Thu May 07 2026

Logo

ગુજરાતમાં આ સરકારી યોજનમાં મળે છે રૂ. ૨૫ લાખની લોન, જાણો કેવી રીતે કરશો અરજી

2026-05-07 12:28:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ શ્રી વાજપાઈ બેંકેબલ યોજના રાજ્યના યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ સુધીમાં ૧.૪૨ લાખ કરતા વધુ લાભાર્થીઓને રૂ. ૧,૨૪૩ કરોડ કરતા વધુની સબસિડી સહાય આપવામાં આવી છે. જેમાં ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૭,૪૬૨ લાભાર્થીઓને રૂ. ૪૬૬ કરોડની સબસિડી સહાય આપવામાં આવી છે. આમ, આ યોજના થકી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના હજારો પરિવારો આર્થિક રીતે પગભર બન્યા છે.

રૂ. ૨૫ લાખ સુધીની મળે છે લોન

ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ પ્રધાન નરેશ પટેલ અને રાજ્ય પ્રધાન સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ યોજનાને વધુ વ્યાપક બનાવી છે. રાજ્યના શહેરી અને ગ્રામીણ બેરોજગારોને સ્વરોજગારી પૂરી પાડતી ‘શ્રી વાજપાઈ બેંકેબલ યોજના’ અંતર્ગત આપવામાં આવતી લોન મર્યાદા જે પહેલા રૂ. ૮ લાખ હતી, તે વર્ષ ૨૦૨૫-૨૬થી વધારીને રૂ. ૨૫ લાખ કરવામાં આવી છે. આ લોનમાં રાજ્ય સરકાર દ્વારા જનરલ કેટેગરીના યુવાનોને મહત્તમ રૂ. ૩.૭૫ લાખ તેમજ SC, ST અને દિવ્યાંગો માટે મહત્તમ રૂ. ૫ લાખ સુધીની સબસિડી સહાય આપવામાં આવે છે.

કોને આપવામાં આવે છે સહાય

‘શ્રી વાજપાઈ બેંકેબલ યોજના’ હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા યુવા સાહસિકોને બેંક મારફત ધિરાણ અને સરકાર તરફથી સબસિડી સહાય આપવામાં આવે છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં ૨૫ થી ૪૦ ટકા સુધી તથા શહેરી વિસ્તારમાં ૨૦ થી ૩૦ ટકા સુધીની સબસિડી સહાય કેટેગરી મુજબ આપવામાં આવે છે. શહેરોથી લઈને ગામડાંઓ સુધી હજારો યુવાઓના જીવનમાં ક્રાંતિ લાવતી 'શ્રી વાજપાઈ બેંકેબલ યોજના' લાખો નાગરિકોને આત્મનિર્ભર બનાવી વડા પ્રધાન  નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરી રહી છે. 

કેવી રીતે કરશો અરજી

આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શી છે. જેનો લાભ લેવા માંગતા ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ https://blp.gujarat.gov.in/ પર અરજી કરી શકે છે. આ યોજના હેઠળ મળવાપાત્ર સહાયની રકમ બેંક દ્વારા લોન મંજૂર થયા બાદ લાભાર્થીના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.

શું છે વય મર્યાદા

રાજ્યના ૧૮ થી ૬૫ વર્ષની વયના અને ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ કે સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ મેળવેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.  વધુમાં વધુ નાગરિકો યોજનાનો લાભ લઈ શકે તે માટે આ યોજનામાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી.