શિવ રહસ્ય - ભરત પટેલ
પોતાની કુટીર બહાર કોઈ શક્તિ ઉપસ્થિત હોવાની અનુભૂતિ થતાં જ ઋષિ મૃકુંદુ અને સુતપા બહાર આવતાં જ સર્વેશ્ર્વર ભોળેનાથ, માતા પાર્વતીના સાક્ષાત દર્શન થાય છે. એજ સમયે માતા લક્ષ્મી, બ્રહ્માજી અને દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. ઋષિ મૃકુંદુ અને સુતપા સમસ્ત દેવગણનું સ્વાગત કરી આશિર્વાદ લે છે. ભગવાન શિવ કહે છે, ‘સુતપા તમે અને ઋષિ મૃકુંદુ ખરેખર પુણ્યશાળી છો, જેથી આપને માર્કંડેય જેવો પુત્ર પ્રાપ્ત થયો છે.’ પ્રસન્ન ઋષિ મૃકુંદુ કહે છે, ‘હે સર્વેશ્ર્વર, અમને માફ કરો, અલ્પઆયુ પુત્રની આયુ બાબતે ભયભીત રહી અમે પૂર્ણપણે તમને સમર્પિત ન થઈ શક્યા, એ બદલ માફી ચાહીએ છીએ. એકવાર કોઈ નિષ્ઠાપૂર્વક તમારાં શ્રીચરણોમાં સમર્પિત થઈ જાય છે તેણે પોતાની સમસ્ત ચિંતા તમારા પર છોડી દેવી જોઈએ અને તમારી ભક્તિમાં લીન થઈ જવું જોઇએ, પરંતુ અમે પુત્રની અલ્પઆયુની ચિંતામાં એવું ન કરી શક્યા.’ ભગવાન શિવ કહે છે, ‘પુત્રની ચિંતા કરવી એ મા-બાપનો સ્વાભાવિક કર્તવ્ય છે, અમારું અહીં ઉપસ્થિત થવાનું કારણ એ નથી કે તમારી ચિંતા દૂર કરવી, અમે તો અહીં માર્કંડેયની અવિરત ભક્તિથી પ્રસન્ન થઈ તેને અમરતાનું વરદાન આપવા આવ્યા છીએ. પુત્ર માર્કંડેય તમે અમારી વિશેષ સ્નેહના પાત્ર છો.’ એજ સમયે માર્કંડેય કહે છે કે, ‘દુષ્ટ દૈત્ય-દાનવોનો અંત કરનારી અને માતા આપની શક્તિઓનું પ્રદર્શન કરનારી વાર્તા મને બહુ પ્રિય છે, મારી માતા અને પિતાએ આપની ઘણી વાર્તા મને સંભળાવી છે. આપ સૌના આશીર્વાદ હોય તો લોકકલ્યાણઅર્થે હું માતા પાર્વતીની શક્તિ, દયા-માયા અને પરાક્રમને સાંકળી લેતો એક ગ્રંથ લખવા ઇચ્છુક છું.’ આટલું સાંભળતાં જ ભગવાન શિવ કહે છે, ‘તમારા દ્વારા રચિત ગ્રંથ માર્કંડેય પુ2ાણ તરીકે જગવિખ્યાત થશે. આવનારાં અનેક યુગો સુધી દેવી પાર્વતીના ભક્તો માટે આ ગ્રંથ ભક્તિ અને પ્રેરણાનું મુખ્ય સ્રોત બનશે.’ જગતજનની પ્રસન્ન માતા પાર્વતી કહે છે. ‘પુત્ર માર્કંડેય તમારા દ્વારા રચિત આ માર્કંડેય પુરાણના વાંચન, મનન અને પઠન કરનાર મારી વિશેષ કૃપાનો અધિકારી બનશે અને મારો પરમભક્ત કહેવાશે.’ છેવટે માતા સરસ્વતી અને બ્રહ્માજીએ પણ માર્કંડેયને આશિર્વાદ આપી કહ્યું કે, માર્કંડેય પુરાણનું પઠન, ચિંતન અને મનન કરનારા મનુષ્યનો પરિવાર અમારી વિશેષ કૃપાને પાત્ર બનશે અને પરમ જ્ઞાની બનશે.’ ભગવાન શિવ, માતા પાર્વતી, બ્રહ્માજી, માતા સરસ્વતી અને દેવર્ષિ નારદ માર્કંડેયને આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લે છે. થોડા જ સમયમાં માર્કંડેય દ્વારા માર્કંડેય પુરાણની રચના કરવામાં આવી અને આજે એ દુર્ગા સપ્તશતી તરીકે પણ પ્રખ્યાત છે. જે માનવ શ્રદ્ધા અને ભાવથી માર્કંડેય પુરાણ ઉર્ફે દુર્ગા સપ્તશતીનું પઠન, મનન કે વાંચન કરે છે તે સમગ્ર જીવન દરમિયાન માતા પાર્વતીની કૃપાથી ઉત્તમ માનવ તરીકે જીવન વિતાવે છે અને કાલમાં વિલય થયા બાદ શિવકૃપા પ્રાપ્ત કરી શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મેળવે છે.
