Thu Sep 03 2026

Logo

ભારતનું ભવિષ્ય જોખમમાં? ઈલોન મસ્કના ટ્વિટથી ખળભળાટ!

2026-06-07 15:17:00
Author: Mumbai Samachar Team
ભારતનું ભવિષ્ય જોખમમાં? ઈલોન મસ્કના ટ્વિટથી ખળભળાટ!

નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે (Elon Musk) ભારતની વસ્તી સંબંધિત બદલાતી તસવીર પર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તાજેતરના પ્રજનન દરના આંકડા પર પ્રતિક્રિયા આપતા મસ્કે જણાવ્યું કે, ભારતનો જન્મ દર હવે રિપ્લેસમેન્ટ લેવલથી નીચે પહોંચી ગયો છે અને દેશના શિક્ષિત વર્ગમાં આ દર ઘણા વર્ષો પહેલા જ આ સ્તરથી નીચે આવી ગયો હતો.

તેમની આ ટિપ્પણી 2024ના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS)ના અહેવાલ પછી આવી છે. અહેવાલ મુજબ, ભારતનો કુલ પ્રજનન દર (TFR) ઘટીને પ્રતિ મહિલા 2.1 થી 1.9 બાળક રહી ગયો છે.

શું હોય છે રિપ્લેસમેન્ટ લેવલ?

વસ્તી વિષયક નિષ્ણાતોના મતે, પ્રતિ મહિલા 2.1 બાળકનો પ્રજનન દર રિપ્લેસમેન્ટ લેવલ ગણાય છે. આનો અર્થ એ છે કે, એક પેઢી માઈગ્રેશન (સ્થળાંતર) વગર પોતાની આગામી પેઢીનું સ્થાન સ્થિર રીતે લઈ શકે છે. જો કોઈ દેશનો પ્રજનન દર લાંબા સમય સુધી રિપ્લેસમેન્ટ લેવલથી નીચે રહે છે, તો વસ્તી વૃદ્ધિ ધીમી પડી જાય છે અને ભવિષ્યમાં તે નકારાત્મક પણ થઈ શકે છે.

નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથ શું છે?

ઉદાહરણ તરીકે એક વર્ષમાં 10 લાખ બાળકો જન્મ્યા અને 12 લાખ લોકોના મૃત્યુ થયા. માઈગ્રેશન (સ્થળાંતર)ની અસર શૂન્ય રહી. એટલે કે બીજા દેશમાંથી કોઈ પ્રવાસી ન આવ્યો અને પોતાના દેશમાંથી કોઈ બહાર ન ગયું, તો આવી સ્થિતિમાં વસ્તી 2 લાખ ઓછી થઈ જશે. આને નકારાત્મક વસ્તી વૃદ્ધિ કહેવામાં આવશે. ઓછા બાળકો જન્મવાને કારણે સમાજમાં વડીલો (વૃદ્ધો)નું પ્રમાણ વધી જાય છે. યુવાનોની સંખ્યા ઓછી થવાથી ઉદ્યોગો અને સેવાઓમાં કામદારોની અછત સર્જાઈ શકે છે.
 
જન્મ દર અને પ્રજનન દરમાં તફાવત

મોટેભાગે જન્મ દર અને પ્રજનન દર (Fertility Rate)ને એક જ માનવામાં આવે છે, પરંતુ બંને અલગ-અલગ છે:
જન્મ દર (Birth Rate): કોઈ એક વર્ષમાં પ્રતિ 1,000 ની વસ્તી પર થતા જીવિત જન્મોની સંખ્યા.
કુલ પ્રજનન દર (TFR): એક મહિલાના જીવનકાળ દરમિયાન સરેરાશ જન્મતા બાળકોની સંખ્યા.
આ બંને સૂચકાંકો એકબીજા સાથે જોડાયેલા છે.