જ્યોત્સના તન્ના
(ગતાંકથી ચાલુ)
સ્કન્દપુરાણના ભાગવત માહાત્મ્ય પ્રકરણમાં કહ્યું છે:
રાધિકા શ્રીકૃષ્ણનો આત્મા છે, તેની સાથે તે રમણ કરે છે. તેથી ગૂઢને જાણનાર બુદ્ધિમાન વિદ્વાનો તેમને આત્મારામ કહે છે. અહીં રાધા માટેના મંત્રો, જપવિધિ, પૂજા, સ્તોત્ર વગેરેની ઘણી વિગતો મળે છે. રાધાનો ઉલ્લેખ સમ્મોહિની, પરાદેવતા, સર્વલક્ષ્મીમયી, મહાશક્તિ વગેરે રૂપે મળે છે. રાધા કૃષ્ણને પ્રાણોથી પ્રિય છે, રાધાની પ્રથમ પૂજા કર્યા સિવાય વૈષ્ણવોએ કૃષ્ણની પૂજા ન કરવી. દેવીભાગવત અનુસાર મહાવિષ્ણુની ઉત્પત્તિ રાધાથી થઈ છે.
બ્રહ્મવૈતવર્તપુરાણ પ્રમાણે સાવિત્રી, દુર્ગા, પાર્વતી વગેરે વિશ્વની બધી દૈવી શક્તિઓનું ઐકય રાધા સાથે છે. ઈશ્વરનું ચતુર્ભુજ તેજ કુંજભવનમાં રાધિકામાં લીન થાય છે. તેથી રાધિકા ‘પરિપૂર્ણતા’ કહેવાય છે અને શ્રીકૃષ્ણ તો ‘પૂર્ણાવતાર.’
આપણી સંસ્કૃતિના પ્રાચીનતમ ગ્રંથો- ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદના અમુક મંત્રોમાં એ વખતના સર્વોચ્ચ સર્વશક્તિમાન દેવાધિદેવ ઈંદ્ર માટે ‘રાધસ્’ ગુણવિષયક શબ્દો વપરાયા છે. દા.ત. ‘રાધાનાંપતે’ વગેરે. વેદના અઘરા અગમ્ય શબ્દોના અર્થ સમજાવતા ગ્રંથ નિઘંટુમાં ‘રાધસ્’ શબ્દનો અર્થ છે જે ધર્મ આદિ પુરુષાર્થોને સિદ્ધ કરે. ધનસંપત્તિ વગેરે માટે પણ એ વપરાયો છે. દેવ સવિતા (સૂર્ય)ની સ્તુતિ છે - દાતા રાધાંસિ શુંભતિ. વેદોમાં સૌથી વધારે મંત્રો ઈંદ્રો માટે છે. ત્યારે વિષ્ણુનું મહત્ત્વ ખાસ ન હતું. તેથી બહુ જ ઓછા મંત્રો દેવ વિષ્ણુ માટે રચાયા છે.
કાળાંતરે આ વૈદિક દેવસૃષ્ટિમાં પરિવર્તન થયું. સમાજવ્યવસ્થા પ્રમાણે દેવોનું મહત્ત્વ બદલાતું રહ્યું છે. વૈદિક કાળના ઘણાં બધાં દેવીદેવતાઓ તો આજે સાવ ભુલાઈ ગયાં છે. અને નવાં પણ આવી ગયાં છે. પરિવર્તન વિશ્ર્વનો નિયમ રહ્યો છે. ધીરે ધીરે ઈંદ્રપૂજાનો અસ્ત થવા લાગ્યો. જેના વેદમાં પણ અછડતા ઉલ્લેખો મળે છે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણે ઈંદ્રપૂજા બંધ કરાવી, કોપાયમાન ઈંદ્રે દિવસો સુધી અનરાધાર વૃષ્ટિ કરી પણ છેવટે તેણે હાર માનવી પડી. ગોવર્ધનધારી કૃષ્ણની મહત્તા વધી. શ્રીકૃષ્ણ ઈંદ્રને હરાવી સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ પૃથ્વી પર લઈ આવ્યા અને છેવટે ઈંદ્રએ પણ પોતાની હાર માની. શ્રીકૃષ્ણનું ઉપરીત્વ સ્વીકાર કરવું પડ્યું હતું. બદલાતી દેવપૂજાનું આ પ્રતીક છે.
