જ્યોત્સના તન્ના
(ગતાંકથી ચાલુ)
રાધા અને કૃષ્ણની પ્રીતિ તો અજર અમર છે, હંમેશાં નવીન જ રહે. વિદ્યાપતિ કહે છે, ‘સખી! કે પૂછસિ અનુભવ મોય, સે હો પિરીતિ અનુરાગ બખાનત, તિલે તિલે નૂતન હોય, સખી. મારો અનુભવ શું પૂછે છે? પ્રીતિ અને અનુરાગનાં વખાણ કરું, ક્ષણ ક્ષણમાં નવીન થાય છે.’ ‘ચૈતન્ય મહાપ્રભુ પણ એવું જ કહે છે તટસ્થ ભાવે વિચાર કરીએ તો બધા રસમાં શૃંગાર વધારે મધુર છે. પરકીયા ભાવે રસનો ઉલ્લાસ વધુ હોય, વૃંદાવન સિવાય એ બીજે ક્યાંય નથી. આ ભાવ વ્રજનારીઓમાં નિર્બંધ છે અને એ સહુમાં પણ રાધાનો ભાવ તો નિરવધિ છે.
‘તાર મધ્યે શ્રી રાધાર ભાવેર અવધિ, પ્રૌઢ નિર્મલ ભાબ પ્રેમ સર્વોત્તમ.’ વળી, મારા અને રાધાના પ્રેમ વચ્ચે હોડ છે, આ માધુર્ય હંમેશાં નવીન થતું રહે છે. ક્ષણે ક્ષણે પ્રેમમાધુર્ય વધતું રહે. ‘મોર માધુર્ય રાધાપ્રેમ દોહે હોડ કરિ, આમાર માધુર્ય નિત્ય નવ-નવ હોય, સ્વ સ્વ પ્રેમ અનુરૂપ ભક્તે આસ્વાદય.’ સંસ્કૃતમાં કહ્યું જ છે કે ક્ષણૈ: નવૈતાં ઉપૈતિ તદેવ રૂપં રમણીયતાયા: દર ક્ષણે નવીનતા ધારણ કરે તે જ રમણીયતાનું સ્વરૂપ છે. અહીં પ્રેમ ક્ષણિક વિકાર નથી. બંધન નથી, બંધિયાર નથી. આ પ્રેમ સહજ શાશ્ર્વત અને સુંદર છે.
વૈષ્ણવ સંપ્રદાયનો એક અન્ય ફાંટો છે, સહજિયા વૈષ્ણવ. તેમના આરાધ્ય રાધાકૃષ્ણ તો છે જ. કૃષ્ણ રસ અને રાધા રતિ. અહીં પણ રાધા કૃષ્ણને સદા આનંદ-વિલાસ આપતી રહે છે. ક્ષણનો વિરહ પણ સહી શકતી નથી. સહજિયા રાગમાર્ગ છે. વૈરાગ્ય માર્ગ નહીં, રાસમાર્ગ છે, કામમાર્ગ નહીં. વિશુદ્ધ કામ માણસને દિવ્ય બનાવે છે. અહીં કામનું શોધન કરવાનું હોય છે. અહીં પણ રાધા પરકીયા છે. લલિત સંપ્રદાયના પ્રવર્તક વંશી અલી છે. કૃષ્ણ આ સંપ્રદાયમાં રાધાની ઉપાસના કરે છે. રાધા-સખીરૂપે કૃષ્ણને વંદે અને સેવા પણ કરે છે.
રાધા સ્વકીયા કે પરકીયા - એ ચર્ચા બહુ જૂની છે. એક ઉલ્લેખ પ્રમાણે ઈ.સ. 717માં એક ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધા સ્વીકયા કે પરકીયા. છેવટે પરકીયા કહેતા પક્ષને વિજયી ઘોષિત કરવામાં આવ્યો હતો.
