ન્યૂ યૉર્કઃ 23મા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં કેટલીક વિચિત્ર ઘટના બની ચૂકી છે જેમાંના એક બનાવની વિગત એક ટીમની આ વખતની ટૂર્નામેન્ટમાંથી બાદબાકી થઈ ત્યાર પછી બહાર આવી છે. આ ઘટના આફ્રિકાના સેનેગલ (Senegal) દેશની ફૂટબૉલ ટીમને લગતી છે.
પુરુષ ખેલાડીઓ સાથે તેમની ઈજા અને તેમની બીમારી વિશેના જાણકાર ડૉક્ટર જ વર્લ્ડ કપમાં તેમની સાથે આવે એવું સામાન્ય રીતે બનતું હોય છે. જોકે સેનેગલની જે ટીમ વિશ્વ કપમાં રમવા આવી હતી એ ટીમ સાથે ગાયનેકૉલોજિસ્ટ (Gynaecologist) આવ્યા હતા. મહિલાઓના રોગોના નિષ્ણાત જો પુરુષ ખેલાડીઓની સાથે આવે એ વાત 100 ટકા નવાઈ પમાડનારી હોય, પણ એ વાત સેનેગલની ટીમ વર્લ્ડ કપની બહાર થઈ ગઈ ત્યાર પછી બહાર આવતાં આ વિવાદ જોઈએ એવો ચગશે નહીં એવું લાગે છે.
સેનેગલનો સમાવેશ ગ્રૂપ-આઇમાં હતો. ફ્રાન્સ, નોર્વે અને ઇરાક એ ગ્રૂપની અન્ય ત્રણ ટીમ હતી. પ્રથમ લીગ મૅચમાં કીલિયાન ઍમ્બપ્પેના ફ્રાન્સ સામે સેનેગલનો 1-3થી પરાજય થયો હતો. જોકે અર્લિંગ હાલૅન્ડ જેવો સુપરસ્ટાર ખેલાડી ધરાવતી નોર્વેની ટીમને સેનેગલે જોરદાર લડત આપી હતી અને છેવટે 2-3થી એની સામે પરાજય સ્વીકાર્યો હતો. છેલ્લી લીગમાં સેનેગલે ઇરાકને 5-0થી કચડી નાખ્યું હતું. નૉકઆઉટમાં સેનેગલે બેલ્જિયમને પણ જોરદાર લડત આપી હતી અને સેનેગલે છેવટે 2-3થી હાર સ્વીકારી હતી.
નૉકઆઉટમાં સ્પર્ધાની બહાર થનાર સેનેગલના ફૂટબૉલ ફેડરેશનના ખુદ ચીફ અબ્દોલાયે ફૉલે પત્રકારો સમક્ષ સ્વ કબૂલાતમાં કહ્યું કે `અમારી નૅશનલ ટીમ સાથે અબ્દોરાહમાને આલ્ફ્રેડ ફેડિયર નામના જે ડૉક્ટર વર્લ્ડ કપમાં આવ્યા હતા તેઓ ગાયનેકૉલોજિસ્ટ છે. તેઓ 10 વર્ષથી અમારી ટીમ સાથે સંકળાયેલા છે. ખરું કહું તો અમારા ઍથ્લીટોની સારવાર કરવા બાબતમાં અમારા ડૉક્ટર પાસે શૈક્ષણિક વિશેષતા છે નહીં. ડૉ. ફેડિયર તો ગાયનેકૉલોજિસ્ટ છે જેની મને પણ મોડી જાણ થઈ હતી. ખુદ ખેલાડીઓને ડૉ. ફેડિયર પર પૂરો ભરોસો નહોતો.'
સેનેગલની ટીમમાં વિવાદ હજી શમ્યો નથી, કારણકે બેલ્જિયમ સામેના 2-3ના પરાજયને પગલે ટીમના બે સ્ટાર ખેલાડીઓ સાદિયો માને અને પેપ ગ્વેયેએ નિવૃત્તિ જાહેર કરી છે.