નવી દિલ્હી: ન્યાય મેળવવામાં લાંબા વિલંબ બદલ ભારતીય ન્યાય તંત્રની અવારનવાર ટીકા કરવામાં આવે છે, એવામાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના એક ફોજદારી કેસને 35 વર્ષ બાદ રદ કર્યો છે. કોર્ટે કુંભ મેળાની ફરજ દરમિયાન પોલીસ મેસમાં ખોરાક અંગે થયેલા એક વિવાદ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ રાહત આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં પેન્ડિંગ કેસ, જેલમાં કેદીઓની સંખ્યા અને જામીન આપવામાં વિલંબના મુદ્દે નારજગી દર્શાવી છે.
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી ઉત્તર પ્રદેશની તમામ કોર્ટોમાં પેન્ડિંગ કેસોનો સંપૂર્ણ અને વિગતવાર ડેટા મંગાવ્યો છે.
શું છે વિવાદ?
આ મામલાની શરૂઆત 1989માં થઇ હતી, એ સમયે કુંભ મેળામાં ફરજ તૈનાત પાંચ પોલીસ કોન્સ્ટેબલ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેમણે અલ્હાબાદના જીઆરપી રામબાગ પોલીસ સ્ટેશનના મેસમાં ખોરાક અંગે વિવાદ થતા બીજા કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. FIRમાં પાંચ કોન્સ્ટેબલોને સામે ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ અલ્હાબાદમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (રેલવે) ની કોર્ટમાં પહોંચ્યો. સુનાવણી લાંબા સમય સુધી ચાલતી રહી દરમિયાન બે સહ-આરોપીઓનું મૃત્યુ થયું હતું, જ્યારે બે અન્ય આરોપીઓને 2023 માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષોથી ચાલી રહેલી કાર્યવાહી રદ કરવા માટે કોન્ટેબલ ચંદ્ર કાપરીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી, પરંતુ હાઈ હાઈ કોર્ટે તેમને કોઈ રાહત ન આપી, ત્યાર બાદ તેમણે અલ્હાબાદ હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ જેબી પારડીવાલા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે 29 એપ્રિલ 2026ના રોજ આ મામલે ચુકાદો આપ્યો, કોર્ટે પોલીસ કોન્સ્ટેબલ કૈલાશ ચંદ્ર કાપરીની અપીલ સ્વીકારી.
સુપ્રીમ કોર્ટે આ અહેવાલો મંગાવ્યા:
સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ફક્ત એક જ આરોપીને રાહત આપવાથી વ્યાપક હેતુ પૂરો નહિ થાય. ભારતની ન્યાયિક પ્રણાલીમાં નોંધપાત્ર ખામીઓની નોંધ લેતા, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને 13 જુલાઈ સુધીમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC), ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) અને સેશન્સ કોર્ટમાં પેડીંગ પડેલા કેસની વિગતો માંગી. આ પેન્ડિંગ કેસની ર્તમાન સ્થિતિ અને કોર્ટની કાર્યવાહી આગળ વધારવામાં આવતા અવરોધો વિશે અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું.
સુપ્રીમ કોર્ટે રાજ્યમાં JMFC, CJM અને સેશન્સ જજોની મંજૂર સંખ્યા, સામે વર્તમાન કાર્યકારી સંખ્યા અને ખાલી જગ્યાઓ અંગેના અહેવાલ માંગ્યો
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ જામીન અરજીઓ અંગે પણ વિગતવાર માહિતી માંગી હતી. કોર્ટે 30 એપ્રિલ, 2026 સુધી પેન્ડિંગ જામીન અરજીઓનો વર્ષવાર ડેટા મંગાવ્યો.