Fri Sep 11 2026

Logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કૉંગ્રેસની હાઈટેક તૈયારી...

2026-03-10 18:20:50
Author: Pooja Shah
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કૉંગ્રેસની હાઈટેક તૈયારી...

50 ટકા બેઠક પર યુવાનોને ઉમેદવારી અને ક્યૂ આર કોડથી અરજી

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. કૉંગ્રેસ પણ ફરી મેદાને ઉતરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે આ વખતે પક્ષે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તેમ જ નવા ચહેરાઓને તક આપવાની જાહેરાત કરી હતી. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો હતો, પરંતુ હવે રાજ્યભરમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે.

સમગ્ર ગુજરાતમાં કુલ 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતની લગભગ 1084 બેઠક, 262 તાલુકા પંચાયતની 5214 બેઠક અને 83 નગરપાલિકાની લગભગ 2596 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. આ રીતે રાજ્યના લગભગ 95% વિસ્તારની આશરે 10,000 જેટલી બેઠક પર ચૂંટણી યોજાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના 15 મહાનગરમાં ઉમેદવારી ઇચ્છતા લોકો માટે ઓનલાઇન ક્યુઆર કોડ દ્વારા અરજી કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ક્યુઆર કોડ સ્કેન કરીને ઉમેદવારો પોતાની વિગતો સાથે ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 11 થી 20 માર્ચ દરમિયાન તેમની રૂબરૂ મુલાકાત લઈને પેનલ તૈયાર કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે તેમજ એસસી, એસટી અને ઓબીસી વર્ગો માટે પણ અનામત બેઠકો છે. તેથી મહિલાઓ અને પછાત વર્ગોના સક્ષમ લોકોને પણ આગળ આવી ઉમેદવારી નોંધાવવાની અપીલ કરી હતી. 

આ સાથે તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ આવનારી ચૂંટણીઓમાં 50 ટકા બેઠક પર 50 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારોને તક આપશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ પક્ષ કેટલાક શહેરોમાં મેયરપદના સંભવિત ઉમેદવારોની અગાઉથી જાહેરાત કરવાની પણ તૈયારીમાં છે, જેથી મતદારોને સ્પષ્ટ નેતૃત્વનો વિકલ્પ મળી શકે. 
ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરવાની હોવાથી ત્રિપાંખીયો જંગ જામશે.