વેદમાં વિષ્ણુના મંત્રોમાં ગોપ, તેના ઊર્ધ્વલોકમાં ‘ભૂરિશ્રૃંગા ગાવો’ ગોલોક, વ્રજ વગેરેના ઉલ્લેખ છે. ગોવિંદ નામ કેવી રીતે થયું તે શ્રીધર પંડિતે સમજાવ્યા પ્રમાણે - ગા ઈંદ્રત્વેન વિંદતિ ગોવિંદ - ગાયોના ઈંદ્ર; ગાં સ્વર્ગ ઈંદ્રત્યેન વિદતિ - સ્વર્ગના ઈંદ્ર. ગો એટલે કિરણ. કાળના 94 અંશને વિષ્ણુએ ચક્રની જેમ ઘુમાવ્યા એવું પણ વર્ણન છે. ધીરે ધીરે સૂર્ય પણ વિષ્ણુમાં સ્થપાયા. યાદવો તો સૂર્યપૂજક હતા. સત્રાજિતને સ્યમંતક મણિ સૂર્યે પ્રસન્ન થઈને આપ્યો હતો. ધીરે ધીરે વિષ્ણુનું મહત્ત્વ વધતું ગયું. ઈંદ્રનું સ્થાન ગૌણ થતું ગયું.
ત્યારે સ્વાભાવિક રીતે ઈંદ્રના ગુણોનું આરોપણ વિષ્ણુમાં થવા લાગ્યું. એટલે ‘રાધસ્’ ગુણ પણ જોડાઈ ગયો. શ્રીકૃષ્ણ તો વિષ્ણુના અવતાર એટલે આ ગુણ અહીં પણ આવી ગયો. રાધાનાં પતિ વગેરે. તે સાથે વૈદિક વિષ્ણુના ગોલોક, ગોપ, વ્રજ, ગાયો વગેરે શ્રીકૃષ્ણ સાથે નિક્ટતાથી જોડાઈ ગયા. દા.ત. ગોવિંદ, ગોપીકાંત, ગવામીશ, ગોષ્ઠસ્થ, ગોપાલ વગેરે કૃષક અને પશુપાલક સમાજમાં આ તરત અપનાવાઈ ગયા.
રાધ્- આરાધયતિ એટલે આરાધના, અર્ચના એટલે રાધા શબ્દ સાથે ભક્તિ આવે જ. રાધોપનિષદ પ્રમાણે રાધ્નોતિ સાધયતિ કાર્યાણિ- સાધકોનાં કાર્યોને સિદ્ધ કરનારી એમ કહેવામાં આવ્યું છે. રા એટલે કોટિકોટિ જન્મોનાં અશુભ ફળનો નાશ કરનાર; આ એટલે આવાગમન (પુનર્જન્મ)માંથી મુક્તિ અપાવનાર, ધ એટલે દીર્ઘાયુ આપનાર- એ રાધા. કૃષ્ણેન આરાધ્યતે ઈતિ રાધા, કૃષ્ણં સમારાધયતિ સદા ઈતિ રાધિકા-કૃષ્ણ દ્વારા આરાધ્યા રાધા. જે સ્વયં હંમેશાં કૃષ્ણની આરાધના કરે.
બ્રહ્મવૈવર્તપુરાણના અર્થ પ્રમાણે (1) રા એટલે વિષ્ણુ અને ધા એટલે ધાત્રી, માતા, ઈશ્ર્વરી મૂળ પ્રકૃતિ (2) રા એટલે દાન આપવું, રાધા પોતે જ મોક્ષ-નિર્વાણ આપે (3) રા એટલે રાસમાં ઉપસ્થિત અને ધા એટલે શ્રીહરિને ધારણ કરે (4) રા શબ્દના ઉચ્ચારણથી ભક્તને મુક્તિ મળે અને ધા શબ્દ એટલે ઈશ્વરના ચરણે સત્વર ગતિ. બૃહદ બ્રહ્મસંહિતામાં કહ્યું છે - ત્વયા ચ આરાધિતો યસ્માદહં કુંજમહોત્સવે, રાધિતો નામ વિખ્યાતા રાસલીલાવિધાયકા - તારા દ્વારા કુંજમહોત્સવમાં મારી આરાધના કરવામાં આવી, રાસલીલાની રચનારી તારું નામ રાધા.
