દેશનાં જાણીતા દ્વાદશ જયોર્તિલીંગ પૈકી સૌ પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ વિશિષ્ટ મહત્વ સૈકાઓથી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત પીએમ મોદીએ આજે સોમનાથમાં રોડ શો કર્યો હતો. રોડ શોમાં પીએમ મોદીની ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બાણસ્તંભની છે આ અજાયબી
સોમનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં દક્ષિણ દિશામાં દરિયા તરફ પાળ પાસે પત્થરનો એક મોટો સ્તંભ મુકવામાં આવ્યો છે. તે સ્તંભની ઉપર કમળપુષ્પમાં પૃથ્વીનો ગોળો બેસાડવામાં આવ્યો છે. જે પૃથ્વીને ચીરતું એકદિશાસૂચક તીર મૂકવામાં આવ્યું છે. જેને બાણ સ્તંભ કહેવામાં આવે છે. સ્તંભનો છઠ્ઠી સદીમાં જીર્ણોદ્વાર કરાયો હતો. આ સ્તંભ ખાસ વિશેષતા ધરાવે છે. કારણ કે, તે સમુદ્ર તરફ જવાનો માર્ગ બતાવે છે. જોકે, સોમનાથ તો દરિયા પાસે છે તો પછી સમુદ્ર તરફ જવાનો માર્ગ એટલે કેવો તેવો સવાલ તમને પણ થશે. પરંતુ તમને જણાવી દઈએ કે, તે સમુદ્ર તરફ જવાનો એવો માર્ગ બતાવે છે જેમાં કોઈ વચ્ચે કોઈ અવરોધ નથી. એટલે કે જમીની અવરોધ નહીં આવે. અહીંથી કોઈ અવરોધ વગર સીધા દક્ષિણ ધ્રુવ પહોંચી શકાય છે.
આ સ્તંભ પર સંસ્કૃતમાં ‘આસમુદ્રાનન્ત દક્ષિણધ્રુવ પર્યન્ત અબાધિત જ્યોર્તિમાર્ગ’ લખાયેલું છે. જેનો અર્થ થાય છે, સમુદ્રના અંતર પર સ્થિત દક્ષિણ ધ્રુવ સુધી જવાનો અબાધિત માર્ગ. અનેક લોકોએ આ મામલે રિસર્ચ કર્યું, જેમાં સંસ્કૃતમાં લખાયેલો શ્લોક શબ્દશઃ સાચો છે. દરેક ભારતીય માટે આ ગર્વ કરવાની બાબત છે કે સદીઓ પહેલા આપણા પૂર્વજોને પૃથ્વીનું કેટલું જ્ઞાન હતું. ત્યારે કોઈ ટેકનોલોજી, કોઈ જીપીએસ ન હતું, છતાં આપણા પૂર્વજોએ સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરીને આ જાણ્યું, અને તેનો ઉલ્લેખ એક એવા મંદિરમા કર્યો જ્યાં શ્રદ્ધાળુઓ, વટેમાર્ગુઓ આવતા.

કેવી રીતે આપણા પૂર્વજોએ જાણ્યુ હશે કે, સોમનાથના દરિયાથી સીધા નીકળો તો વચ્ચે માર્ગમાં કોઈ ભૂખંડ (જમીનનો ટુકડો) નહીં આવે, અને પૃથ્વી દક્ષિણ ધ્રુવ અને ઉત્તરી ધ્રુવમાં વહેંચાયેલી છે. આ એક પ્રકારનુ નૌકા જ્ઞાન છે, જે આપણા પૂવર્જોને હતું. પ્રાચીન ભારતીયો વેપાર કરવામાં માહેર હતા. તો અનેક વિદેશી વેપારીઓ ભારતમાં વેપાર કરવા આવતા હતા. ત્યારે આ બાણસ્તંભ તેમને ઉપયોગી સાબિત થતો.
આ દર્શાવે છે કે આપણા પૂર્વજો (ભારતીય) નકશા બનાવવામાં નિષ્ણાત હતા પરંતુ ભારતીય જ્ઞાનના કોઈ પુરાવા ન હોવાને કારણે પૃથ્વીનો પ્રથમ નકશો બનાવવાનો શ્રેય ગ્રીક વૈજ્ઞાનિક 'એનાક્સિમેન્ડર' (611-546)ને આપવામાં આવ્યો હતો. જો કે આ નકશો અધૂરો હતો કારણ કે તે નકશામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ગાયબ હતા. નકશામાં એ જ ભૂખંડ બતાવવામાં આવ્યો હતો, જ્યાં માનવ વસ્તી હતી. બાકીના ભૂખંડ શું? મૂળ નકશો 1490 ની આસપાસ હેનરિક્સ માર્ટેલસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તે સમયગાળામાં પણ લોકોને ખબર હતી કે દક્ષિણ ધ્રુવ ક્યાં છે અને પૃથ્વી ગોળ છે? આ અત્યાર સુધી એક રહસ્ય જ રહ્યું છે. એ વાત તો સામાન્ય છે કે આજના સમયમાં એરક્રાફ્ટ, ડ્રોન કે સેટેલાઇટ દ્વારા આ વિશે આપણે આરામથી શોધી શકીએ છીએ પણ આ 'બાણસ્તંભ'નું નિર્માણ એમ બતાવે છે કે એ સમયે ભારતીયોને 'પૃથ્વી ગોળ છે'આ વાતનું જ્ઞાન હતું.

