Mon Jul 13 2026

Logo

હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલાનો કેસ: શિવસેનાના નગરસેવક મ્હાત્રે, તેના ત્રણ સાથીની જુડિશિયલ કસ્ટડીમાં રવાનગી

2026-07-13 19:36:03
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાની કોર્ટે પાલિકા સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પર કથિત હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે અને તેના ત્રણ સાથીદારને સોમવારે જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.કલ્યાણમાં કોર્ટ પરિસરમાં સોમવારે લોકોની ભારે ભીડને કારણે મેજિસ્ટ્રેટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીના વકીલે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેના પર કોર્ટ પછીની તારીખે સુનાવણી કરશે. 

ડોંબિવલીમાં આવેલી પાલિકા સંચાલિત હોસ્પિટલમાં 6 જુલાઇએ રાતે ડોક્ટર્સ અને નર્સ પર હુમલો કરવાના આરોપસર મ્હાત્રે અને તેના સાથીદારોની ધરપકડ કરાઇ હતી.નવજાત શિશુને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની પરિવારજનોને સલાહ આપવામાં આવ્યા બાદ મ્હાત્રે અને તેના સાથીદારોએ બે ડોક્ટર અને અન્ય સ્ટાફ પર હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં હુમલાનો વીડિયો વાયરલ થયા બાદ આક્રોશ જોવા મળ્યો હતો. જાહેર આક્રોશ તેમ જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)ના દબાણને પગલે (જેણે તાત્કાલિક પગલાં ન લેવાય તો આ વિસ્તારમાંની ક્લિનિક અને હોસ્પિટલો બંધ કરવાની ધમકી આપી હતી) મ્હાત્રે અને અન્ય પાંચ વિરુદ્ધ મંગળવારે રાતે ગુનો દાખલ કરાયો હતો.

દરમિયાન કલ્યાણ કોર્ટના બાર એસોસિયેશનના સભ્યોએ સોમવારે સ્થાનિક પોલીસ સામે વિરોધ દર્શાવવા કાળી પટ્ટી બાંધી હતી. 10 જુલાઇએ રિમાન્ડ સંબંધિત સુનાવણી દરમિયાન પોલીસે તેમને કોર્ટરૂમમાંથી બહાર કાઢી મૂક્યા હોવાનો અને પોલીસના કામમાં અવરોધ ઊભો કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કેસ દાખલ કરવાની ધમકી આપી હોવાનો વકીલોએ આરોપ લગાવ્યો હતો. (પીટીઆઇ)