Mon Jul 06 2026

Logo

ચિંતનઃ પરમ-મસ્તી એટલે અદ્ભુત પુરુષાર્થ

2026-07-06 09:34:00
Author: Hemu Bhikhu
Article Image

હેમુ ભીખુ

પુરુષાર્થ શબ્દ પુરુષ અને અર્થના સમન્વયથી બન્યો છે. પુરુષ અર્થાત્ માનવ અને અર્થ એટલે હેતુ, ઉદ્દેશ્ય, લક્ષ્ય. એમ કહી શકાય કે પુરુષાર્થ એટલે કોઈ પણ કાર્ય પાછળનું લક્ષ્ય. જ્યારે કોઈપણ કાર્ય સહેતુક કરવામાં આવે ત્યારે તેની પાછળ એક ઉદ્દેશ્ય હોય. સનાતની સંસ્કૃતિમાં પુરુષાર્થને ચાર વિભાગમાં વર્ગીકૃત કરાયો છે; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે સ્થાપિત થયેલ કર્તવ્યનું સત્ય, નૈતિકતા, ન્યાય અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતું પાલન. 

અર્થ એટલે જીવનના નિભાવ અને જીવનની સુરક્ષા માટે જરૂરી સંસાધનો એકત્રિત કરવા માટેની પ્રક્રિયા. આમાં ભવિષ્યની ઈચ્છા સંતોષવાની વાતનો પણ સમાવેશ થઈ શકે. કામ એટલે જીવનમાં ઉદ્ભવતી આનંદલક્ષી બાબતોનો ઉપભોગ શક્ય બને તે માટે કરવામાં આવતાં પ્રયત્ન. મોક્ષ એટલે જન્મ-મરણનાં ચક્રમાંથી મુક્તિ માટેનો, આત્મસાક્ષાત્કાર માટેનો, કૈવલ્યની સ્થિતિ માટેનો, પરમપદ પામવા માટેનો પ્રયત્ન. પ્રશ્ન એ હોઈ શકે કે મસ્તી; ધર્મ, અર્થ, કામ કે મોક્ષ, કઈ શ્રેણીમાં આવે.

મસ્તી એટલે મનનો ઉલ્લાસ, ખુશી સભર હળવાશની સ્થિતિ, રમૂજ માટેનો પ્રયત્ન, આનંદ સ્થાપિત કરવાનો નાનો પ્રયાસ કે કોઈપણ પ્રકારની ગંભીરતા વગર કરવામાં આવેલી ટીખળ. આ એક ઊભરા સમાન સ્થિતિ છે, જેનાથી તાત્કાલિક ધોરણે વ્યક્તિ ચિંતા, તણાવ, દુ:ખ, નિરાશા તથા જવાબદારીના ભાવથી મુક્ત થઈ શકે. પરંતુ કદાચ તેનાંથી કોઈનું સ્વમાન ઘવાઇ પણ શકે. જ્યારે હળવાશની આવશ્યકતા હોય, અમુક સમય માટે માનસિક તણાવમાંથી મુક્તિ જોઈતી હોય, હલકા-ફુલકા સામાજિક જોડાણની ઈચ્છા હોય કે ચોક્કસ પ્રકારની વાસ્તવિકતાથી વિમુક્ત થવું હોય તો મસ્તી હાથવગું સાધન બની રહે. 

શારીરિક સ્તરે મસ્તીમાં હસવું, રમવું, ગાવું, નાચવું, નકલ કરવી જેવી પ્રક્રિયાનો સમાવેશ થાય, જેની અસર માનસિક તેમજ ભાવનાત્મક સ્તરે પણ જોવાં મળે. અહીં ચિંતા દૂર થાય, મિત્રતા મજબૂત થઈ શકે અને, અમુક સમય માટે, આંતરિક ખુશીની અનુભૂતિ પણ થાય. ક્યારેક મસ્તી બુદ્ધિ પ્રધાન પણ હોઈ શકે, જે સામાન્ય રીતે, સમાન વિચારધારા અને રસ ધરાવનાર વ્યક્તિ સાથે સંભવ બને. મસ્તી જો સાહસિક હોય તો તેમાં હિંમત અને ક્ષમતાની આવશ્યકતા રહે. આધ્યાત્મિક મસ્તીની વાત જ અલગ છે; અહીં કોઈપણ બાહ્ય અવલંબન નથી હોતું.

વારંવારની મસ્તીથી સમયનો બગાડ થાય, કર્તવ્યથી વિમુક્ત થવાય અને એક પ્રકારનું ભ્રામક વાતાવરણ સર્જાય. નકારાત્મક ભાવનાવાળી મસ્તીથી ક્યારેક સંબંધ બગડવાની સંભાવના પણ રહે. મસ્તી જ્યારે વ્યસન બની જાય ત્યારે અથવા, તો વ્યસન જ્યારે મસ્તી બની જાય ત્યારે, વ્યક્તિ જીવનની સાર્થકતા, અસરકારકતા અને ગંભીરતા ગુમાવી બેસે. મસ્તી ત્યારે જ યોગ્ય ગણાય જ્યારે તેનાથી વ્યક્તિ હળવી, ખુશ અને સકારાત્મક બને. મસ્તીને કારણે પછીના સમયે વ્યક્તિની એકાગ્રતા, ક્ષમતા તેમજ નિષ્ઠા વધવી જોઈએ.

