પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણની અછત વર્તાઈ રહી છે, જેની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. આ ગંભીર ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને શ્રીલંકા સરકારે દેશમાં કાર્યકારી દિવસોમાં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સોમવાર, 16 માર્ચના રોજ સરકારે જાહેરાત કરી છે કે હવે દેશમાં દર અઠવાડિયે માત્ર ચાર દિવસ જ કામકાજ થશે. આ પગલાનો મુખ્ય હેતુ પરિવહન અને વીજળીમાં વપરાતા ઈંધણની મહત્તમ બચત કરવાનો છે, જેથી દેશની મર્યાદિત સાધનસામગ્રીને લાંબા સમય સુધી ચલાવી શકાય.
નવી વ્યવસ્થા મુજબ, હવે શ્રીલંકામાં દર બુધવારે તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં રજા રહેશે. કોલંબોમાં આયોજિત પત્રકાર પરિષદમાં આવશ્યક સેવાઓના કમિશનર જનરલે સ્પષ્ટતા કરી હતી કે ઈંધણના સંગ્રહ અને યોગ્ય વપરાશ માટે આ ફેરફાર અનિવાર્ય બની ગયો છે. જોકે, આરોગ્ય, બંદર, જળ પુરવઠો અને સીમા શુલ્ક (કસ્ટમ્સ) જેવા અતિ આવશ્યક વિભાગોમાં કામગીરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, ત્યાં કર્મચારીઓએ અગાઉની જેમ જ ફરજ બજાવવાની રહેશે.
સરકારે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રને પણ આ ફોર ડે વર્કિંગ વીક મોડલ અપનાવવા માટે વિનંતી કરી છે. કમિશનર જનરલે ખાનગી કંપનીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું છે કે જો કોર્પોરેટ સેક્ટર પણ કામકાજના દિવસોમાં ઘટાડો કરશે, તો રાષ્ટ્રીય સ્તરે ઈંધણની માંગમાં મોટો ઘટાડો લાવી શકાશે. શ્રીલંકા અત્યારે જે રીતે આર્થિક અને ઉર્જાના પડકારોનો સામનો કરી રહ્યું છે, તેમાં સરકાર અને ખાનગી સંસ્થાઓનો સહિયારો પ્રયાસ સંકટને હળવું કરવામાં મદદરૂપ સાબિત થશે.
ઈંધણના વિતરણને પારદર્શક બનાવવા અને કાળાબજાર રોકવા માટે શ્રીલંકાએ 'ડિજિટલ રાશનિંગ સિસ્ટમ' અમલમાં મૂકી છે. હવે વાહનચાલકોને તેમના વાહનના પ્રકાર મુજબ અઠવાડિયે ચોક્કસ ક્વોટામાં જ ઈંધણ મળશે, જેનો ટ્રેક ક્યુઆર કોડ (QR Code) દ્વારા રાખવામાં આવશે. આ ડિજિટલ પ્રણાલી લાગુ થયાના બીજા જ દિવસે કામકાજના દિવસો ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. સરકારને આશા છે કે આ બંને પગલાંથી સામાન્ય નાગરિકો સુધી ઈંધણની સમાન વહેંચણી સુનિશ્ચિત કરી શકાશે અને અરાજકતા પર કાબૂ મેળવી શકાશે.