બેલફાસ્ટઃ ભારતની ટી-20 ટીમના નવા કૅપ્ટન શ્રેયસ ઐયરે શુક્રવારે અહીં આયરલૅન્ડ સામે શ્રેણીની પ્રથમ મૅચ અગાઉ ટીમ-હડલમાં સાથી ખેલાડીઓને જોશ અપાવતા કહ્યું, `હું ટીમમાં સકારાત્મક માહોલ બનાવવા પર ધ્યાન આપવા માગું છું. આ એક બહુ સારો મોકો છે અને આ ટીમ આપણો એક પરિવાર જ છે. ચાલો, સિંહ જેવી બહાદુરી બતાવીને રમીએ અને દરેક મૅચ જીતવાની ભાવના સાથે જ રમીએ. આપણે એવો માહોલ બનાવવાનો છે જેમાં આપણે એકબીજાનો જુસ્સો વધારીએ અને એકબીજાની સફળતાનો જશન મનાવીએ.'
હેડ-કોચ ગૌતમ ગંભીરે શ્રેયસને ટી-20 ટીમનો કૅપ્ટન બનવા બદલ અભિનંદન આપ્યા હતા. શ્રેયસે ટીમની કમાન સંભાળતાં સાથીઓને હડલ (Huddle) દરમ્યાન કહ્યું, `આપણે ટીમને આગળ વધારવાની સાથે મજબૂત કલ્ચર બનાવવાની પણ કોશિશ કરીશું. ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળવાનો મને પહેલી વખત મોકો મળ્યો છે અને જેમ ગૌતીભાઈ (ગૌતમ ગંભીર)એ કહ્યું એમ આ નિશ્ચિતપણે મોટું સન્માન અને વિશેષાધિકાર છે. ખેલકૂદમાં દેશનું નેતૃત્વ સંભાળવું એ બહુ મોટું બહુમાન અને ગૌરવ કહેવાય.'
શ્રેયસ (Shreyas)એ આ જ મુદ્દે વધુમાં કહ્યું, `આગળ જતાં હું ટીમમાં એવું કલ્ચર બનાવવા માગું છું જેમાં આપણે મુશ્કેલ સમયમાં એકમેકને સાથ આપીએ, એકબીજાની રક્ષા કરીએ અને વધુ મહત્ત્વની વાત એ છે કે આપણે મેદાન પર હોઈએ ત્યારે થઈ શકે એટલો ખેલકૂદનો આનંદ માણીએ.'
આઇપીએલ-2026ના થોડા જ દિવસ પહેલાં ભારતે સૂર્યકુમાર યાદવના સુકાનમાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. જોકે સૂર્યકુમારનું બૅટિંગમાં ફૉર્મ ન હોવાને કારણે તેને ટીમમાંથી જ દૂર કરીને શ્રેયસને સુકાન સોંપવામાં આવ્યું છે.