એકસ્ટ્રા અફેરઃ
ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટે 31 વર્ષના હરીશ રાણાને ઇચ્છામૃત્યુ એટલે કે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી એ સાથે જ ફરી એક વાર ઈચ્છા મૃત્યુનો મુદ્દો ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે 2018માં કોમન કોઝ નામની સંસ્થાની અરજીને સ્વીકારીને યુથેનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુને શરતી માન્યતા આપી હતી પણ અત્યાર સુધી કોઈ કેસમાં તેનો અમલ નહોતો થયો. સુપ્રીમની મંજૂરીના કારણે હરીશ રાણા આ ચુકાદાના આધારે ઇચ્છામૃત્યુને ભેટનારી પહેલી વ્યક્તિ બનશે.
હરીશના પરિવારની અરજી પહેલાં ફગાવી ચૂકેલી સુપ્રીમ કોર્ટે હવે હરીશને ઈચ્છામૃત્યુની મંજૂરી આપીને પુણ્યનું કાર્ય કર્યું છે. આ ચુકાદાના કારણે હરીશને તો મુક્તિ મળશે જ પણ પોતાના દીકરાને જીવતો હોવા છતાં જીવંત નહીં જોઈને રોજેરોજ માનસિક યાતના ભોગવતાં તેના વૃદ્ધ માતા-પિતા તથા નાના ભાઈને પણ રાહત મળશે. હરીશના મોતનું દુ:ખ તેમને થાય પણ તેની હાલની હાલતથી પરિવાર વધારે દુ:ખી છે તેથી જ ઈચ્છામૃત્યુની માગ કરતી અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદા છતાં કોઈને ઈચ્છામૃત્યુ ના મળ્યું તેનું કારણ એ હતું કે, સુપ્રીમ કોર્ટે મરી જવા માગતી દરેક વ્યક્તિને ઈચ્છામૃત્યુનો અધિકાર નહોતો આપ્યો પણ વેજિટેટિવ સ્ટેટમાં જીવતી વ્યક્તિને જ ઈચ્છામૃત્યુનો અધિકાર આપ્યો હતો. વેજિટેટિવ સ્ટેટ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિના શ્વાસ ચાલતા હોય તેથી દાક્તરી ભાષામાં જીવંત કહી શકાય પણ તે મૃત:પ્રાય અવસ્થામાં પથારીમાં પડી હોય. ઘણા કિસ્સામાં લાઈફ સપોર્ટ સિસ્ટમના આધારે જીવતી હોય ને તેના ફરી હરતાફરતા થવાના કોઈ ચાન્સ ના હોય. આ વ્યક્તિ ફરી હરીફરી શકવાની નથી એવું મેડિકલ બોર્ડ પ્રમાણિત કરી આપે તો તેને ઈચ્છામૃત્યુનો અધિકાર હોવાનું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું.
હરીશ રાણા સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ માટે નક્કી કરેલાં ધારાધોરણોમાં એકદમ ફિટ બેસે છે. હરીશ રાણા 2013માં એક બિલ્ડિંગના ચોથા માળેથી પડી જતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી કોમામાં જ છે. ડોકટરોના મતે, હરીશના સાજા થવાની શક્યતા લગભગ નહિવત છે. છેલ્લાં 12 વર્ષથી વધુ સમયથી કોમામાં છે અને પથારીમાં પડ્યો પડ્યો જીવે છે, હરીશ ભવિષ્યમાં પણ આ રીતે જ જીવશે તેથી તેના પરિવારે તેના જીવનનો અંત લાવવા માટે અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ અરજી માન્ય રાખીને દિલ્લીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (ઍઇમ્સ)ને ફરમાન કર્યું છે કે, રાણાને પેલિયેટિવ કેરમાં દાખલ કરવામાં આવે. દર્દીઓને યાતનાઓમાંથી મુક્તિ આપતી સારવારને પેલિયેટિવ કેર કહે છે. હરીશ મરવાના વાંકે જીવી રહ્યો છે તેથી તેના કિસ્સામાં જીવનનો અંત જ યાતનાઓમાંથી મુક્તિ આપી શકશે તેથી સુપ્રીમ કોર્ટના આદેશનો અર્થ એ થાય કે, ધીરે ધીરે હરીશના જીવનનો અંત લાાવવામાં આવશે.
લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોય તેને સપોર્ટ દૂર કરીને મોત આપી શકાય પણ હરીશ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર નથી પણ લાઈફ-સસ્ટેઈનિંગ ટ્રીટમેન્ટ પર છે. મતલબ કે, હરીશને ફીડિગ ટ્યુબ્સ દ્વારા ભોજન, પાણી વગેરે પોષણ આપીને જીવતો રખાઈ રહ્યો છે. આ સંજોગોમાં હરીશના જીવનનો અંત લાવવા માટે મેડિકલ ઉપાય અજમાવીને ફીડિગ ટ્યુબ્સ દૂર કરી દેવાશે. પોષણ નહીં મળે એટલે હરીશનું શરીર નબળું પડશે ને તેને કુદરતી મોત મળશે. ઈચ્છામૃત્યુમાં એક રસ્તો ડોક્ટરો દ્વારા ઈંજેક્શન આપીને કે બીજી કોઈ રીતે મોત આપવાનો પણ છે પણ હરીશના કિસ્સામાં એ રસ્તો નહીં અપનાવાય કેમ કે ભારતમાં એક્ટિવ યુથેનેશિયા પર પ્રતિબંધ છે.
