(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડના એસઆરએ પ્રોજેક્ટમાં સસ્તી કિંમતે બે ફ્લૅટ અપાવવાને બહાને ભાઈ-બહેન પાસેથી 77.67 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા બે આરોપી ગુનો નોંધાયાના સાત મહિના બાદ પકડાઈ ગયા હતા.
કુરાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ગણેશ શિવપ્રતાપ ગુપ્તા અને અમિત ધોંડુ યેલવે તરીકે થઈ હતી. આ પ્રકરણે મલાડમાં રહેતા અને ગોરેગામની ખાનગી કંપનીમાં કામ કરતા અનિલ પાંડુરંગ મટકરે ફરિયાદ નોંધાવી હતી. અનિલ અને વિલેપાર્લેમાં રહેતી તેની બહેન મેઘા પ્રદીપ રસલ મલાડ વિસ્તારમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઇચ્છતાં હતાં.
દરમિયાન મેઘાના દીકરા પ્રણવની મુલાકાત એક જિમમાં આરોપી ગુપ્તા સાથે થઈ હતી. ગુપ્તાએ પોતાની ઓળખ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીના કર્મચારી તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે એક એસઆરએ પ્રોજેક્ટમાં ઘણા ફ્લૅટ સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટ રેટ પર ફ્લૅટ અપાવવાની ખાતરી આપીને તેણે પ્રણવનો વિશ્ર્વાસ જીત્યો હતો.
પ્રણવે જાણ કર્યા પછી અનિલ અને મેઘા ગુપ્તાને મળ્યાં હતાં. તે સમયે ગુપ્તાએ તેમની કંપની દ્વારા એસઆરએ બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હોવાથી અનેક ફ્લૅટ વેચાણ માટે ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું. બાદમાં ગુપ્તાએ સહઆરોપી અમિત યેલવેની ઓળખાણ ફરિયાદી સાથે કરાવી હતી. અમિતને ચાર ફ્લૅટ ફાળવવામાં આવ્યા હોવાથી તેમાંથી બે તેણે વેચી દીધા છે, જ્યારે બાકીના બે સસ્કી કિંમતે ફરિયાદીને વેચવાની લાલચ આરોપીએ આપી હતી. મ્હાડા અને એસઆરએ ઑફિસમાં પોતાની સારી ઓળખ હોવાનો દાવો પણ બન્ને આરોપીએ કર્યો હતો.
મલાડ પૂર્વમાં બે ફ્લૅટ ખરીદવાની તૈયારી ફરિયાદી અને તેની બહેને દાખવતાં આરોપીઓએ તેમની સાથે અનેક વાર મીટિંગ કરી હતી. પછી આરોપીએ છઠ્ઠા માળે આવેલા બે ફ્લૅટ દેખાડતાં ફરિયાદી તે ખરીદવા રાજી થયા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી ભાઈ-બહેને 77.67 લાખ રૂપિયા ઈન્સ્ટોલમેન્ટમાં આરોપીને આપ્યા હતા. ફેબ્રુઆરી, 2021માં બન્ને ફ્લૅટનું એગ્રીમેન્ટ પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં જાણ થઈ હતી કે એ બન્ને ફ્લૅટ અગાઉથી જ કોઈને વેચી દેવામાં આવ્યા હતા. પોતાને છેતરવામાં આવ્યા હોવાનું જણાતાં ફરિયાદીએ નાણાં પાછાં માગ્યાં હતાં. વારંવારની માગણી છતાં ફરિયાદીને નાણાં કે ફ્લૅટનો તાબો મળ્યો નહોતો. બાદમાં બન્ને આરોપીનો કોઈ સંપર્ક થતો નહોતો. પરિણામે અનિલ મટકરે કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ગુનો નોંધાયો ત્યારથી આરોપી ફરાર થઈ ગયા હતા. આખરે સાત મહિના બાદ પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ બન્ને આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.