાયબર ઠગાઈમાં ભાગ ભજવ્યો
અમદાવાદઃ સુરત શહેરના વૃદ્ધ વેપારી સાથે બેંકની એપીકે ફાઈલ દ્વારા રૂ. 5 લાખની ઠગાઈ કરનારો મહાઠગ નીકળ્યો હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું. ઉત્તર પ્રદેશથી ઝડપાયેલા માત્ર 11 ધોરણ સુધી ભણેલા 18 વર્ષના આરોપીએ આ રીતે લગભગ 120 કરતા વધારે એપીકે ફાઈલ બનાવી અન્ય સાયબર ઠગોને વેચી હોવાનો ખુલાસો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુરતના અડાજણમાં 8મી જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ અનુસાર વયસ્ક વેપારીને વૉટ્સએપ પર બેંકની એપના નામે એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ફોન હેક કરી તેમના રૂ. 5 લાખ ઉઠાવી લેવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં 14મી જુલાઈએ રોહિત સાક્યને યુપીથી પકડ્યો હતો અને તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન પોલીસની પૂછપરછમાં તેણે આવી 120 કરતા વધારે એપીકે ફાઈલ બનાવી જામતારાની એક ગેંગને વેચી દીધી હતી અને લગભગ 64 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે એપીકે ફાઈલ બનાવી સાયબર માફિયાને વેચી દીધો હતો ત્યારે રૂ. 10થી 15 હજારમાં વેચી નાખતો હતો. તેણે લગભગ 3000 જેટલા મોબાઈલ ફોનના એક્સેસ આ રીતે મેળવી લીધા હોવાની માહિતી પણ સૂત્રોએ આપી હતી.
તેણે આરટીઓ ચલણથી માંડી મોટી ઓનલાઈન પ્લેટફોર્મ્સની, બેંકની એપીકે ફાઈલ બનાવી હતી. આ સાથે સાયબર ક્રાઈમ સેલને આવી માહિતી પણ મળી હતી કે સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે રોહિત જામતારા ગેંગની જરૂરીયાત મુજબ બે એન્ડ્રોઈડ એપીકે ફાઈલ બનાવતો હતો. તે પૈકી એક વાઈરલ કરી મોબાઈલ ફોન હેક કરાતો હતો, જ્યારે બીજી ફાઈલનો ઉપયોગ ગેંગ મોબાઈલ ફોનનો એક્સેસ મેળવવા કરતી હતી.
નવાઈની વાત તો એ છે કે આરોપી રોહિત માત્ર 11મું ધોરણ ભણ્યો છે અને યુ-ટ્યૂબ અને એઆઈનો ઉપયોગ કરી હુબહુ એપીકે ફાઈલ બનાવતો હતો. પોલીસે તેના મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.