કરાંચી : મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત ચાલી રહેલા યુદ્ધ અંગે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણી તેમને ભારે પડી રહી છે. જેમાં અસીમ મુનીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના જે શિયાઓ ઈરાન પ્રત્યે ઉંડી લાગણી ધરાવે છે તેમણે ઈરાન જતા રહેવું જોઈએ. તેની બાદ પાકિસ્તાનન શિયા મુસલમાનો અસીમ મુનીર વિરુદ્ધ એકજૂથ થઈ રહ્યા છે. તેમજ કહ્યું છે કે જોઈએ છે તમે અમને ઈરાન મોકલો છો, કે અમે તમને.
તમે ઇઝરાયલમાં જઈને મરો
આ ઉપરાંત શિયા સમુદાયે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની સેના અમેરિકા અને ઇઝરાયલના નોકર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ આ નિવેદન દેશ પ્રત્યે અમારી વફાદારી પર પણ શંકા ઉભી કરે છે. આ ઉપરાંત એક શિયા મૌલવીએ અસીમ મુનીર પર પ્રહારો કર્યા હતા. તેમજ કહ્યું હતું કે મુનીર કહે છે કે જો તમે ઈરાનને પ્રેમ કરો છો, તો ત્યાં જાઓ. તો અમે કહીએ છીએ કે તમે ઇઝરાયલ સાથે મિત્રતા ધરાવો છો તેથી તમે ઇઝરાયલમાં જઈને મરો. તમે મુસ્લિમ ભૂમિ પર મોતને લાયક નથી.
રાવલપિંડીમાં એક ઇફ્તાર કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે રાવલપિંડીમાં એક ઇફ્તાર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલી આ ટિપ્પણીને શિયા ધાર્મિક નેતાઓએ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ગણાવી છે. શિયા મૌલવીઓએ પાકિસ્તાની સૈન્ય પર અમેરિકા અને ઇઝરાયલના ઇશારે પાકિસ્તાનના હિતોની વિરુદ્ધ કાર્ય કરવાનો અને સરકારોને ઉથલાવાનો આરોપ લગાવ્યો છે.
જયારે પાકિસ્તાનની શિયા ઉલેમા કાઉન્સિલના કેન્દ્રીય ઉપપ્રમુખ અલ્લામા સૈયદ સિબ્તૈન હૈદર સબઝવારીએ મુનીરને કહ્યું, જો તમને તમારા આકા - ઇઝરાયલ અને અમેરિકા પ્રત્યે આટલો જ પ્રેમ છે તો પાકિસ્તાન છોડી દો."
વિરોધ પ્રદર્શનોને પગલે શિયા સમુદાયને મુનીરે ચેતવણી આપી હતી
ઇરાન પર યુએસ-ઇઝરાયલી હુમલા અને આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ સામે સમુદાય દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોને પગલે શિયા સમુદાયને મુનીરે ચેતવણી આપી હતી. આ મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ - ખાસ કરીને કરાચી, સ્કાર્દુ અને ઇસ્લામાબાદમાં ખામેનીના મૃત્યુનો વિરોધ કરી રહેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરી હતી. આ ઘટનાઓ દરમિયાન ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા હતા.
શિયા સમુદાય માટે આયતુલ્લાહ સ્થાન સર્વોચ્ચ ધાર્મિક માર્ગદર્શકનું
ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય આયતુલ્લાહના સ્થાનને તેમના સર્વોચ્ચ ધાર્મિક માર્ગદર્શક (મરજા-એ-તકલીદ) માને છે. જેમના ફતવા અને માર્ગદર્શન તેમના દૈનિક ધાર્મિક, સામાજિક અને રાજકીય આચરણને આકાર આપે છે. અસિમ મુનીરની ચેતવણીથી શિયા ધાર્મિક નેતાઓમાં આક્રોશ છે. તેઓ દાવો કરે છે કે પાકિસ્તાની શિયાઓ દેશના ઇતિહાસ અને રાજકારણ સાથે ઊંડે સુધી જોડાયેલા છે. તેમને ફક્ત બહારના લોકો અથવા એવી વ્યક્તિઓ તરીકે દર્શાવી શકાય નહીં જેમની વફાદારી બીજે ક્યાંક રહેલી છે.