મુંબઈ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બંને જૂથો ફરી એક થવાની અને બંને પક્ષો વચ્ચે ગઠબંધનની ચાલી રહેલી અટકળો વચ્ચે એનસીપી (એસપી)ના વડા શરદ પવારે મોટું નિવેદન આપ્યું હતું. શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બંને જૂથોના વિલીનીકરણનો કોઈ સવાલ જ નથી. તેમના આ નિવેદનથી શરદ પવાર અને અજિત પવારના નેતૃત્વ હેઠળના બંને જૂથો ફરી એક થવાની સંભાવનાઓ પર હાલ પૂરતું પૂર્ણવિરામ લાગી ગયું છે.
એનસીપીમાં વિભાજન બાદ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારના જૂથો અલગ રાજકીય માર્ગે આગળ વધી રહ્યા છે. અજિત પવારના અવસાન બાદ હવે તેમની પત્ની સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળ એનસીપી આગળ વધી રહી છે. બંને જૂથો ફરી સાથે આવશે તેવી ચર્ચાઓ વચ્ચે શરદ પવારને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “એકસાથે આવવાનો કોઈ સવાલ જ નથી.” શરદ પવારના આ નિવેદનને મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ અગાઉ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે પણ શરદ પવાર એનડીએમાં સામેલ થવાની અટકળોને ફગાવી હતી. રાઉતે વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે કે શરદ પવાર ક્યારેય ભાજપ જેવી ‘જાતિવાદી અને રાષ્ટ્રવિરોધી પાર્ટી’ સાથે નહીં જોડાય. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવારની વિચારધારા એકબીજાથી ઘણી અલગ છે અને પવાર સાહેબમાં જે વિચારધારાને માને છે તેમાં પીએમ મોદી ક્યાંય બંધબેસતા નથી.
એનસીપી (એસપી)ના વડા શરદ પવારની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુળેએ પણ થોડા દિવસ પહેલાં જ એનસીપી (એસપી)ની એનડીએ અથવા કોંગ્રેસ સાથે જોડાવા અંગેની અટકળોને ફગાવી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીને એનડીએમાં જોડાવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી અને પાર્ટીનો એનડીએમાં જોડાવાનો કોઈ ઈરાદો પણ નથી. સુપ્રિયા સુળેએ સ્પષ્ટ કર્યું હતું કે બંને ગઠબંધન સાથે જોડાયેલી ચર્ચાઓ માત્ર ટીવી ચેનલ અને અખબારો સુધી મર્યાદિત છે અને તેમાં કોઈ જ સત્યતા નથી.
દરમિયાન, મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઇઆર પાછી ખેંચવામાં આવશે કે નહીં તે અંગે પણ શરદ પવારને સવાલ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ મુદ્દે તેમની જે પણ ચર્ચા થઈ છે, તેમાંથી કોઈને કોઈ ઉકેલ ચોક્કસપણે બહાર આવશે.
શરદ પવારના આ નિવેદનથી વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામેની પોલીસ કાર્યવાહી અનેએફઆઇઆરના મુદ્દે આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.