વૈષ્ણવ આચાર્યોના મત પ્રમાણે ભાગવતપુરાણમાં જે ‘અનયા આરાધિતો નૂનં ભગવાન્’ વાક્ય છે તેનો અર્થ થાય કે રાધયતિ આરાધતિ ઈતિ શ્રી રાધેતિ નામકરણં ચ- એટલે અહીં રાધા નામ છે એવું તેમનું મંતવ્ય છે. નિંબાકાચાર્યના અનુયાયી શુક્રદેવ ‘રાધિત’ શબ્દનો અર્થ કર્યો - રાધાથી સંયુકત. કૃષ્ણના વિહારમાં રાધા જ હેતુરૂપ હોય છે. ભાગવતમાં શુક્રદેવ કથા શરૂ કરતાં પહેલાં સ્તુતિ કરે છે - નિરસ્ત સામ્યાતિશયેન રાધસા. રાધસ્ એટલે શક્તિ કે ઐશ્વર્યવાચક. વલ્લભાચાર્ય ના મતે ભગવાનની જ કોઈ સિદ્ધિ.
વિષ્ણુ-કૃષ્ણ પરમ દેવરૂપે સ્થાપિત થયા ત્યારે જે મૂળ પ્રકૃતિ સનાતની વિષ્ણુમાયા કહેવાય છે જે શ્રીકૃષ્ણની પ્રાણની અધિષ્ઠાત્રી દેવી છે, તેનું રાધામાં રૂપાંતર થઈ ગયું. નારદપુરાણ પ્રમાણે હરિ અને તેમની શક્તિ સમસ્ત જગતમાં વ્યાપ્ત થઈને રહે છે. આ શક્તિને પરા તથા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે. આ પરાશક્તિ જગતની રચના વગેરે કાર્ય કરે છે, અને પ્રકટ કે અપ્રકટ રૂપે જગતમાં રહેલી છે. તે જ લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી, દુર્ગા વગેરે મહાદેવીઓ કહેવાય છે. તે જ આદિમાતા, શક્તિરૂપા, સંપદદાત્રી હ્લાદિની શક્તિ. રાધા તો કૃષ્ણની પરમ હ્લાદિની શક્તિ છે.
શ્રીકૃષ્ણનાં લીલામાં નામ થયાં. રાધેશ્વર, રાધાકાન્ત, રાધિકેશ્વર, કિશોરીપ્રાણનાથ, રાધિકાત્મા, રાધાપ્રાણ, રાધાધન આદિ ગર્ગાચાર્યે તો બાળકૃષ્ણની નામકરણવિધિ વખતે ગર્ગસંહિતા પ્રમાણે એ પરમપ્રભુસ્વરૂપ બાળકને ‘રાધાપતિ’ તરીકે સંબોધન કર્યું.
બ્રહ્મવૈવર્તપુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણ કહે છે કે હું પોતે જ આત્મા છું, તેથી નિત્ય છું. જેમ તમે પ્રકૃતિ છો, બધી શક્તિઓથી યુક્ત, બધાંનો આધાર અને સનાતન છો. જેમ લક્ષ્મી અને સરસ્વતી મારા પ્રાણ સમાન છે, બ્રહ્મા, શંકર અને ધર્મ તમે જ છો. અને તમે તો મને પ્રાણોથી પણ વધારે પ્રિય છો. - ત્વં મે પ્રાણાધિકા પ્રિયા. પદ્મપુરાણ પ્રમાણે રાધિકા શ્રીકૃષ્ણની પ્રિયા આદ્ય પ્રકૃતિ છે. અને તેના પગની રજના સ્પર્શમાત્રથી કરોડો વિષ્ણુનો જન્મ થાય છે.
કૃષ્ણની અષ્ટ પટરાણીઓમાંથી એક કાલિંદી કહે છે કે કૃષ્ણ જ રાધિકા છે અને રાધિકા જ કૃષ્ણ છે. નારદપુરાણ કહે છે કે કૃષ્ણ રાધાના જીવનના એકમાત્ર ધન છે - રાધૈકજીવાતુક. રાધા છે કૃષ્ણવ્રતા, કૃષ્ણપ્રાણાર્પિણી, હરિપ્રિયા, પરમાનંદા, શુદ્ધ પ્રેમ ભક્તિ વિધાયિની, સર્વસત્ત્વનિધિ. શ્રીકૃષ્ણની મહાલીલાનું શ્રેષ્ઠ પાત્ર છે. (ક્રમશ:)
‘શ્યામ સમીપ’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની.