Fri Apr 17 2026

Logo

સુરતના બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોત કેસમાં નવો વળાંક, પરિવારજનો અને મહિલા મિત્ર આમને સામને...

2026-02-13 22:50:14
Author: Chandrakant Kanoja
Article Image

સુરત : સુરત શહેરમાં ચકચારી બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે નવો વળાંક આવ્યો  છે. આ મામલે તુષાર ઘેલાણીની 'અંગત મહિલા મિત્ર'એ પોલીસમાં અરજી આપી દાવો કર્યો હતો કે, બિઝનેસમેને આત્મહત્યા નથી કરી પણ તેમનું મર્ડર થયું છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુષારભાઈનો પરિવાર તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો હતો. પરિવાર તેમની કાળજી નહોતો રાખતો તથા માન-સન્માન પણ નહોતા આપતા. 'અંગત મહિલા મિત્ર'એ એવો પણ દાવો કર્યો હતો કે, દીકરીના લગ્ન માટે તુષારભાઈ ઘેલાણી તેની માતા પાસેથી 20 દિવસ પહેલા 25 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા હતા. 

 માનસિક ત્રાસના કારણે તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ

બીજી તરફ તુષાર ઘેલાણીના પરિવારજનોએ પણ પોલીસમાં મહિલાની વિરુદ્ધમાં અરજી કરી હતી. જેમાં તેમણે તુષાર ઘેલાણીને આ મહિલા ત્રાસ આપીને ઈમોશનલ અને ફાયનાન્સિયલ બ્લેકમેઇલ કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહિલાના બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસના કારણે તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 

મહિલાનો પરિવાર સાથે કોઈ સીધો સંબંધ નહોતો

આ પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, આપઘાતના પ્રયાસ બાદ બિલ્ડર તુષાર ઘેલાણી જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે 4 ફેબ્રુઆરીના રોજ પણ આ મહિલા હોસ્પિટલમાં આવી હતી અને ત્યાં ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો દાવો કર્યો હતો કે, આ મહિલાનો પરિવાર સાથે કોઈ સીધો સંબંધ નહોતો, છતાં તે વિવિધ રીતે તુષાર પર દબાણ બનાવી રહી હતી.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે 

આ મામલે સુરત પોલીસ તરફથી ડીસીપી નિધિ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સમક્ષ વિગતે વાત રજૂ કરી હતી. ડીસીપી નિધિ ઠાકુરે સ્પષ્ટ કર્યું હતું કે, પરિવાર દ્વારા કરાયેલી અરજીના આધારે પોલીસ પ્રાથમિક તપાસ શરૂ કરી રહી છે. અરજીમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા તપાસવામાં આવશે અને જો તપાસ દરમિયાન તથ્યો સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બિલ્ડર તુષાર ઘેલાણીનો પરિવાર પોલીસ સ્ટેશને પહોંચ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, 1લી ફેબ્રૂઆરી 2026ના રોજ સુરતના ઉમરા વિસ્તારમાં રહેલા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની પાસે રહેલી લાઈસન્સવાળી રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી દીધી હતી, જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 5મી ફેબ્રૂઆરીના રોજ ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. જે બાદ આ સમગ્ર મામલાને લઈ મૃત બિલ્ડર તુષાર ઘેલાણીનો પરિવાર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને એક મહિલા પર સમગ્ર બનાવના આરોપો કરી રહ્યો છે.