અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અમદાવાદ ઝોનલ ઓફિસના અધિકારીઓએ સીબીઆઇની ફરિયાદ બાદ અમદાવાદમાં હાથીજણ સર્કલ નજીક આવેલી સ્ટીલ કોનેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના રૂ. 80 કરોડના બેંક લોનના કથિત કૌભાંડમાં અમદાવાદમાં રૂ. 4.53 કરોડની મિલકત એટેચ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. ઈડીના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીના ડિરેક્ટરો એક જ પરિવારના છે અને બેંકમાંથી રૂ. 80 કરોડની લોન મેળવી હતી અને આ લોનના રૂપિયા અન્ય સહભાગી કંપનીઓમાં ડાઈવર્ટ કર્યા હતા.
હકીકતમાં સહભાગી કંપનીઓનો કોઈ બિઝનેસ પણ નથી અને કંપનીઓ વચ્ચે એવા કોઈ બિઝનેસ ટ્રાન્જેક્શન કે ખરીદ વેચાણ પણ થયા નથી તેમ છતાં બેંકના નાણા ખોટી રીતે ડાયવર્ટ કરીને બેંકને કથિત આર્થિક નુકસાન કરાવ્યું હતું અને બેન્ક દ્વારા સીબીઆઇમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઇની કાર્યવાહી બાદ ઈડી, અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા પ્રિવેશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 મુજબ ગુનો દાખલ કરીને કંપનીની રીંગરોડ હાંસોલ સર્કલ પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ સહિત અન્ય કંપનીઓમાં દરોડા પાડીને મોટી માત્રામાં બેંક લોન અંગેના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તપાસ કર્યા બાદ બેંકના નાણાનો દુરુપયોગ થયો હોવાનું બહાર આવતા કેટલીક મિલકતો શોધી કાઢવામાં આવી હતી અને ડાયવર્ટ કરેલા રૂપિયામાંથી આ મિલકત ખરીદી કરી હોવાનું બહાર આવતા લંબાણપૂર્વકની તપાસ બાદ આ ચાર મિલકતો એટેચ કરવામાં આવી હતી. આ અંગે હજુ તપાસ ચાલુ છે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી.