મુંબઇઃ મુંબઈ શહેરમાં એક મહિનાની અંદર મરાઠી ભાષામાં સાઈનબોર્ડ લગાવવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્દેશ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેપ્યુટી મેયર સંજય ઘડીએ આપ્યો છે.
તેમણે ફાઈવ સ્ટાર હોટલો અને જાણીતી હસ્તીઓની માલિકીના આઉટલેટ્સ સહિત તમામ દુકાનો અને અન્ય સંસ્થાઓને એક મહિનામાં મરાઠી ભાષામાં સ્પષ્ટ દેખાય તેવા સાઈનબોર્ડ લગાવવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો આ આદેશનું પાલન કરવામાં નહીં આવે, તો 'શિવસેના જેવી' કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડેપ્યુટી મેયર સંજય ઘડીએ આ બાબતે બુધવારે BMC ના 'દુકાન અને સંસ્થા વિભાગ' (Shop and Establishment Department) ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ઘડીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર દેવનાગરી લિપિમાં મરાઠી સાઈનબોર્ડ લગાવવા ફરજિયાત છે.
બધાએ સાઇનબોર્ડ લગાવવું અનિવાર્ય
ઘડીએ જણાવ્યું કે, "પછી ભલે તે કોઈ ફાઈવ સ્ટાર હોટલ હોય કે અન્ય કોઈ સંસ્થા, મરાઠી સાઈનબોર્ડ લગાવવા ફરજિયાત છે." આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે ચકાસવા માટે નિરીક્ષણ કરવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જે અધિકારીઓ આ નિયમો લાગૂ કરવાની કામગીરીમાં બેદરકારી દાખવશે, તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે.
આ નિર્દેશ પર BMCની વિધિ સમિતિના અધ્યક્ષ દીક્ષા કરકરે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે તેઓ એવી સંસ્થાઓને નોટિસ ફટકારે જેમને હજુ સુધી નોટિસ નથી મળી. તેમને એક મહિનાની અંદર નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
નિયમોની અવગણના પર થશે કડક કાર્યવાહી
કરકરે આગળ જણાવ્યું કે, તેમણે અધિકારીઓને એવા સ્થળોના નામ એકત્રિત કરવા સૂચના આપી છે જે નિયમોનું પાલન નથી કરી રહ્યા. આવા સ્થળો પર 15 દિવસની અંદર કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ જમા કરાવવા અને એક મહિનાની સમયમર્યાદા પૂરી થયા પછી આગળની કાર્યવાહી શરૂ કરવા આદેશ આપ્યો છે.
બીજી તરફ, આ મામલે શિવસેનાના કોર્પોરેટરે જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ સંસ્થા એક મહિનાની અંદર સ્પષ્ટ દેખાય તેવા મરાઠી સાઈનબોર્ડ લગાવવામાં નિષ્ફળ જશે, તો તેમના સંગઠનના કાર્યકરો પાર્ટી અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની સૂચના મુજબ 'શિવસેના સ્ટાઈલ'માં જવાબ આપશે.