અને છતાં અનેક ગ્રંથોમાં રાધાકૃષ્ણની સાંસારિક વાતો મળે છે. ‘લલિત માધવ’માં રૂપ ગોસ્વામીએ યશોદામાતાનો રાધા પ્રત્યે વાત્સલ્યભાવ દર્શાવ્યો છે. યશોદા રાધાને ‘વત્સાલધ્વી - નાની બાલિકા પુત્રી કહે છે. બ્રહ્મવૈવર્તપુરાણ પ્રમાણે રાધાએ શ્રીકૃષ્ણ પર અન્યાઓ સાથે સંબંધ રાખવા માટે ક્રોધ કર્યો હતો. વિરજા ગોપી, શોભા, શાન્તિ, ક્ષમા, તુલસી, સ્વાહા, સ્વધા, સુશીલા વગેરે સાથે સંબંધ રાખવા ઠપકો આપ્યો હતો. ગંગાને કામપીડિત જોઈ રાધા તેને પી ગઈ હતી.
રાધાની પ્રતિસ્પર્ધી હતી. ચંદ્રાવલીનો પ્રેમ ધૃતસ્નેહ જેવો. એટલે જેમાં આદર છે, જે કૃષ્ણના ઐશ્ર્વર્યનો છે. રાધાનો પ્રેમ મધુસ્નેહ એટલે મધ જેવો મીઠો માધુર્યભાવવાળો છે. પદ્મપુરાણ પ્રમાણે સખીઓ શયનગૃહમાં યુગલની સેવા કરે, સમયાનુસારે રાધાને સ્નાન-શણગાર કરે, ત્યાર પછી રાધા સખીઓને સાથે લઈ ભોજન બનાવવા જાય. દુર્વાસા મુનિએ રાધાને વરદાન આપ્યું હતું કે રાધાએ બનાવેલું ભોજન અમૃતતુલ્ય બનશે, અને જે આ ભોજન કરશે તેનું આયુષ્ય વધશે. યશોદા માતાને આ વાતની જાણ હતી. ત્યાર પછી રાધાકૃષ્ણ ક્રીડા માટે સાથે રોજ વનમાં જાય. અહીં પણ રાધા સ્વકીયા કે પરકીયા એ મુદ્દાની ચર્ચા નથી.
છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે ‘સ એવ રસાનાં રસતમ: પરમ:’ - તે જ રસોમાં પરમ રસ છે. રાસ માટે અન્ય સ્થળે કહેવાયું છે. ‘રસો વૈ રાસ:’ - રસ જ રાસ છે. વૃંદાવનમાં રસિક શિરોમિણ શ્રીકૃષ્ણચંદ્ર અને રાસેશ્ર્વરી રાધાની રાસક્રીડાની લાવણ્યમયી ગાથા શરૂ થઈ. ભારતીય સંગીત ચિત્રકળા અને નૃત્યોમાં આ રસ, રાધા અને ગોપીઓ અભિન્ન રીતે વણાઈ ગયાં છે. રાધા રાસેશ્ર્વરી રાસવાસિની, રસિકેશ્ર્વરી કૃષ્ણપ્રિયા છે.
ભાગવતમાં રાધાનું નામ નથી. પણ ગોપીઓ સાથે શ્રીકૃષ્ણની રાસલીલા છે. સત્ય સંકલ્પવાળા શ્રીકૃષ્ણ પોતાના પર પ્રેમ ધરાવતી ગોપીઓના સંગમાં ચંદ્રકિરણોથી શોભાયમાન રાત્રિમાં શરદઋતુમાં શૃંગાર વગેરે રસમાં તરબોળ બન્યા હતા, અને રમ્યા હતા. અહીં ‘કામ’ આ સ્ત્રીઓના મનમાં હતો. તેઓ શ્રીકૃષ્ણની લીલાનાં કર્મોનું અનુસરણ કરતી, કૃષ્ણનાં ચરિત્રકાર્યોને ગાતી, નૃત્ય કરતી.