ત્રિવેણી સંગમનું આ છે મહત્વ
સોમનાથ ત્રિવેણી સંગમને ત્રિવેણી ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિવેણી સંગમ ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનું મિલન સ્થળ છે અને પછી અરબી સમુદ્રમાં ભળી જાય છે. નદીઓના આ તબક્કા જ્યાં તેઓ મળે છે અને પછી સમુદ્રમાં વહે છે તે માનવ જન્મ, જીવન અને મૃત્યુનું પ્રતીક છે. ત્રિવેણી સંગમ હિન્દુ પૌરાણિક કથાઓ અને પુરાણોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને રામાયણ અને મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને ભગવાન સાથે વિલીન થઈને મોક્ષ પણ મળે છે.

ત્રિવણી ઘાટના કિનારે આવેલા લોકપ્રિય મંદિરો ગીતા મંદિર અને લક્ષ્મી નારાયણ મંદિરની પણ શ્રદ્ધાળુઓ મુલાકાલ લે છે. ઉત્તર દિશા તરફ હિંગળાજ માતા મંદિર અને પાંડવોની ગુફા પણ આવેલી છે. એવી લોક માન્યતા છે કે, સાડા પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો એ પણ અહીં સ્નાન કર્યું હતું. પિતૃદોષ ધરાવતા લોકો નિયમિતપણે અહીં શ્રાદ્ધ તર્પણ અથવા પૂર્વજોની પૂજા કરવા આવે છે. ઉપરાંક આજુબાજુના વિસ્તારના લોકો અસ્થિ વિસર્જન કરવા માટે પણ આવે છે.
મંદિર પંટાગણમાં કેમ છે સરદાર પટેલની મૂર્તિ
ભગવાન સોમનાથની જયોર્તિલિંગ તરીકે સ્થાપના થયા પછી ભારતભરમાં તેની ખ્યાતિ વધતા અનેક વખત આક્રમણકારો એ મંદિર ઉપર હુમલા કર્યા પરંતુ સોમનાથ મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા લોકોમાં આજ સુધી અખંડ રહી છે. આઝાદી પછી તા.13-11-1947 માં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવ્યા હતાં ત્યારે તેઓએ મંદિરના પુન: નિર્માણનો સંકલ્પ લીધો હતો. આ કારણે મંદિર પંટાગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પણ છે. ત્યારબાદ તા.19-04-1950માં સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ મુખ્ય પ્રધાન ઉછરંગરાય ઢેબરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
તા.11-05-1951માં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદનાં હસ્તે શિવલિંગની સ્થાપના કરવામાં આવી, ત્યારબાદ તા.13-05-1965ના સોમનાથ મંદિરના 155 ફૂટ ઊંચા શિખર ઉપર ધજા અને કળશ આરોહણ વિધિ સોમનાથ ટ્રસ્ટનાં પ્રથમ એવા જામનગરનાં રાજવી દિગ્વિજયસિંહજીના હાથે કરવામાં આવી હતી. પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કરેલું કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલી મુજબના સોમનાથ મંદિરના નિર્માણનું કામ પુરૂ કરી તા.01-12-1995ના સોમનાથ મહાદેવ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈ આજ દિન સુધી દેશ વિદેશનાં દર્શનાર્થીઓ માટે સોમનાથ મહાદેવ મંદિર એક દિવ્ય શ્રદ્ધા સ્થાન બની રહ્યું છે.