Sun Sep 06 2026

Logo

સોમનાથ અમૃત મહોત્સવ: 75 વર્ષ બાદ પ્રથમવાર સોમનાથ મંદિરમાં થશે ‘કુંભાભિષેક’, જાણો શું છે આ વિધિ?

2026-05-11 11:28:00
Author: Vimal Prajapati
સોમનાથ અમૃત મહોત્સવ: 75 વર્ષ બાદ પ્રથમવાર સોમનાથ મંદિરમાં થશે ‘કુંભાભિષેક’, જાણો શું છે આ વિધિ?

સોમનાથ: આજે 11 મેના રોજ પીએમ મોદી સોમનાથ પહોંચ્યાં છે.  આ એ જ દિવસ છે જ્યારે ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું હતું. આજે આ ઘટનાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ઉપલક્ષમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આની ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા છે, જ્યાં તેઓ વિશેષ મહાપૂજા, ધ્વજારોહણ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં સહભાગી થશે.  આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી વિશેષ ‘કુંભાભિષેક’ કરવામાં આવશે. પરંતુ આ કુંભાભિષેક શું છે અને તેનું આધ્યાત્મિક મહત્વ શું છે? ચાલો વિગતવાર જાણીએ.

કુંભાભિષેક એટલે શું?

‘કુંભાભિષેક’ શબ્દ બે શબ્દોનો બનેલો છે - કુંભ અને અભિષેક. કુંભ એટલે કળશ અને અભિષેક એટલે કે પવિત્ર સ્થાન. જ્યારે વિશેષ વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિમંત્રિત કરાયેલા જળને મંદિરના શિખર, કલશ અને મૂર્તિઓ પર અર્પણ કરવામાં આવે છે, ત્યારે તેને કુંભાભિષેક કહેવામાં આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં દર 10 થી 12 વર્ષે આ વિધિ કરવામાં આવે છે, પરંતુ સોમનાથમાં આ અનુષ્ઠાન 75 વર્ષે પ્રથમવાર યોજાઈ રહ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ખાતે પહોંચ્યાં છે. 

પવિત્રતા અને આધ્યાત્મિક ઉર્જાને પુનર્જીવિત કરવાનું કાર્ય

શાસ્ત્રો પ્રમાણે વાત કરવામાં આવે તો, કુંભાભિષેક એ મંદિરની પવિત્રતા અને આધ્યાત્મિક ઉર્જાને પુનર્જીવિત કરવાનું કાર્ય છે. નૂતન કુંભાભિષેકમ એટલે કે,  જ્યારે નવું મંદિર બને ત્યારે દેવી-દેવતાઓની ઉર્જા સ્થાપિત કરવા આ વિધિ થાય છે. સમયાંતરે આ ઉર્જાને ફરીથી જાગૃત કરવા માટે કુંભાભિષેક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંદિરના શિખર પર જળ અર્પણ કરવાથી બ્રહ્માંડની દિવ્ય ઉર્જા ગર્ભગૃહમાં સ્થિત શિવલિંગમાં સમાહિત થાય છે.

સોમનાથમાં વિશેષ આયોજન

સોમનાથ મંદિરના ઉંચા શિખર પર દેશભરના 11 પ્રમુખ તીર્થોના જળનો ઉપયોગ કરીને પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શિખર સ્નાન કરાવવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ ઉમટી પડ્યા છે. આજે સોમનાથ ખાતે પીએમ મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી છે. આ માટે સોમનાથને શણગારવામાં આવ્યું છે.