Tue Oct 13 2026

Logo

સાયન બ્રિજ મહિનાના અંત સુધીમાં ખુલ્લો મુકાવાની શકયતા

2026-09-04 08:23:00
Author: Sapna Desai
સાયન બ્રિજ મહિનાના અંત સુધીમાં ખુલ્લો મુકાવાની શકયતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી પ્રતિક્ષિત સાયન રેલવે ઓવરબ્રિજનું કામ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે, જે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક ધરાવે છે. મધ્ય રેલવેએ બંને ગર્ડર પર ડેક-સ્લેબ કોંક્રીટીંગ પૂર્ણ કરી લીધું છે, જ્યારે ક્રેશ બેરિયર્સ અને કૉંક્રીટ કોટનું કામ ચાલી રહ્યું છે. તે જ સમયે પાલિકાએ ધારાવીમાં એલબીએસ રોડને સંત રોહિદાસ માર્ગ સાથે જોડતા એપ્રોચ રોડનું પુનર્નિર્માણ આગળ ધપાવી રહી છે. 

સાયન બ્રિજને જોખમી જાહેર કર્યા બાદ પહેલી ઑગસ્ટ, ૨૦૨૪ના રોજ તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રારંભિક તબક્કા દરમ્યાન રાહદારીઓની અવરજવરને ફટકો ના પડે તે માટે અસુવિધા ઘટાડવા માટે તબક્કાવાર પુનર્નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું. નવો રાહદારી પુલ હવે શરૂ થઈ ગયો છે અને જૂના પુલના બાકીના ભાગનું ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે. 

એપ્રોચ-રોડ કામના ભાગ રૂપે એલ.બી.એસ. રોડ પર નવો સબવે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ખુલ્લો મુકાયો હતો, જ્યારે સંત રોહિદાસ માર્ગ પર નવેસરથી બનાવવામાં આવેલો  સબવે ૧૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ખુલ્લો મુકાયો હતો.  બંને સુવિધાઓ હવે કાર્યરત છે, એપ્રોચ-રોડનું પુનર્નિર્માણ પ્રગતિમાં છે, ત્યારે ગુરુવારે મુંબઈનાં મેયર રીતુ તાવડેએ પાલિકા અધિકારીઓને ગુણવત્તાયુક્ત ફિનિશિંગ સુનિશ્ર્ચિત કરવા અને પુલના મધ્ય ભાગ અને બંને બાજુએ લેન્ડસ્કેપિંગ, હરિયાળી અને વર્ટિકલ ગાર્ડન ઊભો  કરવા નિર્દેશ આપ્યો છે. આ પુલ બંધ થવાથી હજારો મુસાફરોને લાંબા રૂટ પર જવાની ફરજ પડી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જૅમ વધી ગયો છે. 

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા વચ્ચે  પાંચમી અને છઠ્ઠી વધારાની લાઇનને સરળ બનાવવા માટે સાયન બ્રિજનું પુનર્નિર્માણ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોેજેક્ટ (એમયુટીપી-ટૂ) હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ૧૧૨ વર્ષ જૂના પુલને તોડી પાડીને નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો  છે, જેમાં મધ્ય રેલવેની  હદમાં મુખ્ય માળખું ફરીથી બનાવશે અને પાલિકાનું બ્રિજ ડિપાર્ટમેન્ટ એપ્રોચ રોડને મજબૂત બનાવશે. રેલવે દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પુનર્વિકાસ મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્કના વિસ્તરણને ટેકો આપતા એક મહત્ત્વપૂર્ણ પૂર્વ-પશ્ર્ચિમ લિંકને પુન:સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે.