અમદાવાદઃ સુરતમાં ફરી ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોના મોતની ઘટના ઘટી છે. અહીંની ખાંડ બજારમાં આવેલા જ્વેલરી પ્રોસેસિંગ યુનીટની ઈટીપી ટેંકમાં સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકના મોત નિપજયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ઘટના ચોર્યાસી ડેરી પરિસરની નજીક આવેલા રતિ હાઉસ (રતિહ જ્વેલર્સ) માં બની હતી. ફાયર બ્રિગેટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કામદારો નિયમિત સફાઈ માટે ભૂગર્ભ ટાંકીમાં ઉતર્યા હતા ત્યારે તેઓ બેભાન થઈ ગયા અને અંદર ફસાઈ ગયા હતા.
સવારે લગભગ 10:22 વાગ્યે ઇમરજન્સી કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ચારેય કામદારોને બહાર કાઢીને સ્મીમર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
મૃતકોની ઓળખ સુપરવાઈઝર નિમેશ વિઠ્ઠલભાઈ સાવલિયા (26), વિકાસકુમાર સંતોષભાઈ સોનાવણે (24), વિજય ભીખાભાઈ આહીરે (24) અને યોગેશ નાનાભાઈ જાદવ તરીકે થઈ હતી.
વરાછા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર એક શ્રમિક ટેંકમાં પડી ગયો હતો, પરંતુ સાઈટ પર પહોંચ્યા બાદ ખબર પડી હતી કે ચાર શ્રમિક ટેંકમાં ઉતર્યા હતા. આ સાથે શ્રમિકોના શરીર પર કે આસપાસમાં કોઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ(પીપીઈ)મળ્યા ન હતા. જે દર વખતની જેમ આ વખતે પણ નિયમો અને શ્રમિકોની સુરક્ષાની અવગણના થઈ હોવાનું જણાવે છે. જોકે કેસની ઊંડી તપાસ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પોલીસૂત્રોએ આપેલી વધારાની માહિતી અનુસાર ટાંકીનો ઉપયોગ જ્વેલરી મેકિંગ દરમિયાન ઉત્પન્ન થતા કચરાને એકત્ર કરવા માટે કરવામાં આવતો હતો અને સમયાંતરે તેની સફાઈ કરવામાં આવતી હતી. પ્રાથમિક તારણો સૂચવે છે કે ટાંકીમાં પ્રવેશ્યા પછી ગૂંગળામણ અથવા ઝેરી ગેસને કારણે કામદારો બેભાન થઈ ગયા હશે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી હતી. આ અંગે જ્વેલરી એકમના સૂત્રો સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.