*
કૈલાસ ખાતે પરત ફરતાં જ ભગવાન શિવ પોતાની તપસ્યામાં લીન થઈ જાય છે અને માતા પાર્વતી કૈલાસની વ્યવસ્થાપનમાં કાર્યરત થઈ જાય છે. વ્યવસ્થાપનના કાર્ય દરમિયાન તેમને બે શિવગણ વચ્ચેનો વાર્તાલાપ સંભળાય છે. એક શિવગણ બીજા શિવગણને કહેતો હોય છે કે ‘મને બ્રહ્મ જ્ઞાન લાદ્યો નથી, કે તારી બધી વાત કહ્યા વગર હું સમજી જાઉં.’ એ જ સમયે માતા પાર્વતીના મનમાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે બ્રહ્મ જ્ઞાન મેળવવું કેમ સુલભ નથી?’ માતા પાર્વતી મનમાં નિશ્ર્ચય કરી લે છે કે ભગવાન શિવની તપસ્યા પૂર્ણ થતાં જ હું તેમની સાથે બ્રહ્મ જ્ઞાન બાબતે ચર્ચા કરીશ.
સમય વિતવા લાગ્યો, ઘણા દિવસ થયા પણ ભગવાન શિવ તપસ્યામાંથી બહાર ન આવ્યા. માતા પાર્વતીનું મન બેચેન રહેવા માંડયું. માતા પાર્વતીની મનોવ્યથા ભગવાન શિવને ખબર પડતાં જ તેઓએ આંખ ખોલી. ભગવાન શિવની આંખ ખૂલેલી જોઈ નંદી સહિત શિવગણો ભગવાન શિવનો જયજયકાર કરવા માંડયા. ભગવાન શિવ માતા પાર્વતીના બેચેન મનને શાંત પાડવા ગગન વિહાર માટે કહે છે.
ભગવાન શિવ: ‘દેવી ગગન વિહાર દરમિયાન તમે આટલાં ગંભીર કેમ છો?’
માતા પાર્વતી: ‘હું પરમ જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન વિશે વિચારી રહી હતી કે, જ્ઞાન પર તો દરેક પરિશ્રમીનો અધિકાર હોય છે, તો આ બ્રહ્મ જ્ઞાન આટલું દુર્લભ કેમ છે.’
ભગવાન શિવ: ‘બ્રહ્મ જ્ઞાન દુર્લભ એ માટે છે કે એ જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. બ્રહ્મ જ્ઞાની માટે અન્ય કોઈ જ્ઞાનની જરૂરત રહેતી નથી તે પૂર્ણતાને મેળવે છે. તેનો આત્માતત્ત્વ મારામાં વિલીન થઇ જાય છે એને પોતાના હૃદયમાં પરમાત્મા બેસેલો દેખાય છે, જેમ તમે નિદ્રાધીન થતાં પહેલા તમે તમારા ઘરેણાં ઉતારી મૂકો છો તેમ બ્રહ્મ જ્ઞાની પોતાના આત્માને છોડીને પણ જીવિત રહી શકે છે.’
માતા પાર્વતી: ‘શું આ બ્રહ્મ જ્ઞાન અમરતાનું પ્રતીક છે.’
ભગવાન શિવ: ‘અવશ્ય દેવી, બ્રહ્મ જ્ઞાન અમરત્વનું જ પ્રતીક છે.’
માતા પાર્વતી: ‘તમારી ભાષા મને સમજાઈ નથી, શું તમે મને સ્પષ્ટ ભાષામાં સમજાવી શકશો?’
ભગવાન શિવ: ‘અવશ્ય, બ્રહ્મ જ્ઞાન જ અમરત્વનું પ્રતિક છે. જે દૃશ્યમાન છે તે પરમાત્મા છે. દરેકના શરીરમાં જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. આત્માનો સાક્ષાત્કાર એ જ પરમાત્માનું મિલન છે. આ મિલન બાદ કોઈ ઇચ્છા શેષ રહેતી નથી. જીવાત્મા આ મિલન બાદ પરમાત્માને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ જ્ઞાનનો આજ સંદેશ છે.
માતા પાર્વતી: ‘એક સાધારણ માનવી પોતાના આત્માનો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકે?’
ભગવાન શિવ: ‘ઉપાસના દ્વારા. ઉપ એટલે પોતે અને આસના એટલે બેસવું, પોતાના આત્મા પાસે બેસવું, પોતાને ઓળખવું. પોતાને ઓળખનાર મનુષ્યને જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને તે પૂર્ણ જ્ઞાની બને છે.’
માતા પાર્વતી: ‘જે મનુષ્ય તમારી આરાધનામાં અથવા મંત્ર જાપમાં લીન રહે છે તેમને શું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય?’
ભગવાન શિવ: ‘બ્રહ્મજ્ઞાન મેળવવા પોતાના આત્માને ઓળખવો પડશે, પોતાના આત્મા દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલી સદ્ગુણોનો વિકાસ કરવો પડશે, પોતાના સ્વાર્થનો ત્યાગ કરી લોકકલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું પડશે.
માતા પાર્વતી: ‘મન અને આત્માના દ્વંદ્વ વચ્ચે આત્મા દ્વારા દર્શાવેલ માર્ગ પર જ ચાલવું અવશ્ય છે?’
ભગવાન શિવ: ‘મન ચંચળ છે. ઇન્દ્રીયોના વશીભૂત થઈ પાપ કર્મ કરાવે છે. પરમાત્માનો અંશ એવા આત્માના વિચાર હંમેશાં માનવીને સદ્માર્ગે ચલાવી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે.’
માતા પાર્વતી: ‘સ્વામી તમારી સાથે ગગન વિહારમાં આટલો સમય ક્યારે નીકળી ગયો એ ખબર જ નહીં પડી.’
ભગવાન શિવ: ‘પૂર્વ દિશાથી થનારો સૂર્યોદય આપના બ્રહ્મ જ્ઞાનનો દ્વાર ખોલવા જઈ રહ્યો છે દેવી.’
માતા પાર્વતી: ‘પ્રભુ શું આજે જ મને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થશે.’
ભગવાન શિવ: ‘હા, દેવી ચાલો.’
(ક્રમશ:)