અમદાવાદઃ રખડતા શ્વાનનો આતંક બધે જ છે ત્યારે નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ તેનો ભોગ બન્યા હતા. અહીં તિલકવાડા વિસ્તારમાં રખડતા શ્વાનનો ભોગ 16 જેટલા શ્રદ્ધાળુ બન્યા હતા. અહીં લગભગ 16 શ્રદ્ધાળુને શ્વાનોએ બચકાં ભર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આમ થવાથી પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓએ શ્વાનોને પકડવાની માર્ગને સુરક્ષિત રાખવાની માગણી કરી હતી.
આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર નદીના ભાઠા પરથી ઉપર જવાના રસ્તે શ્વાનો આવી ચડ્યા હતા તો તિલકવાડા બ્રિજ નજીક અને અન્ય કેટલાક સ્થળોએ શ્વાનોએ શ્રદ્ધાળુઓને રંજાડ્યા હતા. લગભગ 16 જેટલા લોકોને શ્વાનોએ બચકા ભરી લેતા અન્ય શ્રદ્ધાળુઓમાં પણ ભય ફેલાયો હતો.
દરમિયાન સ્થાનિકોને મદદથી તમામ 16 શ્રદ્ધાળુને એમ્બ્યુલન્સ મારફતે તિલકવાડ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
આ સાથે નર્મદા પરિક્રમા દરમિયાન ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાના વહીવટીતંત્રના નિર્ણયને કારણે વિરોધ સાથે સ્વયંસેવકો અને સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઘાટ પર લાંબી કતારો જોવા મળી છે, જેમાં લોકો હોડી પકડવા માટે રાહ જોઈ રહ્યા છે.
તિલકવાડામાં પરિસ્થિતિ વધુ વણસી હતી, જ્યાં ગ્રામજનો, સંતો અને સ્વયંસેવકોએ ફરજિયાત ઓનલાઈન નોંધણી પ્રણાલી સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે તંત્રએ પહેલેથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું હતું. આ મામલે તંત્ર સાથે સીધી વાતચીત થઈ શકી ન હતી.