કોઈ નિરાશ વ્યક્તિને ખુશ કરવા માટે કે અન્યને મદદરૂપ થવા વાતાવરણમાં ઈચ્છનીય હળવાશ લાવવા માટે જો મસ્તી આદરવામાં આવે તો તે ધર્મની શ્રેણીમાં આવે. કર્તવ્યનિષ્ઠા, નૈતિકતા, સદાચાર અને સત્યપાલક જેવી બાબતો ધર્મનિષ્ઠ મસ્તી પ્રદાન કરે. મસ્તી જો ઇન્દ્રિય-સુખ, પ્રમાદ, ભોગવાસના કે વિકૃત કામવાસના માટે હોય તો તે કામની શ્રેણીમાં આવે. મસ્તી જ્યારે ભવિષ્યનાં આયોજનના લાભકારી ભાગરૂપે હોય ત્યારે તેને અર્થ કહેવાય. સાત્ત્વિક સાધનોથી જીવનનિર્વાહ માટે આયોજન કરવાની મસ્તી અર્થનિષ્ઠ ગણાય. આનાથી ભવિષ્યમાં સુરક્ષા સલામતી તથા આનંદની સંભાવના વધે. 

મસ્તી જો આત્મિક ખુશી માટે, સાક્ષીભાવ સ્વરૂપ, નિર્દોષ તેમજ સાત્વિક હોય તો એ મોક્ષ માટેનું એક ચરણ કહી શકાય. લૌકિક મસ્તી કામ અને અર્થ આધારિત હોય જ્યારે અલૌકિક મસ્તી ધર્મ અને મોક્ષ આધારિત હોય. ક્યારેક અહીં મસ્તી શબ્દ માટે કોઈકને વાંધો હોઈ શકે, કોઈ ‘પુરુષાર્થ’ શબ્દનો આગ્રહ રાખી શકે. તે વિચાર પણ યોગ્ય છે. અહીં મસ્તી શબ્દનો ઉપયોગ એટલાં માટે થઈ રહ્યો છે કારણ કે અહીં પુરુષાર્થમાં એક પ્રકારની હળવાશ હશે તેમ માની લેવાયું છે.

ગીતામાં જ્યારે ‘સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’ કહીને બધું જ છોડીને ઈશ્વરનાં શરણમાં જવાની વાત કરવામાં આવી છે તેનાથી પણ એક પ્રકારની મસ્તી સ્થાપિત થાય. આ નિર્દોષ મસ્તી છે જે શ્રીકૃષ્ણની રાસલીલામાં પણ જોવાં મળે. આ અલૌકિક મસ્તીમાં ગોપીઓ પોતાનું અસ્તિત્વ અહંકાર, સ્થિતિ, બધું જ ભૂલીને પરમ-આનંદમાં તલ્લીન થઈ જાય. ભક્ત કવિઓ જ્યારે ઈશ્વરના નામને, ઈશ્વર માટેની શ્રદ્ધાને, ઈશ્વરના સ્મરણને, ઈશ્વર પ્રત્યેનાં સમર્પણને જ્યારે પોતાનાં ભક્તિ પદમાં ઉતારે ત્યારે પણ તેઓ અદ્ભુત અલૌકિક મસ્તીને માણી શકે. 

જ્યારે અખો કહે કે ‘સંત મસ્ત નિરંતર’, ત્યારે આ જ વાત કહેવામાં આવે છે. સંતનો મિજાજ સદા મસ્ત રહેવાનો, કારણ કે તેઓ જગતના ઝંઝટમાં ફસાતાં નથી. સાચો સંત સતત અંતરનાં આનંદમાં રહે છે. અન્ય ભક્ત કવિના કથન મુજબ ‘મસ્ત મુનિજન રહે, હરિગુણ ગાતાં’, મુનિઓ અને સંતો હરિના ગુણ ગાઈને મસ્ત રહે છે. એ મસ્તી કોઈ ઇન્દ્રિયસુખની નથી, એ તો ભક્તિરૂપ આનંદ છે. સંતોની મસ્તી નિર્દોષતા, પવિત્રતા, આધ્યાત્મિકતા તેમ જ હરિ-લીનતા આધારિત હોય.

સંસારની સંસારના પ્રપંચથી, અજ્ઞાન અને અવિદ્યાથી, માયાના આવરણથી મુક્ત થઈ આત્માની અનુભૂતિ પ્રાપ્ત થવાની મસ્તીપૂર્ણ અવસ્થા અદ્ભુત હોય. અહીં પરબ્રહ્મરૂપ આનંદ, બ્રહ્મ-સાક્ષાત્કાર, વ્યક્તિને શાશ્વત મસ્તીની અનુભૂતિ કરાવે. મસ્તીનું-પરમ આનંદનું આ અંતિમ ચરણ છે. ભગવત-ભક્તિ કે આત્મજ્ઞાનથી આવતી મસ્તી એટલે જીવનમાં નિર્માણ-મોક્ષનો પ્રવેશ. શ્રવણ, મનન, નિદિધ્યાસન, વિવેક, વૈરાગ્ય, શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન જેવી શટ્સંપત્તિ, મુમુક્ષત્વ જેવી બાબતો સાથે સાધના - ધ્યાન - ભક્તિ - નિષ્કામ કર્મ અખંડ, શાશ્વત અને પૂર્ણ મસ્તી-આનંદની અનુભૂતિ કરાવે.