હરીશ રાણા માત્ર 32 વર્ષનો છે. આ ઉંમર જિંદગીને માણવાની હોય છે ત્યારે તેને ડોક્ટરો જાતે મોતના મુખમાં મૂકશે એ આઘાતજનક કહેવાય પણ હરીશના જીવનની કરૂણાંતિકાને જાણશો તો સમજાશે કે એ સિવાય બીજો વિકલ્પ જ નથી. હરીશ જાબ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિગનો વિદ્યાર્થી હતો ને એન્જિનિયર બનીને સુખી જિંદગી જીવવાનાં સપનાં જોતો હતો ત્યાં 20 ઓગસ્ટ, 2013ના રોજ બનેલી દુર્ઘટનાએ તેના અને તેના પરિવારનાં તમામ સપનાંને ચકનાચૂર કરી નાખ્યાં. ચંદીગઢમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હરીશ પીજી બિલ્ડિંગના ચોથા માળેથી પડી જતાં માથામાં ગંભીર ઈજાઓ થઈ. તેના કારણે હરીશ કોમામાં જતો રહ્યો ને મૃતપ્રાય: થઈ ગયો.
ડોક્ટરોએ હરીશને ફરી ભાનમાં લાવવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ કોઈ પ્રયત્ન ફળ્યા નહીં. પરિવારે એક દાયકા સુધી તેની સંભાળ રાખી પણ કોઈ આશા ના જણાતાં છેવટે જુલાઈ 2024માં હરીશના માતા-પિતાએ દિલ્હી હાઈ કોર્ટનો અરજી કરીને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પરવાનગી માગી. હાઈ કોર્ટે આ અરજી ફગાવી દીધી કેમ કે હરીશ વેન્ટિલેટર પર નહોતો અને બીજી સપોર્ટ સિસ્ટમ વિના જીવતો હતો.
હરીશના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી પણ 2024ના ઓગસ્ટમાં તત્કાલીન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચે હાઈ કોર્ટના નિર્ણયને માન્ય રાખીને અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે, હરીશ લાઈફ સપોર્ટ પર નથી પણ તેને ટ્યુબ દ્વારા ખોરાક આપવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં સારવાર પાછી ખેંચવી તેનો જીવવાનો અધિકાર છિનવી લેવા બરાબર કહેવાય. ટ્યુબ દૂર કરવી એક્ટિવ યુથેનેશિયા એટલે કે સક્રિય ઈચ્છામૃત્યુ પણ કહેવાય.
ભારતમાં એક્ટિવ યુથેનેશિયા ગેરકાયદેસર હોવાથી હરીશના પરિવારની અરજી ફગાવી દેવાઈ હતી. જસ્ટિસ ચંદ્રચૂડે માનવીય અભિગમ દર્શાવીને ઉત્તર પ્રદેશ સરકારને હરીશના તબીબી ખર્ચને પહોંચી વળવા માટેનો રસ્તો શોધવા કહેલું પણ સરકારે કશું ના કરતાં ડિસેમ્બર, 2025માં હરીશના માતાપિતાએ બીજી વખત સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે હરીશના પરિવારની તકલીફને સમજીને સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પ્રાથમિક તબીબી બોર્ડની રચના કરવા આદેશ આપ્યો હતો. બોર્ડે હરીશની હાલત દયનીય હોવાનો રિપોર્ટ આપતાં સુપ્રીમ કોર્ટે એઈમ્સને અંતિમ મૂલ્યાંકન માટે મેડિકલ બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જાન્યુઆરીમાં હરીશના માતાપિતા અને નાના ભાઈને વ્યક્તિગત રીતે મળ્યાં ત્યારે પરિવારે પોતાની ખરાબ આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરીને ફીડિગ ટ્યુબ પાછી ખેંચવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી માન્ય રાખતાં હરીશના કુદરતી મોતનો માર્ગ મોકળો થયો છે.
હરીશના કેસમાં આવેલા ચુકાદાના કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમ વિના પણ માત્ર ફીડિગ ટ્યુબ્સના સહારે જીવતા રખાયેલા ઘણા દર્દીઓના પરિવારોના ઈચ્છામૃત્યુનો માર્ગ મોકળો થયો છે. ઈચ્છામૃત્યુ પ્રોત્સાહન આપવા જેવી બાબત નથી પણ કેટલાક સંજોગોમાં એ જરૂરી બની જાય છે. વેજિટેટિવ સ્ટેટમાં જીવતી વ્યક્તિના કારણે આખો પરિવાર માનસિક યાતના ભોગવતો હોય છે ને બધું કરી છૂટ્યા પછી એ ભારે હૃદયે સ્વજન માટે મોત માગતો હોય છે. સુપ્રીમ કોર્ટે તેમની તકલીફોને સમજી એ સારી વાત છે.