Tue Oct 06 2026

Logo

ખાખી વર્દીમાં છુપાયેલી માની મમતા: સુરતના પોલીસ સ્ટેશનમાં ત્યજી દીધેલી બાળકીની ધામધૂમથી ઉજવાઈ 'છઠ્ઠી'

2026-06-07 19:10:22
Author: Devayat Khatana
ખાખી વર્દીમાં છુપાયેલી માની મમતા: સુરતના પોલીસ સ્ટેશનમાં ત્યજી દીધેલી બાળકીની ધામધૂમથી ઉજવાઈ 'છઠ્ઠી'

સુરત: ભારતીય પરંપરામાં સોળ સંસ્કારોનું આગવું મહત્વ રહેલું છે. ત્યારે કોઈ પણ બાળકના જન્મ બાદ છઠ્ઠા દિવસે 'છઠ્ઠી' ઉજવવામાં આવે અને બાળકના નામકરણની શરૂઆત થાય. સામાન્ય રીતે છઠ્ઠીની વિધિ ઘરની અંદર થાય પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પોલીસ સ્ટેશનની અંદર નામકરણ સાથે છઠ્ઠીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હોય. તો આવો જ એક કિસ્સો સુરતથી બહાર આવ્યો છે, જેમાં શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ત્યજી દીધેલી નવજાત બાળકીની પોલીસ સ્ટેશનમાં  છઠ્ઠીની  ઉજવણી કરીને માનવીય સંવેદનોને ધબકાર આપ્યો હતો. 

આ ઘટનાની વિગત એવી છે કે, ગત તા. 21મી મે-2026ના સુરતના ઔદ્યોગિક વિસ્તાર બમરોલી રોડ ખાતે એક ફોર વ્હીલ ગાડીની નીચે કોઈ પાષાણ હૃદયના માતા-પિતા માસૂમ નવજાત બાળકીને ત્યજીને ચાલ્યા ગયા હતા. અસહ્ય ગરમી અને જોખમી સ્થિતિ વચ્ચે ત્યાંથી પસાર થતા એક સંવેદનશીલ રિક્ષાચાલકની નજર આ બાળકી પર પડી હતી. તેમણે સમયસૂચકતા વાપરી તુરંત જ સવારે કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.

માહિતી મળતા જ પાંડેસરા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકીની સ્થિતિ અત્યંત નાજૂક જણાતા પોલીસે 108  ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પાંડેસરા પો. સ્ટે.ના મહિલા કર્મચારીઓની ખાખી વર્દીની પાછળ છુપાયેલી એક માની મમતા ઉજાગર થઈ હતી. સતત 13  દિવસ સુધી આ મહિલા પોલીસકર્મીઓએ પોતાની સગી દીકરી હોય તેમ રાત-દિવસ બાળકીની સેવા કરી હતી. મહિલા પોલીસ કર્મચારીઓની આ મહેનત અને તબીબોની સારવાર રંગ લાવી હતી. ત્યારે શનિવારે બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ હતી.    

બાળકી સ્વસ્થ થતાં જ પોલીસ સ્ટાફે આ ખુશીને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પાંડેસરા પોલીસની 'શી ટીમ'ના તમામ કર્મચારીઓએ ભેગા મળીને આ માસૂમ દીકરીની ધામધૂમથી 'છઠ્ઠી' ઉજવણી કરી હતી.ભારતીય સંસ્કૃતિમાં દીકરીના જન્મ પર મોસાળ પક્ષ કે પિતા તરફથી જે ચીજવસ્તુઓ મોકલવામાં આવે છે, તે પરંપરા નિભાવતા પી.આઈ. જાડેજાએ આ માસૂમ બાળકીનું ધામધૂમથી 'જીયાણું' કર્યું હતું. તેમણે દીકરી માટે નરમ કપડાં, ઝભલાં, સ્વેટર અને રાત્રે ઓઢવા માટે મુલાયમ બ્લેન્કેટ, ગોદડી, રમકડાં તેમ જ બાળકીની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ 'હેલ્થ એન્ડ હાઇજીન કીટ' પણ તૈયાર કરી હતી. પાંડેસરા પોલીસ પરિવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીનું નામકરણ કરવા છઠ્ઠીની ઉજવણી કરી હતી. 

પાંડેસરા પોલીસ સ્ટેશનનો માહોલ તે દિવસે સાવ બદલાઈ ગયો હતો. ટેબલ પરની ફાઈલો બાજુ પર હતી અને આખું પોલીસ સ્ટેશન ફૂલો અને તોરણોથી શણગારાયું હતું. નિરાધાર દીકરીના જીવનના છઠ્ઠા દિવસે વૈદિક પરંપરા મુજબ 'છઠ્ઠી ઉત્સવ' ધામધૂમથી મનાવવામાં આવી હતી.


આ ઐતિહાસિક અને ભાવવિભોર કરનારી ક્ષણે વિધિપૂર્વક બાળકીનું નામકરણ કરવામાં આવ્યું હતું. કાયદા અને સંવેદનાના સંગમ સમાન આ દીકરીનું નામ રાખવામાં આવ્યું કશિશ. કશિશ એટલે આકર્ષણ, એક એવું ખેંચાણ જે પથ્થર દિલના માણસોને પણ પીગળાવી દે. પાંડેસરા પોલીસ દ્વારા લેવાયેલો આ નિર્ણય ગુજરાત પોલીસના ઈતિહાસમાં પોલીસ સ્ટેશન દીકરીના નામકરણ સાથે છઠ્ઠીની ભવ્ય ઉજવણીનું સાક્ષી બન્યું. કશિશને એક એવો પરિવાર મળ્યો, જે તેની સુરક્ષા માટે ચોવીસ કલાક ખડેપગે રહે છે. આ કિસ્સાની હાલ ચોમેર ચર્ચા થઈ રહી છે.