Wed Sep 16 2026

Logo

દિલ્હી તોફાનના આરોપી ઉમર ખાલિદને  સુપ્રીમ કોર્ટનો આંચકો, સમીક્ષા અરજી ફગાવી

2026-04-20 19:56:06
Author: Chandrakant Kanoja
દિલ્હી તોફાનના આરોપી ઉમર ખાલિદને  સુપ્રીમ કોર્ટનો આંચકો, સમીક્ષા અરજી ફગાવી

નવી દિલ્હી : દિલ્હીમાં વર્ષ 2020ના તોફાનના આરોપી  ઉમર ખાલિદને  સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. ઉમર ખાલિદે સુપ્રીમ કોર્ટના પોતાના અગાઉના ચુકાદાને પડકારતી અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સુપ્રીમ કોર્ટે  દિલ્હી તોફાન સંબંધિત મોટા કાવતરાના કેસમાં  જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચુકાદાની સમીક્ષા કરવાનો કોઈ આધાર નથી. 

સમીક્ષા અરજી ફગાવી દેવામાં આવી

આ પૂર્વે સુપ્રીમ કોર્ટે 5  જાન્યુઆરી 2026 ના રોજ  ચુકાદો આપતી વખતે દિલ્હી તોફાનના આરોપીઓ ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે આ કેસના અન્ય આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા. આ અરજી ફગાવતા  બેન્ચે અવલોકન કર્યું હતું કે 5 જાન્યુઆરીના આદેશની સમીક્ષા કરવા માટે કોઈ આધાર કે તાર્કિક કારણો નથી, જેના લીધે સમીક્ષા અરજી ફગાવી દેવામાં આવી હતી.

 દિલ્હી હિંસા પૂર્વયોજિત ષડયંત્ર હતું 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં  નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને NRC મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ સમયગાળા દરમિયાન  દિલ્હીમાં અનેક સ્થળોએ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. દિલ્હી પોલીસે આ કેસમાં આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં યોજાયેલા પ્રદર્શનો ફક્ત ધરણા નહોતા  પરંતુ સત્તા પરિવર્તનના ચોક્કસ ઉદ્દેશ્ય સાથે ગોઠવાયેલા હતા.દિલ્હી પોલીસનું કહેવું છે કે આ હિંસા પૂર્વયોજિત ષડયંત્ર હતું.