જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવ હાલમાં મીન રાશિમાં બિરાજમાન છે અને આજે એટલે કે 21મી માર્ચના રોજ શનિદેવ પોતાના જ નક્ષત્ર 'ઉત્તરાભાદ્રપદ'ના ત્રીજા ચરણમાં પ્રવેશ કરી રહ્યા છે અને 17મી એપ્રિલ સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શનિ દેવ જ્યારે પોતાના જ નક્ષત્રમાં હોય ત્યારે તેનો પ્રભાવ અત્યંત શક્તિશાળી અને નિર્ણાયક બની જાય છે.
જોકે, હાલમાં શનિ અસ્ત અવસ્થામાં હોવાથી આ પરિવર્તનની અસર મિશ્ર અને રહસ્યમયી રહેશે. શનિ દેવના આ નક્ષત્ર પરિવર્તનની મેષથી મીન રાશિના જાતકો પર અસર જોવા મળશે. શનિ દેવના નક્ષત્ર ગોચરને કારણે કોના નસીબ ખુલશે અને કોણે રહેવું પડશે સાવધ એની વાત કરીએય
મેષઃ
મેષ રાશિના જાતકો માટે શનિદેવનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. જો લાંબા સમયથી શારીરિક તકલીફો કે બિનજરૂરી ખર્ચથી પરેશાન મેષ રાશિના જાતકો માટે હવે રાહતના સમાચાર છે. જૂના દેવા ચૂકવવામાં સફળતા મળશે અને અટકેલા કાર્યો ગતિ પકડશે. આ સમયે મેષ રાશિના જાતકોને પોતાની મહેનતનું મીઠું ફળ મળતાં મન પ્રસન્ન રહેશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં આવતી તમામ અડચણો હવે દૂર થતી જણાશે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના મજબૂત યોગ છે. ધંધામાં આર્થિક લાભ થશે અને પરિવારમાં ખુશીઓનું આગમન થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી આ સમયે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.
ધનઃ
ન્યાયના દેવતા શનિનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના જાતકો માટે માનસિક તણાવ ઓછો થશે અને આત્મવિશ્વાસ વૃદ્ધિ કરશે. આ સમયે પ્રોપર્ટી કે શેરબજારમાં કરેલું રોકાણ તમને પૂરેપૂરો ફાયદો કરાવી શકે છે. જો તમે મનગમતી જગ્યાએ બદલી ઈચ્છતા હોવ, તો આ સમયમાં ઈચ્છા પૂરી થઈ શકે છે.
આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધઃ
હાલમાં મીન, કુંભ અને મકર રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે, જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ છે. પરિણામે આ રાશિના જાતકોએ 17મી એપ્રિલ સુધી કોઈપણ પ્રકારના વાદ-વિવાદ કે કોર્ટ-કચેરીના મામલાથી દૂર રહેવું જોઈએ. શનિદેવ દંડ આપવા માટે નહીં, પણ આપણને શિસ્તબદ્ધ બનાવી આગળ વધવાની તક આપવા આવે છે, તેથી આ સમય આત્મચિંતન માટે શ્રેષ્ઠ છે.
શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો
જો તમારી રાશિ પર શનિનો પ્રતિકૂળ પ્રભાવ હોય, તો અહીં જણાવવામાં આવેલા ઉપાયો કરવાથી રાહત મળી શકે છે.
મંત્ર જાપ: નિયમિતપણે "ॐ शं शनैश्चराय नमः" મંત્રની માળા કરવી.
દીપદાન: દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.
દાનનું મહત્વ: ગરીબોને કાળા તલ, કાળી છત્રી, અડદની દાળ કે લોખંડની વસ્તુઓનું દાન કરવું.