હરિવંશપુરાણ પ્રમાણે શરદની તેજોમયી રાત્રિઓમાં કૃષ્ણે પોતાની યૌવનાવસ્થા જોઈ ક્રીડા કરવાનું વિચાર્યું. રતિપ્રિય ગોપીઓ તો શ્રીકૃષ્ણ પર અનુરક્ત થઈ પતિ, પુત્ર સગાં સંબંધીઓના મના કરવા છતાં રાતે વનમાં જતી. પ્રાચીન વૈષ્ણવ પુરાણો-હરિવંશ, વિષ્ણુપુરાણ, ભાગવતમાં રાધાનું નામ નથી, કોઈ એક વિશેષ ગોપીનો ઉલ્લેખ છે. વિષ્ણુપુરાણના વર્ણન પ્રમાણે કૃષ્ણ ઊંચા અવાજે રાસનું ગીત ગાતા, ગોપીઓ તેમની પાછળ ગાતી.
શ્રીકૃષ્ણની પાછળ રાસમંડળમાં અનુસરતી ઘૂમતી અને શ્રીકૃષ્ણ જે રીતે વળતા તે રીતે વળતી. શ્રીકૃષ્ણે એક એક ગોપીને પોતાના હાથમાં લઈ રાસમંડળી રચી. હરિવંશ પ્રમાણે પણ લગભગ એ જ રીતે રાસ રચાયો. તાળી વગાડી કૂદતી ગોપીઓ બબેની જોડી બનાવી વચ્ચે કૃષ્ણને રાખી ગાતી, રાસમાં ફરતી. શ્રીધર નામના પ્રાચીન પંડિતના મત પ્રમાણે નટોએ જેમના ગળામાં હાથ નાખ્યા હોય તેવી નટીઓ એકબીજાના હાથ પકડી ગોળાકારે ફરતી હોય તે રાસ.
નીલકંઠ નામના અન્ય પ્રાચીન ટીકાકારે અમરકોષ વગેરેની સહાય લઈ રાસની સમજણ પરંપરા પ્રમાણે આ રીતે આપી છે - મંડળમાં ઘૂમતા એક પુરુષનું અનેક સ્ત્રીઓ સાથે ઘૂમવું તે હલ્લીસક અથવા રાસક્રીડા, તેમાં હાથ અને પગનું ખાસ પ્રકારે હલનચલન હોય છે. ઈસુની પહેલાં મહાભારત જે કાળમાં હજી સંપાદિત થતું હતું તે અતીતના ધૂંધળા વાતાવરણમાંથી બીજા એક મહાન સાહિત્યકારની પરંપરા આજે આપણી પાસે ઉપલબ્ધ છે. તે છે કવિ નાટકકાર ભાસ.
તેમણે એક જુદી જ પરંપરાનો આશ્રય લઈ કૃષ્ણના વૃંદાવનના નેસડાના જીવન પર નાટક લખ્યું છે, બાલચરિત. તેમાં ગોપક્ધયાઓ સાથે દામોદરના હલ્લીસક નૃત્યના ઉલ્લેખ છે. મુનિ વાત્સ્યાયનનું ‘કામસૂત્ર’ પુસ્તક આપણને અજાણ્યું નથી. ત્યાં પણ આ હલ્લીસકનો ઉલ્લેખ શૃંગારિક પરંપરારૂપે કરવામાં આવ્યો છે. નાયિકામાં પ્રીતિ ઉપજાવવા માટે નાયકે એક પુરુષ પ્રધાન અનેક સ્ત્રીઓના હલ્લીસક ક્રીડનનો પ્રયોગ કરવો. પુરાણોમાં રાસક્રીડા કે રાસલીલા વખતે અનેક શૃંગારિક વર્ણનો કરવામાં આવ્યાં છે. (ક્રમશ:)