પર્યટકો માટે પાંચ નવી બસ સેવામાં દાખલ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની ડબલ ડેકર બસ મહાનગરી મુંબઈની ઓળખ સમાન ગણાય છે. આ ડબલ ડેકર બસને ફરી એક વખત પર્યટન સાથે જોડવામાં આવવાની છે. બેસ્ટના કાફલામાં સામેલ થનારી ૧૫૦ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસોમાંથી પાંચ બસ ‘ઓપન ડેક’ પ્રકારની હશે. બેસ્ટ આ બસથી મુંબઈના રહેવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓને દક્ષિણ મુંબઈના ઐતિહાસિક અને પર્યટન સ્થળોના દર્શન કરાવવા માટે ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવે છે.
બુધવારે બેસ્ટ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આ પ્રસ્તાવ ચર્ચા માટે આવ્યો હતો. નવી ઓપન ડેક બસોનો ઉપયોગ મુંબઈ દર્શન માટે કરવાથી મુંબઈના પયર્ટનને તો વેગ મળશે જ, પરંતુ બેસ્ટની આવકમાં પણ વધારો થશે એવું બેસ્ટ સમિતિના પ્રમુખ તૃષ્ણા વિશ્ર્વાસરાવે જણાવ્યું હતું.
મુંબઈના રસ્તાઓ પર દોડતી ડબલ ડેકર બસ શહેરની ઓળખનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને મુંબઈ આવતા પર્યટકોને ‘ઓપન ડેક’ ડબલ ડેકર બસમાંથી મુંબઈ દર્શનનો અનુભવ કરવાનો ખૂબ શોખ હોય છે, જેનો ઉપરનો ભાગ ખુલ્લો હોય છે. આ બસનો ઉપયોગ દક્ષિણ મુંબઈના વિવિધ ઐતિહાસિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે થઈ શકે છે, જેમાં ગેટવે ઓફ ઈન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મરીન ડ્રાઈવ, ગિરગાંવ ચોપાટી, નરીમાન પોઈન્ટ, મંત્રાલય વિસ્તારનો સમાવેશ થાય છે.
સાંજની સફારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે
બેસ્ટ ઉપક્રમ ખાસ કરીને સાંજના પર્યટન માટે નવી ઓપન ડેક ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસનો ઉપયોગ કરવાનું આયોજન કરી રહ્યું છે. પર્યટકો મુંબઈમાં સૂર્યાસ્ત, મરીન ડ્રાઈવનો બીચ અને ખુલ્લા ડેકમાંથી હેરિટેજ ગણાતા દક્ષિણ મુંબઈના વિસ્તારોના અનુભવ કરી શકશે. તેથી મુંબઈ દર્શન માટે આ સેવા ફરીથી લોકપ્રિય થવાની શક્યતા છે. ભૂતકાળમાં ઓપન ડેક ડબલ-ડેકર બસને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળતો હતો. ખાસ કરીને શનિવાર અને રવિવારે બેસ્ટ આ બસથી લગભગ ચાર લાખ રૂપિયાની આવક મેળવતી હતી. તેથી નવી ઇલેક્ટ્રિક ઓપન ડેક બસના લોન્ચ પછી પ્રવાસન સેવામાંથી બેસ્ટ માટે આવકનો બીજો સ્રોત ઉભો થઈ શકે છે.