ભુજઃ કચ્છમાં વૈશાખ મહિનાની આકરી ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. એક તરફ સૂર્યદેવ અગનવર્ષા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અચાનક ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
ભુજ તાલુકાના જવાહરનગર, મોડસર અને મોકાણા સહિતના પંથકમાં ગઈકાલે બપોર બાદ અચાનક કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને વેગીલા પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા હતા. આ ઉપરાંત પદ્ધર અને મમુઆરા વિસ્તારમાં પણ ધૂળની ડમરીઓ સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અંજાર તાલુકાના નવાગામ અને હીરાપર પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા પોર્ટ વિસ્તારમાં તાપમાનનો પારો 1.૫ ડિગ્રી વધીને ૪૧ ડિગ્રીએ પહોંચ્યો હતો, જે રાજકોટ બાદ રાજ્યનું બીજા ક્રમનું સૌથી ગરમ મથક નોંધાયું હતું. ભુજમાં તાપમાન સહેજ ઘટીને ૩૯ ડિગ્રી રહ્યું હતું, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવ્યો હતો.
અચાનક ત્રાટકેલા વરસાદને પગલે કચ્છના મુખ્ય રોકડિયા પાક ગણાતા કેસર કેરી અને ખારેકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, ભુજ પંથકના ચાઈનાકલે ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. ખુલ્લામાં રાખેલો ચાઈનાકલેનો કાચો માલ વરસાદમાં ભીંજાઈ જવાથી ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સ્થાનિક સ્તરે લોકલ સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદી માહોલ સર્જાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે, આગામી બે-ત્રણ દિવસમાં વાતાવરણ ફરી ચોખ્ખું થશે અને તાપમાનનો પારો વધવાની સાથે ગરમીનું જોર વધવાની શક્યતા પણ વર્તાવવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)