Fri Sep 04 2026

Logo

હેં, WhatsApp પર બોસનો મેસેજ આવે તો ચેતજો, કોર્પોરેટ જગતમાં 'બોસ સ્કેમ'થી ફફડાટ!

2026-07-20 20:42:42
Author: Devayat Khatana
હેં, WhatsApp પર બોસનો મેસેજ આવે તો ચેતજો, કોર્પોરેટ જગતમાં 'બોસ સ્કેમ'થી ફફડાટ!

નવી દિલ્હી: સાયબર ગઠિયાઓ સામાન્ય લોકોને શિકાર બનાવવા માટે અવારનવાર નવા પેતરાં અજમાવતા હોય છે, પરંતુ હવે કોર્પોરેટ જગતના કર્મચારીઓને નિશાન બનાવતું એક અત્યંત ખતરનાક કૌભાંડ સામે આવ્યું છે. દેશના માર્કેટ રેગ્યુલેટર SEBI દ્વારા કંપનીઓ અને તેમના કર્મચારીઓ માટે એક ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સેબીએ 'બોસ સ્કેમ' નામના આ નવા સાયબર ફ્રોડથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. આ સ્કેમ હેઠળ ગુનેગારો કંપનીના CEO, મેનેજિંગ ડિરેક્ટર કે ઉચ્ચ અધિકારીઓના નામે કર્મચારીઓને મેસેજ મોકલીને નાણાં પડાવી રહ્યા છે.

આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી વિશે વિગત આપતાં સેબીએ જણાવ્યું છે કે, સાયબર ગુનેગારો કંપનીના મોટા અધિકારીઓની નકલી ઓળખ ઊભી કરીને વોટ્સએપ, ઈમેલ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અથવા સોશિયલ મીડિયા દ્વારા કર્મચારીઓનો કોન્ટેક્ટ કરે છે. આ મેસેજમાં ખૂબ જ ઈમરજન્સી બતાવીને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવે છે. આજના સમયમાં આ ઠગાઈને વધુ સચોટ બનાવવા માટે AIનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ગુનેગારો ડીપફેક વીડિયો અને વોઈસ ક્લોનિંગની મદદથી નકલી વીડિયો કોલ કે ઓડિયો મેસેજ મોકલે છે, જેથી કર્મચારીને લાગે છે કે ખરેખર તેમના બોસ જ વાત કરી રહ્યા છે અને તેઓ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દે છે.

સેબીના રિપોર્ટ અનુસાર, આ ઠગ માત્ર પૈસાની માંગણી પૂરતા સીમિત નથી રહેતા. ઘણી વખત તેઓ મેસેજ સાથે ZIP ફાઈલ કે અન્ય શંકાસ્પદ અટેચમેન્ટ મોકલે છે. જો કર્મચારી ભૂલથી પણ આ ફાઈલ ખોલી દે, તો તેના કમ્પ્યુટર કે મોબાઈલમાં માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. આ માલવેરની મદદથી હેકર્સ કર્મચારીના વોટ્સએપ વેબનો એક્સેસ મેળવી લે છે. ત્યારબાદ તે જ કર્મચારીના અસલી એકાઉન્ટમાંથી કંપનીના અન્ય લોકોને પૈસા મોકલવાના મેસેજ મોકલવામાં આવે છે. સામેવાળી વ્યક્તિને લાગે છે કે મેસેજ કોઈ ભરોસાપાત્ર સાથી કર્મચારીએ જ મોકલ્યો છે, જેના કારણે આ છેતરપિંડીની જાળ ગૂંથાઈને વધુ વ્યાપક બને છે. 

આવા હાઈટેક સાયબર ફ્રોડથી બચવા માટે SEBIએ કડક સૂચના આપી છે કે કોઈપણ મોટા પેમેન્ટનો નિર્ણય માત્ર વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવેલા મેસેજના આધારે ન લેવો જોઈએ. જો કોઈ સિનિયર અધિકારી અચાનક નાણાકીય લેવડદેવડ માટે કહે, તો ઓફિશિયલ ચેનલ અથવા સીધા ફોન કોલ દ્વારા તેની ખરાઈ કરવી. કંપનીઓને પણ તેમના સ્ટાફમાં આ અંગે જાગૃતિ લાવવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાયે તુરંત સાયબર સેક્યુરિટી ટીમને જાણ કરવા કહેવાયું છે.