Thu May 07 2026

Logo

સુરતમાં ગૌપ્રેમીઓએ હાથમાં સીરીંજથી કાઢ્યું લોહી, PM મોદીને પત્ર લખી કરી આ માંગ

2026-05-07 14:17:00
Author: Mayur Kumar Patel
Article Image

સુરતઃ શહેરમાં ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે અનોખી તરકીબ અજમાવી હતી. સીરીંજથી હાથમાંથી લોહી કાઢીને PM મોદીને પત્ર લખ્યો હતો.  આ પત્રમાં  પત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ભારતની પવિત્ર ભૂમિને ગૌહત્યાના કલંકથી મુક્ત કરવાની હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી હતી.

મળતી વિગત પ્રમાણે, વેપારીઓએ પોતાના લોહીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. આ માટે  વનિતા વિશ્રામથી કલેકટર સુધી રેલી પણ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો સામેલ થયા હતા. રેલીમાં ગૌભક્તિના પ્રતીક સમાન 8થી 10 બળદગાડાં જોડાયા હતા. રેલીમાં સામેલ થયેલું બુલડોઝર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના આ અભિયાનમાં અત્યાર સુધીમાં આશરે 5 લાખ લોકોની સહીઓ મેળવવામાં આવી છે. સુરતના વેપારીઓએ લોહીથી પત્ર લખવાની સાથે સરકાર સમક્ષ એક મહત્વની વાત પણ મૂકી હતી. ગાયોના રક્ષણ અને દેખરેખ માટે ખાસ ગૌ સંવર્ધન મંત્રાલય શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. 

રેલીમાં સામેલ થયેલા સંતોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી એ માત્ર માંગ નથી પણ હવે ગૌભક્તોનો સંકલ્પ છે, જેની પ્રતીતિ બુલડોઝર સાથે થઈ રહી છે. ગૌમાતા રાષ્ટ્રની ધરોહર બને અને ભારતની ધરતી ગૌહત્યાના કલંકથી સંપૂર્ણપણે મુક્ત થાય તેવી અમારી માંગ છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે તમામ ગૌભક્ત તમને પ્રાર્થના કરીએ છીએ કે સંપૂર્ણ ભારતને ગૌ હત્યાના કલંકથી મુક્ત કરવા માટે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપીને સન્માન આપો. અમે તમારા આભારી રહીશું. જય ગૌ માતા જય ગોપાલ.

આ ઉપરાંત વડા પ્રધાન મોદીને ગૌ હત્યા બંધ થાય, ગૌરક્ષા માટે કેન્દ્રીય કાનૂન બને, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, કેન્દ્રીય મંત્રાલય બને તેવી માંગ કરવામાં આવી હતી.