Wed Jun 17 2026

Logo

નખત્રાણાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં: શિક્ષકે વિદ્યાર્થિનીના હાથમાંથી ધાર્મિક પુસ્તક ઝૂંટવી ફેંકી દીધું!

2026-02-18 12:26:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ  કચ્છમાં બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલી ખાનગી શાળાઓ દ્વારા નિયત કરતાં વધુ ફી ઉઘરાવવી, ગણવેશ-સ્ટેશનરીની ચોક્કસ જગ્યાએથી ખરીદી, ઈત્તર પ્રવૃત્તિઓ માટે અલગથી ફી લેવી જેવી અનેક ફરિયાદો ઉઠતી રહે છે.  તાજેતરમાં નખત્રાણા ખાતેની ખાનગી મિશનરી અંગ્રેજી માધ્યમની શાળાના એક 'ડેમો' શિક્ષક દ્વારા વાલીઓ પાસેથી અંડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છાત્રોને લઇ જવાના નામે ચાર લાખથી વધુની રકમ ઉઘરાવીને ફરાર થઇ જવાનો મુદ્દો હજુ શમ્યો નથી તેવામાં આ અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળાના એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થિનીના હાથમાંથી કથિત રીતે ધાર્મિક પુસ્તક ઝૂંટવીને બહાર ફેંકી, છાત્રને અપમાનિત કરવાનો ગંભીર મામલો બહાર આવતાં આ મિશનરી શાળા ફરી એકવાર મોટા વિવાદમાં આવી ગઈ છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, નખત્રાણા ખાતે આવેલી અંગ્રેજી માધ્યમની અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના એક શિક્ષક દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોવાનું બહાર આવતાં હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ,ગૌરક્ષા દળ તથા હિન્દુ યુવાનોનું ટોળું આ શાળામાં પહોંચ્યું હતું. 

ત્યારબાદ સીસીટીવી કેમેરાના ફૂટેજીસ ખંગાળવામાં આવ્યાં હતા, જેમાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થિનીના હાથમાંથી હનુમાનજીની ધાર્મિક પુસ્તિકા ઝૂંટવી, બહાર ફેંકવામાં આવતી હોવાનું અને વિદ્યાર્થિનીને અપમાનિત કરવામાં આવી હોવાનું કથિત રીતે જોવા મળ્યું હતું. 

આ ગંભીર ઘટનાને લઈને સેંકડો લોકો શાળામાં ધસી જતાં ફફડી ગયેલા સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.  વિશ્વ હિન્દુ પરિષદના ચંદુ રૈયાણી, પીયૂષ રૈયાણી, મમુ રબારી, લખન રબારી, જેસા રબારી, નીલેશ રૈયાણી, ઝવેર કેસરાણી સહિતના કાર્યકરોએ આચાર્ય સમક્ષ આ બાબતની રજૂઆત કરી હતી અને હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ પ્રધાન સુધી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.

દરમ્યાન, આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ આ બનાવ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ ચાલી રહી છે અને હેવાલ આવ્યા બાદ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)