એક રિપોર્ટ મુજબ મેટ્રોમાં માત્ર 3 ટકા અને BRTSમાં માંડ 2 ટકા મુસાફરો સવારી કરે છે, અપૂરતી સેવાઓને કારણે લોકો અંગત વાહનો વાપરવા મજબૂર
અમદાવાદ: શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો લોકો વધુ ઉપયોગ કરે તેવા પ્રયાસો કરી રહી છે. આ માટે થોડા સમય પહેલાં AMTSની એસી બસો રોડ પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની હાલત કફોડી છે. શહેરમાં 5104 બસોની ઘટ છે, માત્ર 12 ટકા જ મુસાફરો AMTSનો ઉપયોગ કરે છે. મેટ્રોમાં માત્ર 3 ટકા અને BRTSમાં માંડ 2 ટકા મુસાફરો સવારી કરે છે. અપૂરતી સેવાઓના કારણે લોકો તેમના પર્સનલ વાહનો વાપરવા મજબૂર હોવાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
રિપોર્ટમાં શું થયો ઘટસ્ફોટ
એક સંસ્થાના રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં જાહેર પરિવહનની હાલત અત્યંત ચિંતાજનક છે. નિયમ મુજબ દર એક લાખની વસ્તીએ 60 બસો હોવી જોઈએ, જેની સામે શહેરમાં 10 લાખની વસ્તીએ 128 બસો જ ઉપલબ્ધ છે. હાલ અમદાવાદમાં માત્ર 1,383 પબ્લિક બસો કાર્યરત છે, એટલે કે શહેરમાં હજુ 5,104 બસોની જંગી ઘટ છે. અહેવાલ મુજબ, શહેરમાં માત્ર 12 ટકા મુસાફરો મ્યુનિસિપલ બસ પર નિર્ભર છે. મેટ્રો કે રેલવે માત્ર 3 ટકા અને BRTS માંડ 2 ટકા મુસાફરો પ્રવાસ કરે છે. જાહેર પરિવહનની આ અછતને કારણે અમદાવાદીઓએ પોતાના વિકલ્પો શોધવા પડ્યા છે.
32 ટકા લોકો વાપરે છે ટુ વ્હીલર
રિપોર્ટ અનુસાર, નોકરી-ધંધે કે શાળા-કોલેજ જવા માટે 32 ટકા લોકો ટુ-વ્હીલર વાપરે છે. 28 ટકા લોકો ચાલીને જાય છે, 9 ટકા લોકો ઓટો-રિક્ષા પર નિર્ભર છે. જ્યારે 8 લોકો કારનો ઉપયોગ કરે છે અને 6 ટકા લોકો સાઇકલ લઈને જાય છે.
અમદાવાદીઓ ટુ-વ્હીલર પર સરેરાશ 11 કિમીની કરે છે મુસાફરી
સૂત્રોના જણાવ્યા મુજબ, ટુ-વ્હીલરનો 32 ટકા જેટલો ઊંચો હિસ્સો સ્પષ્ટપણે દર્શાવે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક અપૂરતું અને બિનભરોસાપાત્ર છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં વ્યાપક પબ્લિક ટ્રાન્સપોર્ટ હોવાથી ત્યાં ટુ-વ્હીલરનો વપરાશ ઓછો છે. અમદાવાદમાં બસોની અપૂરતી સંખ્યા, કનેક્ટિવિટીનો અભાવ અને અનિયમિત ફેરાઓને લીધે લોકો સસ્તા ઇલેક્ટ્રિક કે સામાન્ય ટુ-વ્હીલર તરફ વળ્યા છે. ખાનગી વાહનો પરની નિર્ભરતા એટલી વધી ગઈ છે કે અમદાવાદીઓ ટુ-વ્હીલર પર સરેરાશ 11.0 કિમીની લાંબી મુસાફરી કરે છે, જે મ્યુનિસિપલ બસની સરેરાશ ટ્રીપ જેટલી જ છે.
ઈલેક્ટ્રિક વાહનો વધવા છતાં પેટ્રોલ-ડીઝલના વાહનોનો દબદબો
અમદાવાદમાં હાલ અંદાજે 36 લાખ નોંધાયેલા વાહનો છે, એટલે કે દર 1,000 નાગરિકો દીઠ 333 વાહનો રસ્તા પર દોડે છે. આ આંકડો દર્શાવે છે કે શહેર અંગત વાહનો પર કેટલું નિર્ભર છે. કુલ વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 78,045 (2.2 ટકા) છે, જે વધી રહી હોવા છતાં આજે પણ પેટ્રોલ-ડીઝલ વાહનોનો દબદબો અકબંધ છે.