Sun Jun 07 2026

Logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મદુરાઈમાં 'યુવા ભારતી અભ્યાસક્રમ' સંપન્નઃ શાળા સ્તરે સોરાષ્ટ્રી ભાષા શીખવવા ૨૨ શિક્ષકોની પ્રથમ બેચ સજ્જ

2026-06-07 19:25:37
Author: Mumbai Samachar Team
Article Image

મદુરાઈઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ‘સૌરાષ્ટ્ર હેરિટેજ ચેર’ અને ‘સૌરાષ્ટ્ર સાહિત્ય સદસ’ના સંયુક્ત ઉપક્રમે મદુરાઈના મે-ફ્લાવર હોલ ખાતે એક ભવ્ય પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP ૨૦૨૦) અંતર્ગત સોરાષ્ટ્રી ભાષાને માતૃભાષા તરીકે શાળાના અભ્યાસક્રમમાં સ્થાન અપાવવાના ઐતિહાસિક પ્રયાસના ભાગરૂપે આ આયોજન કરાયું હતું. જેમાં "યુવા ભારતી સર્ટિફિકેટ કોર્સ" (YBC રિવાઈઝડ) સફળતાપૂર્વક પૂર્ણ કરનારા શાળા-કોલેજના ૨૨ શિક્ષકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.


  
​સૌરાષ્ટ્ર સાહિત્ય સદસના પ્રમુખ આર. આર. સત્યમુર્થીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મદુરાઈ દક્ષિણના ધારાસભ્ય એમ. એમ. ગોપીનાથન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ સોરાષ્ટ્રી ભાષા પ્રત્યે ગૌરવ વ્યક્ત કરતા આગામી સત્રથી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણના વિકલ્પ તરીકે સોરાષ્ટ્રી ભાષા મળે તે માટે રાજ્ય સ્તરે પૂરતા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.  

​સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ઉત્પલ જોશીએ ઓનલાઈન સંબોધન કરતા જણાવ્યું કે, ૧૦૦૦ વર્ષ પૂર્વે ગુજરાતથી સ્થળાંતર થયેલા લોકોની આ ભાષા આપણી સાંસ્કૃતિક ધરોહર છે. NEP ૨૦૨૦ની ત્રિભાષા નીતિને કારણે લુપ્ત થતી જતી આ ભાષાને બચાવવાની સુવર્ણ તક મળી છે, જેને ધ્યાને રાખી યુનિવર્સિટીએ આ કોર્સને વિના વિલંબે મંજૂરી આપી હતી. રાજકોટથી ખાસ ઉપસ્થિત હેરિટેજ ચેરના સંયોજક પ્રો. રવિસિંહ ઝાલાએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.  

​કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર A++ ગ્રેડ મેળવનાર ૬ શિક્ષકોને રૂ. ૩,૦૦૦/- અને અન્ય શિક્ષકોને રૂ. ૨,૦૦૦/- ના રોકડ પુરસ્કાર આપી સ્થાનિક સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. તમિલનાડુની ૧૫ શાળાઓમાં આ તાલીમબદ્ધ શિક્ષકો સેવા આપશે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ સૌરાષ્ટ્ર ભાષાને વૈકલ્પિક ‘ભાગ-IV માતૃભાષા’ તરીકે ઓફર કરવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે. ​કાર્યક્રમની શરૂઆતમાં પ્રો. એલ. આર. ગોવર્ધનને સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતમાં શિવપ્રસાદે આભાર વિધિ સંપન્ન કરી હતી.