Mon Sep 07 2026

Logo

સુમુલ ડેરી ચૂંટણી: આંતરિક બળવા વચ્ચે પણ ભાજપનો ડંકો, ધનસુખ પટેલ પ્રમુખ

2026-07-17 13:09:00
Author: Mayur Patel
સુમુલ ડેરી ચૂંટણી: આંતરિક બળવા વચ્ચે પણ ભાજપનો ડંકો, ધનસુખ પટેલ પ્રમુખ

સુરતઃ સુમુલ ડેરીના પરિણામો આજે જાહેર થયા હતા. પરિણામને લઈ સવારથી જ ડેરી પર નેતાઓ અને સમર્થકોની ભીડ જોવા મળી હતી. મળતી વિગત પ્રમાણે, કડક પોલીસ સુરક્ષા વચ્ચે સવારે 11 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી અને માત્ર એક જ કલાકમાં તમામ બેઠકોનું પરિણામ આવી ગયું હતું.

ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.પરિણામો બાદ પ્રમુખ નક્કી કરવા માટે ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી. ભાજપે પ્રમુખ પદ માટે ધનસુખ પટેલનું નામ મૂક્યું હતું, જેની સામે અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ ભરતા મતદાન કરાવવું પડ્યું હતું.

મતદાનના અંતે ભાજપના ધનસુખ પટેલને 27 મત મળ્યા, જ્યારે સામેના અપક્ષ ઉમેદવારને માત્ર 12 મત મળ્યા હતા. આમ, 15 મતોની મોટી સરસાઈથી ધનસુખ પટેલ ફરી એકવાર સુમુલ ડેરીના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જીતના સમાચાર મળતા જ સમર્થકોએ ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડીને ખુશી મનાવી હતી.

સુમુલ ડેરીનું ટર્ન ઓવર

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી, સુરત) ના 74મા વાર્ષિક અહેવાલ (વર્ષ 2024-25) મુજબ કુલ રૂ. 6276 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું.  સંઘનું કુલ વેચાણ રૂ. 5774 કરોડ રહ્યું હતું. રૂ. 98.45 કરોડ ઘસારા જોગવાઈ કર્યા બાદ વર્ષ 2024-25 ને અંતે સંઘે રૂ. 10.94 કરોડ ચોખ્ખો નફો કર્યો હતો. કુલ દૂધનું વેચાણ  68,35,10,139 લીટર (જેમાં સુરત શહેરમાં દૂધનું વેચાણ 44,29,77,196.45 લીટર) રહ્યું હતું. રોજનું સરેરાશ 12,10,320 લીટર દૂધ અને 2,91,908 લીટર છાસનું વેચાણ નોંધાયું હતું.