Thu Oct 01 2026

Logo

શ્રેયા ઘોષાલે કેમ કહ્યું એ દિવસે હું ગાવાનું છોડી દઈશ? કારણ જાણીને ચોંકી ઉઠશો...

2026-03-16 21:59:34
Author: Darshana Visaria
શ્રેયા ઘોષાલે કેમ કહ્યું એ દિવસે હું ગાવાનું છોડી દઈશ? કારણ જાણીને ચોંકી ઉઠશો...

Bollywood Singer Shreya Ghoshal


ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોકિલ કંઠી અને પોતાના મધુર અવાજથી કરોડો દિલો પર રાજ કરનારી સિંગરશ્રેયા ઘોષાલ હાલમાં પોતાના એક સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવી છે. 'તેરી મેરી', 'સુન રહા હે ના તૂ', અને 'દીવાની મસ્તાની' જેવા સુપરડુપર હિટ ગીતો ઈન્ડસ્ટ્રીને આપનારી શ્રેયાએ હાલમાં આવેલા એક ઈન્ટરવ્યુમાં લિપ-સિંક કલ્ચર અને રિટાયરમેન્ટ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે શ્રેયાએ કે જેને કારણે તેના ફેન્સ પણ ટેન્શનમાં આવી ગયા છે... 

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં શ્રેયા ઘોષાલે જણાવ્યું હતું કે લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન લિપ-સિંક એટલે કે પહેલાંથી જ રેકોર્ડ કરેલાં ગીત પર માત્ર હોઠ ફફડાવવા)નું ચલણ સતત વધતું જઈ રહ્યું છે જે ખરેખર ખૂબ જ પીડાદાયક છે. આગળ તેણે એવું પણ જણાવ્યું હતું કે મને આ બાબતથી ખૂબ જ તકલીફ થાય છે. જે દિવસે મારે સ્ટેજ પર ઉભા રહીને લિપ-સિંક કરવું પડશે, તે દિવસે હું ગાવાનું કાયમ માટે બંધ કરી દઈશ.

શ્રેયાએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી તેનો અવાજ સાથ આપશે ત્યાં સુધી તે સ્ટેજ પર લાઈવ ગાવાનું જ પસંદ કરશે. શ્રેયાનું આ નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યું છે અને ફેન્સ આ સ્ટેટમેન્ટને કારણે થોડા ટેન્શનમાં પણ આવી ગયા છે. વાત કરીએ વર્ક ફ્રન્ટની તો શ્રેયા હાલમાં સિંગિંગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડોલમાં જજ તરીકે કામ કરે છે અને તેની સાથે સિંગર વિશાલ દદલાણી અને રેપર બાદશાહ પણ આ શોમાં જજની ભૂમિકામાં જોવા મળે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સિંગર અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક કે રિટાયરમેન્ટ લેવાની એનાઉન્ટસમેન્ટ કરી હતી. અરિજિતના આ પગલાંને શ્રેયાએ ખૂબ જ 'બહાદુરીનું પગલું' ગણાવ્યું છે. શ્રેયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અરિજિતે ખૂબ જ હિંમતભર્યું કામ કર્યું છે. તે દિલથી સાચો મ્યુઝિશિયન છે. મને પણ ક્યારેક એવું લાગે છે કે મારે પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લઈ લેવો જોઈએ. શ્રેયાના મતે અરિજિત માત્ર ખુશી માટે સંગીત સર્જે છે, પ્રસિદ્ધિ માટે નહીં...