(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં રેગિંગ અને જુનિયર તબીબોની કનડગતનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હૉસ્પિટલના સર્જરી વિભાગમાંથી ડીન કચેરીને મળેલી એક નનામી અરજીના પગલે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અરજીમાં સિનિયર ડૉક્ટરો દ્વારા માનસિક ત્રાસ, વધુ પડતા કામનો બોજ, રજાનો અભાવ અને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી.
અગાઉ રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસ બાદ સિવિલ તંત્ર રેગિંગ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોવાથી, 27 ઓગસ્ટની સાંજે આ નનામી અરજી મળતાં જ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સર્જરી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકીદની ચર્ચા બાદ ડીનના અધ્યક્ષસ્થાને એન્ટી-રેગિંગ કમિટીની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી.
એન્ટી-રેગિંગ કમિટીની પ્રાથમિક તપાસમાં રેગિંગ થયું હોવાના કોઈ સીધા કે પ્રત્યક્ષ પુરાવા મળ્યા નહોતા. પુરાવા ન મળ્યા હોવા છતાં આક્ષેપોને નજરઅંદાજ કર્યા વિના સર્જરી વિભાગના કાર્યકારી વાતાવરણ પર સતત નજર રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત રેસિડેન્ટ ડૉક્ટર્સના કામનું ભારણ, યોગ્ય રજાઓ અને શૈક્ષણિક મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં હૉસ્પિટલ તંત્ર સતર્ક રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલ હાલ તંત્ર સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં વધુ તપાસ દરમિયાન કોઈ નવા તથ્યો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.