Sat May 09 2026

Logo

પશ્ચિમ એશિયામાં તણાવથી સતત બીજા સત્રમાં સેન્સેક્સમાં 516 પૉઈન્ટની પીછેહઠ

2026-05-08 20:40:44
Author: Ramesh Gohil
Article Image

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 4110.60 કરોડની ચોખ્ખી વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 6748.13 કરોડની લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં ફરી ભૂરાજકીય તણાવની સ્થિતિ સર્જાતા ક્રૂડતેલના પુરવઠાની ચિંતા સપાટી પર આવતા આજે સતત બીજા સત્રમાં રોકાણકારોનું લોકમાનસ ખરડાયેલું રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 516.33 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 150.50 પૉઈન્ટનો ઘટાડો આગળ ધપ્યો હતો. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 340.89 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી બજાર વધુ દબાણ હેઠળ આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 15,083.49 કરોડની ખરીદી સામે રૂ. 19,194.09 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4110.60 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 21,296.87 કરોડની ખરીદી સામે રૂ. 14,548.74 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 6748.13 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

એક્સ્ચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 77,844.52ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 77,631.94ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 77,146.43 અને ઉપરમાં 77,647.44ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 516.33 પૉઈન્ટ અથવા તો 0.66 ટકાના ઘટાડા સાથે 77,328.19ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે આજે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 24,326.65ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 24,233.65ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 24,126.65 અને ઉપરમાં 24,253.80ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 150.50 પૉઈન્ટ અથવા તો 0.62 ટકા ઘટીને 24,176.15ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 414.69 પૉઈન્ટનો અને 178.60 પૉઈન્ટનો સુધારો નોંધાયો છે. 

વૈશ્વિક સ્તરે નવેસરથી ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા આજે બજાર દબાણ હેઠળ રહી હતી. ખાસ કરીને અમેરિકા અને ઈરાને એકબીજા પર હુમલા કર્યાના અહેવાલે ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 100 ડૉલરની સપાટીની ઉપર જતાં બન્ને દેશો વચ્ચેનાં શાંતિકરારનો આશાવાદ નબળો પડતાં બજાર પર દબાણ વધ્યું હોવાનુ રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાથી ગબડતી બજારને ઢાળ મળ્યો હતો અને સ્ટોક આધારિત વધઘટ જોવા મળી હતી. 

તે જ પ્રમાણે જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પર અમેરિકા અને ઈઝરાયલે સામસામા હુમલાઓ કર્યાના અહેવાલ સાથે બે્રન્ટ ક્રૂડતેલના ભાવે પુનઃ બેરલદીઠ 100 ડૉલરની સપાટી અંકે કરતાં શાંતિમંત્રણાનો આશાવાદ મંદ પડ્યો હોવાથી તેમ જ અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ ઘટી આવતાં લોકમાનસ વધુ ખરડાયું હતું અને તેને કારણે રૂપિયો પણ દબાણ હેઠળ આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આજે ડૉલર સામે રૂપિયાએ એક તબક્કે 46 પૈસા તૂટીને નીચામાં 94.68ની સપાટી દાખવી હતી, પરંતુ સંભવિતપણે રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપે સત્રના અંતે 71 પૈસાના સુધારા સાથે 93.51ના મથાળે બંધ રહ્યો હતો. 

દરમિયાન આજે બીએસઈ ખાતે  કુલ 4406 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાં 2068 શૅરના ભાવ વધીને 2148 શૅરના ભાવ ઘટીને અને 190 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 219 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 23 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે રહ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 12 શૅરના ભાવ વધીને અને 16 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને પાવરગ્રીડ કોર્પોરેશનના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.

આજે મુખ્ય વધનાર શૅરોમાં ટાઈટનમાં 4.76 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 2.80 ટકાનો, અદાણી પોર્ટસમાં 1.58 ટકાનો, ઈન્ફોસિસમાં 1.44 ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજિસમાં 1.28 ટકાનો અને ટૅક મહિન્દ્રામાં 1.03 ટકાનો સુધારો નોંધાયો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 6.62 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 1.84 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 1.80 ટકાનો, એક્સિસ બૅન્કમાં 1.78 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.55 ટકાનો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.45 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.34 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મિડકેપ ઈન્ડેક્સ 0.01 ઘટ્યો હતો. તેમ જ આજે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પણ મિશ્રિ વલણ જોવા મળ્યું હતું. જેમાં મુખ્યત્વે બીએસઈના બૅન્કિંગ અને ફાઈનાન્સિયલ ઈન્ડાઈસીસ અને નિફ્ટી બૅન્ક, ફાઈનાન્સિયલ અને પીએસયુ બૅન્કિંગ ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત રિઅલ્ટી, અને ઑઈલ તથા ગૅસ ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. જોકે, તેની સામે આજે આઈટી અને એફએમસીજી ઈન્ડેક્સમાં ધીમો સુધારો આવ્યો હોવાથી અને હૅલ્થકૅર, ડિફેન્સ, ક્નઝ્યુમર ડ્યુરેબલ અને મિડકેપ સેગ્મેન્ટમાં છૂટીછવાઈ લેવાલી રહેતા બજારને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું લેમન માર્કેટ ડેસ્કનાં ગૌરવ ગર્ગે જણાવ્યું હતું. 

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો બૅન્ચમાર્ક કોસ્પી સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી-225, શાંધાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅન્ગસૅન્ગ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું. વધુમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.25 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 99.81 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.